US Fighter Jets Surge in Middle East; Iran Attack Prep? satellite images
3 કલાક પેહલા
- કૉપી લિંક
મીડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સેટેલાઇટ ઈમેજિસથી જાણવા મળે છે કે યુએસ મિલિટરી બેઝ પર ફાઇટર જેટ, ટેન્ક અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પ્લેનેટ લેબ્સ અને રોઇટર્સની તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કતાર, જોર્ડન અને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણામાં મોટાપાયે ફેરફાર થયા છે. એક્સપર્ટનું કહેવું છે કે આ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર હુમલો કરવાની તૈયારી અથવા જવાબી કાર્યવાહી સામે બચાવનો સંકેત છે.

ડાબી બાજુની તસવીર 17 જાન્યુઆરી 2026ની છે અને બાજુની તસવીર 1 ફેબ્રુઆરી 2026ની છે. આ બંને તસવીર કતારના દોહામાં આવેલા અલ ઉદેદ એરબેઝની છે. બંને તસવીરોના ફરકમાં જોઈ શકાય છે કે અમેરિકા પ્લેનનો કાફલો વધારી રહ્યું છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે ન્યુક્લિયર ડિલ ઇચ્છે છે, પરંતુ તેના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને રોકવાની પણ માંગ કરી રહ્યા છે. ઈરાને સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઈ ડિલ નહીં થાય તો ઈરાન પર વિનાશક હુમલો કરશે. ગયા વર્ષે અમેરિકાએ ઈરાની ન્યુક્લિયર સાઈટ પર હુમલો કર્યો હતો. હવે તણાવ ફરી વધી રહ્યો છે. ઈરાન તેની ન્યુક્લિયર સાઈટને માટીથી ઢાંકી રહ્યું છે અને ટનલ બંધ કરી રહ્યું છે, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર એટેક કરશે.
સેટેલાઇટ ઈમેજમાં શું દેખાય છે?
પ્લેનેટ લેબ્સની તસવીરોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 વચ્ચે યુએસના લશ્કરી ઠેકાણામાં નોંધપાત્ર ફેરફારો દેખાય છે…
- અલ ઉદેદ એર બેઝ, કતાર: યુએસ સેન્ટ્રલ કમાન્ડનું મુખ્ય મથક. 17 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી વચ્ચે વિમાનોની સંખ્યામાં વધારો થયો. ઈરાની મિસાઈલો સામે રક્ષણ માટે મોબાઈલ પેટ્રિઅટ મિસાઈલ લોન્ચર્સ તહેનાત કરવામાં આવ્યા હતા.
- મુવફ્ફક સાલ્ટી એર બેઝ, જોર્ડન: 25 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન ડઝનબંધ F-15E ફાઈટર જેટ, A-10 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ અને MQ-9 ડ્રોન આવ્યા. આ ઈરાનની નજીક છે.
- પ્રિન્સ સુલતાન એર બેઝ, સાઉદી અરેબિયા: ભારે માલ વહન કરતા C-5 ગેલેક્સી અને C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જોવા મળ્યા.
- ઓમાન અને ડિએગો ગાર્સિયા જેવા અન્ય સ્થળોએ પણ વિમાનોમાં વધારો જોવા મળ્યો. એકંદરે, ફાઈટર જેટ, ટેન્કર અને ડિફેન્સ સિસ્ટમની તહેનાતીમાં ભારે વધારો થયો.

આ જોર્ડનના અલ અઝરાક શહેર પાસે આવેલું મુઅફક્ક સાઈતી એરબેઝ. ઉપરની તસવીર 25 જાન્યુઆરી 2026ની છે અને નીચેની તસવીર 2 ફેબ્રુઆરી 2026ની છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અમેરિકા ટેન્ક અને ફાઈટર જેટની સંખ્યા વધારી રહ્યું છે.
આનો અર્થ શું છે?
ટ્રમ્પ સ્પષ્ટ મેસેજ આપી રહ્યા છે કે તે તૈયાર છે. આ હુમલાની તૈયારી હોઈ શકે છે, કારણ કે આટલો મોટો જમાવડો કરવો બહુ ખર્ચાળ છે. અથવા બની શકે કે ઈરાનની મિસાઈલો સામે રક્ષણ માટે ફોર્સ વધારી હોય, કારણ કે ઈરાને અગાઉ અમેરિકાના લશ્કરી ઠેકાણા અલ ઉદેદ પર હુમલો કર્યો હતો.
ઈરાન તેના પરમાણુ સ્થળો (જેમ કે ઇસ્ફહાન) ને પણ મજબૂત બનાવી રહ્યું છે, ટનલને માટીથી ભરી રહ્યું છે.

આ તસવીર કતારના અલ ઉદેદ એરબેઝની છે. ડાબી તસવીર 17 જાન્યુઆરીની છે અને જમણી તસવીર 1 ફેબ્રુઆરીની છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અમેરિકાએ આ ઠેકાણામાં MIM-104 એર ડિફેન્સ સિસ્ટમ મૂકી છે.
ઈરાનના વડાપ્રધાનની ઓફિસમાંથી ચીફ આર્મી કમાન્ડરને કોલ જાય છે. વી આર ઓન એલર્ટ… તરત જ ચીફ આર્મી કમાન્ડર તેની સેનાને સૂચના આપે છે. પોતે પણ અંડરગ્રાઉન્ડ મિસાઈલ રૂમમાં પહોંચે છે અને 35 ફૂટ લાંબી મિસાઈલોને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાંથી બહાર કાઢવામાં આવે છે. આવી તો ઘણી મિસાઈલો કાઢવાની તૈયારી ચાલી રહી છે… આનો એક વીડિયો ઈરાનના મીડિયામાં દેખાયો, પછી તરત ડિલિટ થઈ ગયો. આના પરથી અંદાજ લગાવી શકાય કે ઈરાન અમેરિકા સામે યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર છે.
બીજું, ઓમાનની રાજધાની મસ્કતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 6 ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે બે વાગ્યે મિટિંગ થઈ. ચાર વાગ્યે સમાચાર આવ્યા કે મિટિંગ નિષ્ફળ રહી છે. આ મિટિંગ શરૂ થવાની હતી તેના થોડા કલાકો પહેલાં જ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાનમાં જેટલા અમેરિકન નાગરિકો છે તેઓ ઈરાનમાંથી નીકળી જાય… એનો મતલબ એ થયો કે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

ઈરાનના અબ્બાસ બંદરની આ સેટેલાઈટ ઈમેજ છે. તેમાં દેખાય છે કે ઈરાનનું ડ્રોન કેરિયર શિપ શાહીદ બાઘેરી સમુદ્રામાં તહેનાત છે.
હવે આગળ શું?
એક તરફ બંને દેશોની વાતચીત ચાલુ છે પરંતુ બંને બાજુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ હુમલો ક્ષેત્રીય યુદ્ધ તરફ દોરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ ડિપ્લોમસીને મજબૂત બનાવવાનું દબાણ પણ હોઈ શકે છે.
ઈઝરાયલ સિવાયના મિડલ ઈસ્ટના દેશો ઈરાનની પડખે
મિડલ ઈસ્ટના દેશો ઈચ્છતા નથી કે ગાઝા પછી મિડલ ઈસ્ટમાં લાંબા સમય માટેનું કોઈ યુદ્ધ થાય. સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરબ અને ઓમાન યુદ્ધનો વિરોધ કરે છે. સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈરાનને આશ્વાસન આપ્યું છે કે તે ઈરાન વિરુદ્ધ તેની એરસ્પેસનો ઉપયોગ અમેરિકાને નહીં કરવા દે.

આ તસવીર સાઉદી અરેબિયાના અલ-ખાર્જમાં આવેલા પ્રિન્સ સુલતાન એરબેઝની છે. ઉપરની તસવીર 6 ડિસેમ્બર 2025ની છે. નીચેની તસવીર 2 ફેબ્રુઆરી 2026ની છે. સ્પષ્ટ જોઈ શકાય છે કે અમેરિકાએ ફાયટર પ્લેનની સંખ્યામાં વધારો કર્યો છે.
આ વખતે ઈરાન પણ આક્રમક છે. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે ઈરાન આ વખતે ઝૂકશે નહીં. આ વખતે તો લડી જ લેવું છે. ઈરાન એટલે જોરમાં છે કે મિડલ ઈસ્ટના કેટલાક દેશો તેના સપોર્ટમાં છે. આ વખતે ઈરાન એકલું નથી.
ઈઝરાયલને એમ છે કે મિડલ ઈસ્ટમાં દબદબો વધારવા ઈરાન પર હુમલો થાય એ જરૂરી છે. રોઈટર્સ લખે છે કે ટ્રમ્પ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઈરાનનાં સૈન્ય ઠેકાણાં અને સરકારી ઈમારતો પર હુમલા કરશે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાનમાં તખતાપલટ થાય, પણ ટ્રમ્પના મનમાં શું ચાલે છે એ ટ્રમ્પ જ જાણે…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


