T20I રેન્કિંગ્સમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ!:અભિષેકને પછાડીને ઈશાન કિશન નવો નંબર-1 બેટર બન્યો; ખાસ ક્લબમાં એન્ટ્રી પણ કરી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે મેન્સ T20 ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં બેટર્સની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતનો વિકેટકીપર ઈશાન કિશન નવો નંબર-1 બેટર બની ગયો છે. તેણે એક સ્થાન આગળ વધીને પોતાના જ દેશના અભિષેક શર્મા પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો છે. ઈશાનના ખાતામાં હાલમાં 876 રેટિંગ પોઇન્ટ્સ છે. અભિષેક 869 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. ભારતીય ઓપનર આશરે 12 મહિનાથી ટૉપ પર હતો પરંતુ ઈશાન માત્ર 6 મહિનાની અંદર જ તેનું સિંહાસન છીનવી લીધું છે. ઈશાને જાન્યુઆરીમાં કમબેક કર્યું હતું હકીકતમાં, ઈશાન બે વર્ષ ભારતીય ટીમથી બહાર રહ્યા બાદ આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કર્યું હતું. તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ તાજેતરમાં આયર્લેન્ડ પ્રવાસ પર તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તેણે અહીં એક રન ઉપરાંત 12 રનનો સ્કોર બનાવ્યો હતો. અભિષેકે આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં 49 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બીજી મેચમાં ગોલ્ડન ડક (ઝીરો રન)નો શિકાર બન્યો હતો. ભારતને આ સિરીઝમાં 0-2થી ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈશાને ખાસ ક્લબમાં એન્ટ્રી કરી ઈશાને એક ખાસ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે T20 બેટરોની રેન્કિંગમાં ટૉપ પોઝિશન પર પહોંચનારો ભારતનો ચોથો મેન્સ ક્રિકેટર બની ગયો છે. ઈશાન અને અભિષેક સિવાય વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે આ પરાક્રમ કરી બતાવ્યું છે. સૂર્યા હવે ભારતીય ટીમથી બહાર છે. તેની પાસેથી કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી છે. તે એક સ્થાન નીચે સરકીને આઠમા નંબરે પહોંચી ગયો છે. ટૉપ-10માં ચાર ભારતીય બેટર છે. તિલક વર્મા છઠ્ઠા નંબર પર યથાવત છે. તેણે બીજી મેચમાં ફિફ્ટીની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન ત્રીજા નંબરે છે. ઓલરાઉન્ડર શિવમ દુબે આગળ વધ્યો બીજી તરફ, આયર્લેન્ડના કેપ્ટન અને બેટર લોરકન ટકર (ચાર સ્થાન આગળ વધીને 77મા ક્રમે) અને રોસ અડાયરે (6 સ્થાન આગળ વધીને 84મા ક્રમે) ભારત સામે સારું પ્રદર્શન કર્યા બાદ રેન્કિંગમાં સુધારો કર્યો છે. ફાસ્ટ બોલર મેથ્યુ હમ્ફ્રીઝે (એક સ્થાન આગળ વધીને 25મા ક્રમે) સિરીઝમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે બોલર્સની યાદીમાં પોતાના કરિયરનું સૌથી વધુ રેટિંગ મેળવ્યું છે. અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન નંબર-1 T20 બોલર છે. ભારતના શિવમ દુબે (ત્રણ સ્થાન આગળ વધીને સાતમા ક્રમે) અને આયર્લેન્ડના ગેરેથ ડેલાની (ચાર સ્થાન આગળ વધીને 24મા ક્રમે) તથા હેરી ટેક્ટર (આઠ સ્થાન આગળ વધીને 38મા ક્રમે) ઓલરાઉન્ડર્સની અપડેટેડ રેન્કિંગમાં આગળ વધ્યા છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા નંબર-1 ઓલરાઉન્ડર છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

