U-19 વર્લ્ડ કપ ફાઈનલમાં આજે IND vs ENG:ટીમ ઈન્ડિયાની નજર છઠ્ઠા ટાઇટલ જીતવા પર રહેશે, 2022માં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું

Last Updated: February 6, 2026By

U-19 વર્લ્ડ કપ ફાઈનલમાં આજે 5 વખતની ચેમ્પિયન ભારત સામે ઇંગ્લેન્ડનો પડકાર હશે. ફાઈનલ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં બપોરે 1 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ 12:30 વાગ્યે કરવામાં આવશે. ભારતીય ટીમ રેકોર્ડ 10મી વખત ફાઈનલમાં પહોંચી છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમશે. ટીમે 1998માં એકમાત્ર ટાઇટલ જીત્યું હતું. આ પહેલા 2022ની ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને પાંચમી વખત ટ્રોફી જીતી હતી. હેડ ટુ હેડમાં ભારત આગળ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 56 યુથ વન-ડે મેચમાં ઈન્ડિયન ટીમનો દબદબો છે. ભારતે તેમાંથી 41 મેચ જીતી છે, જે કુલ મુકાબલાના લગભગ 73.2% છે. જ્યારે ઇંગ્લેન્ડને 13 મેચમાં જીત મળી છે, એટલે કે તેની જીતની ટકાવારી લગભગ 23.2% રહી છે. આ સિવાય 1 મુકાબલો ટાઈ રહ્યો અને 1 મેચ રદ થઈ. વૈભવ ભારતનો ટૉપ સ્કોરર આ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 6 મેચમાં 264 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 82 રન રહ્યો છે. આ દરમિયાન તેણે 3 હાફ સેન્ચુરી ફટકારી. બોલિંગમાં હેનિલ પટેલે કમાલનું પ્રદર્શન કર્યું છે. તેણે 6 મેચમાં 11 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 16 રન આપીને 5 વિકેટનું રહ્યું છે. મેની લુમ્સડેન ટુર્નામેન્ટનો ટૉપ વિકેટ ટેકર આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. બેટિંગમાં બેન મેયસે દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે 6 મેચમાં 399 રન બનાવ્યા છે, જેમાં તેનો બેસ્ટ સ્કોર 191 રન રહ્યો. જ્યારે બોલિંગમાં મેની લુમ્સડેને ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ 15 વિકેટ ઝડપી છે. લુમ્સડેન ટુર્નામેન્ટનો પણ ટૉપ વિકેટ ટેકર છે. હરારેમાં છેલ્લી મેચમાં 600+ રન બન્યા હરારેની પીચ બેટર્સને સપોર્ટ કરે છે અને બોલરોને પણ થોડો સપોર્ટ મળે છે. અહીં બાઉન્સ અને સ્પીડ સારી રહે છે, જેનાથી સ્ટ્રોક રમવા સરળ બની જાય છે. અહીંની સ્ક્વેર અને સ્ટ્રેટ બાઉન્ડ્રીઝ થોડી નાની છે, જેનાથી ચોગ્ગા અને છગ્ગા મારવામાં બહુ મુશ્કેલી પડતી નથી. આનો અંદાજ બીજી સેમિફાઈનલમાં રમાયેલા ભારત-અફઘાનિસ્તાન મુકાબલા પરથી લગાવી શકાય છે, જ્યાં બંને ટીમ વચ્ચે કુલ મળીને 621 રન બન્યા. 58% વરસાદની આશંકા હવામાનમાં આખો દિવસ તડકો અને વાદળોની મિશ્ર અસર જોવા મળશે. બપોરના સમયે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. તાપમાન 16 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. મેચ દરમિયાન વરસાદની 58% આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 ભારત (IND): આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આર.એસ અંંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ અને દીપેશ દેવેન્દ્રન. ઇંગ્લેન્ડ (ENG): થોમસ રેવ (કેપ્ટન), બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન મેયસ, કાલેબ ફોકનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મીટો, મેની લુમ્સડેન અને એલેક્સ ફ્રેન્ચ. મેચ ક્યાં જોઈ શકાશે? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થનારા આ મુકાબલાનું લાઈવ બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, જિયોહોટસ્ટાર પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. આ સિવાય, દિવ્ય ભાસ્કર એપ પર પણ મેચ સાથે જોડાયેલા લાઇવ અપડેટ્સ જોઈ શકાય છે.