Trump Visa Appointment Cancel; India Impact & September Deadline Update
15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને દુનિયાભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ રોકી દીધી છે. આની સૌથી વધુ અસર ભારત પર પડવાની આશંકા છે. ટ્રમ્પ પ્રશાસને પોતાના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકામાં ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, અમેરિકી વિદેશ વિભાગના એક પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે તમામ અમેરિકી દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોમાં એક ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને આ ટ્રેનિંગ માટે વિઝા એપોઇન્ટમેન્ટમાં ફેરફાર કરવામાં આવશે. આ તમામ અપોઇન્ટમેન્ટ 1 સપ્ટેમ્બર પછી ફરીથી રિશેડ્યૂલ કરવામાં આવશે.
વિભાગે કહ્યું કે આ પહેલનો હેતુ કોન્સ્યુલર અધિકારીઓને અરજદારોની તપાસ વધુ સારી રીતે કરવામાં અને એવા લોકોની ઓળખ કરવામાં મદદ કરવાનો છે જેમના અમેરિકી સરકારી સુવિધાઓ પર નિર્ભર રહેવાની શક્યતા છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ અઠવાડિયે યોજાશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં, કન્સ્યુલર અધિકારીઓને એવા અરજદારોના ઇમિગ્રન્ટ વિઝા (ગ્રીન કાર્ડ અરજી, આશ્રય/એસાયલમ) અસ્વીકાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવશે કે જેઓ અમેરિકામાં આવ્યા પછી સરકારી સહાય પર નિર્ભર રહેશે.

ફાઇલ ફોટો.
અચાનક કેમ રોકી દેવાઈ અમેરિકાની તમામ વિઝા એપોઇન્ટમેન્ટ્સ?
આ રોક એવા સમયે લગાવવામાં આવી છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન પર સતત કડકાઈ વધારી રહ્યું છે. જેમાં વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવાનું પણ સામેલ છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં અમેરિકાએ અનેક આધારો પર અરજીઓ ફગાવી દીધી છે, જેમાં રાજકીય વિચારો અને પેલેસ્ટાઇન સમર્થક વિરોધ પ્રદર્શનોમાં સામેલ હોવાનું સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ પગલાંનો હેતુ સ્થાનિક સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.
અસાઇલમ વિઝા અરજદારોના વિઝા રદ
ટ્રમ્પ વહીવટીતંત્ર એવા વિદેશી નાગરિકોના વિઝા રદ કરવાની યોજના બનાવી રહ્યું છે કે જેઓ પ્રવાસ કે વ્યવસાય માટે US આવ્યા હતા પરંતુ બાદમાં કાયમી નિવાસી બનવા માટે આશ્રય માટે અરજી કરી હતી. વિભાગે આવા વિઝાની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે અને જો સરકાર આ વિઝા પર કડક કાર્યવાહી કરશે તો લગભગ 2,00,000 લોકો ગેરકાયદેસર બની જવાનો અંદાજ છે.
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતના 3.63 લાખ વિદ્યાર્થીઓ
અમેરિકામાં 2024-25 શૈક્ષણિક વર્ષમાં 11,77,766 વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ ગત વર્ષની સરખામણીએ 5% વધુ છે. ઓપન ડોર્સ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ડેટા અનુસાર, અમેરિકામાં પહેલી વાર પ્રવેશ લેનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 7% ઘટીને 2,77,118 રહી ગઈ છે. ત્યાં જ, ભારતમાંથી નવા વિદ્યાર્થીઓની અરજીઓમાં 15%નો ઘટાડો થયો છે. તેમ છતાં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 3,63,019 ભારતીય વિદ્યાર્થીઓ છે. આ ગત વર્ષ કરતાં 10% વધુ છે.

ભારતમાંથી નવી અરજીઓ 15% ઘટી
ડેટા પરથી સંકેત મળે છે કે કુલ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ એપ સિસ્ટમમાં નવા વિદ્યાર્થીઓની એન્ટ્રી ઓછી થઈ રહી છે. કોમન એપ અનુસાર 2025-26 અરજી સત્રમાં વિદેશી અરજદારો 10% ઘટ્યા. ભારતમાંથી અરજીઓ 15% ઘટી છે.
ભારતીયો પર શું અસર પડી શકે?
જે ભારતીય અરજદારોના ઇમિગ્રન્ટ કે નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂ પહેલાથી નક્કી હતા, હવે તેમની એપોઇન્ટમેન્ટ રદ થઈ શકે છે અથવા આગળ વધારાઈ શકે છે. અમેરિકી સરકારે એ સ્પષ્ટ નથી કર્યું કે આ ટ્રેનિંગ અને રોક કેટલા સમય સુધી ચાલશે, જેનાથી ભારતીય અરજદારોને નવી તારીખો માટે લાંબી રાહ જોવી પડી શકે છે. જે ભારતીયો પોતાના પરિવાર કે નોકરીના આધારે ગ્રીન કાર્ડ અથવા કાયમી વિઝાની રાહ જોઈ રહ્યા છે, તેમની પ્રક્રિયા વચમાં જ અટકી શકે છે.
ટ્રમ્પ પ્રશાસનની ઇમિગ્રેશન નીતિઓને કાનૂની પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, શુક્રવારે એક અમેરિકી જજે એ નીતિને રદ કરી દીધી, જેના હેઠળ 75 દેશોના અરજદારો માટે ઇમિગ્રન્ટ વિઝા આપવા પર રોક લગાવવામાં આવી હતી. જજે ચુકાદો આપ્યો કે આ પગલું સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયોના કાનૂની અધિકારક્ષેત્રની બહાર હતું.
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકામાં વિઝા નિયમો કડક
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકાએ વિઝા નિયમો પહેલાથી જ કડક કરી દીધા છે. અરજદારો પાસેથી સોશિયલ મીડિયાની માહિતી માંગવામાં આવી રહી છે, મોંઘા વિઝા બોન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક દેશોના નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકી ઉપ વિદેશ મંત્રી ક્રિસ્ટોફર લેન્ડોએ કહ્યું કે કેટલાક લોકો ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા લઈને અમેરિકા આવે છે અને પછી ત્યાં રહેવા માટે આશ્રયની અરજી કરે છે. તેમણે કહ્યું કે આશ્રયનો ઉપયોગ ઇમિગ્રેશન કાયદાથી બચવાના માર્ગ તરીકે થવો જોઈએ નહીં.

છેલ્લા 18 મહિનામાં 1.75 લાખ વિઝા રદ થઈ ચૂક્યા છે
B1 વિઝા સામાન્ય રીતે વ્યવસાયિક યાત્રા માટે, જ્યારે B2 વિઝા પર્યટન, પરિવારને મળવા અથવા તબીબી સારવાર માટે જારી કરવામાં આવે છે.
જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આ વિઝા ધારકોમાંથી કેટલા લોકો આશ્રય માગી ચૂક્યા છે અથવા માગી રહ્યા છે અને કેટલા લોકો પ્રસ્તાવિત કાર્યવાહીથી પ્રભાવિત થશે. છેલ્લા 18 મહિનામાં અમેરિકી વિદેશ વિભાગ લગભગ 1.75 લાખ વિઝા રદ કરી ચૂક્યો છે. આમાં અપરાધના આરોપી અથવા દોષિત લોકો અને અમેરિકી નીતિઓ વિરુદ્ધ જાહેરમાં બોલનારા કેટલાક લોકો પણ સામેલ છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


