Virat Kohli; IPL 2026 RCB vs DC LIVE Score Updates Rajat Patidar Tim David

Last Updated: April 17, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026નો એક મહિનો થવા આવશે. અત્યાર સુધીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટુર્નામેન્ટની સૌથી સંતુલિત અને મજબૂત ટીમ બનીને ઉભરી છે. શનિવારે પોતાના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો સામનો દિલ્હી કેપિટલ્સ (DC) સામે થશે. RCBનો પ્રયાસ રહેશે કે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત ચોથી જીત નોંધાવે.

RCB પાસે જોશ હેઝલવુડની આગેવાનીમાં એક સક્ષમ બોલિંગ યુનિટ છે. ટીમના વાઇસ-કેપ્ટન જિતેશ શર્માએ જણાવ્યું કે ટીમ ચિન્નાસ્વામીની પીચ મુજબ વ્યૂહાત્મક રીતે કામ કરી રહી છે. આ જ કારણ છે કે તેઓ આ સીઝનમાં પોતાના ઘરમાં અજેય રહ્યા છે. જો દિલ્હીના બેટર્સ પોતાની ટેકનિકમાં સુધારો નહીં કરે, તો આ મુકાબલો પણ એકતરફી બની શકે છે.

બીજી તરફ, બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 19 મેચ જીતી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ (DC)ને 12 મેચમાં જીત મળી છે. આ ઉપરાંત એક મેચ ટાઈ રહી છે અને એક મેચનું કોઈ પરિણામ આવી શક્યું નથી.

ગયા વર્ષે બંને વચ્ચે રમાયેલી બે મેચમાંથી બંને ટીમે એક-એક મેચ જીતી છે. RCBએ અરુણ જેટલી સ્ટેડિયમમાં અને DCએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ પોતાના નામે કરી છે.

કોહલી પાસે ઓરેન્જ કેપ, પરંતુ હવે આખી ટીમ ફોર્મમાં

આ સીઝનમાં પણ સૌની નજર વિરાટ કોહલી પર ટકેલી છે અને તેણે પોતાના ફેન્સને નિરાશ કર્યા નથી. કોહલી અત્યારે ‘ઓરેન્જ કેપ’ હોલ્ડર છે. જોકે, આ વખતે ખાસ વાત એ છે કે RCBની બેટિંગ માત્ર કોહલી પર નિર્ભર નથી. કેપ્ટન રજત પાટીદાર, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ અને ટિમ ડેવિડે શાનદાર ઇનિંગ્સ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોહલી હવે વધુ ખુલીને રમી શકે છે કારણ કે તેને ખબર છે કે મિડલ ઓર્ડરમાં રન બનાવનારા ખેલાડીઓ હાજર છે.

છગ્ગા મારવામાં રજત પાટીદાર સૌથી આગળ

RCBનો કેપ્ટન રજત પાટીદાર અત્યારે શાનદાર ફોર્મમાં છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટર્સની યાદીમાં ટોચ પર છે. પાટીદારે 5 મેચમાં 21 છગ્ગા ફટકાર્યા છે. તે રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી કરતા ત્રણ છગ્ગા આગળ છે. પાટીદારની પાવર હિટિંગ દિલ્હીના બોલરો માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

દિલ્હીના અનુભવી ખેલાડીઓ નિષ્ફળ, સમીર રિઝવી એકલો લડી રહ્યો છે

દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ સુધી પોતાની શ્રેષ્ઠ પ્લેઇંગ-11 શોધવામાં વ્યસ્ત છે. ટીમમાં કેએલ રાહુલ, ડેવિડ મિલર અને પથુમ નિસાંકા જેવા અનુભવી ખેલાડીઓ હોવા છતાં સાતત્યનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દિલ્હી અત્યારે ટેબલમાં પાંચમા નંબરે છે, પરંતુ છેલ્લી બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. યુવા બેટર સમીર રિઝવીએ ચોક્કસપણે બે હાફ સેન્ચુરી ફટકારીને સંઘર્ષ બતાવ્યો છે, પરંતુ તેને બીજા છેડેથી સાથ મળી રહ્યો નથી.

કેપ્ટન અક્ષર પટેલ અને કુલદીપ યાદવનું ખરાબ ફોર્મ

દિલ્હી માટે સૌથી મોટી ચિંતા તેમના કેપ્ટન અક્ષર પટેલ અને સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું ફોર્મ છે. અક્ષરે 4 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે અને બેટથી પણ તે ફ્લોપ રહ્યો છે. બીજી તરફ, કુલદીપ યાદવ ઘણો મોંઘો સાબિત થઈ રહ્યો છે અને 10ની ઇકોનોમીથી રન લૂંટાવી રહ્યો છે. ફાસ્ટ બોલિંગમાં મુકેશ કુમાર અને ટી. નટરાજન પણ ટુકડે-ટુકડે જ સારું પ્રદર્શન કરી શક્યા છે.

પીચ રિપોર્ટ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટર્સ માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં બોલ સારી રીતે બેટ પર આવે છે. સ્ટેડિયમ નાનું હોવાને કારણે અહીં ચોગ્ગા-છગ્ગા પણ ખૂબ લાગે છે. બોલરોને અહીં બહુ મદદ મળતી નથી. ફાસ્ટ બોલરોને શરૂઆતમાં થોડી મદદ મળે છે. સ્પિન બોલરોને મિડલ ઓવર્સમાં થોડો ફાયદો મળે છે, પરંતુ બહુ નહીં. ટૉસ જીતવો જરૂરી હોય છે. અહીં ટીમ અવારનવાર પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે, કારણ કે બાદમાં બેટિંગ કરવી સરળ હોય છે. અત્યાર સુધી IPLમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 103 મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 44 અને બીજી બેટિંગ કરનારી ટીમે 55 મેચ જીતી છે. ચાર મેચોનું કોઈ પરિણામ આવ્યું નથી. વળી, આ સીઝનમાં અહીં 3 મેચ રમાઈ છે. બે મેચોમાં સ્કોર 200+ બન્યા છે. જ્યારે એક મેચમાં લખનઉ 146 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.

વેધર રિપોર્ટ

બેંગલુરુમાં શનિવાર, 18 એપ્રિલ 2026ના રોજ હવામાન થોડું તડકાવાળું રહેશે. તાપમાન લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે, તેથી બપોરે ગરમી વધારે હશે. ભેજનું પ્રમાણ આશરે 28 ટકા રહેશે, જેનાથી હવામાન થોડું ઠીક લાગશે. તડકો તેજ રહેશે. પવન હળવો ફૂંકાશે અને વરસાદની શક્યતા લગભગ 10 ટકા છે, એટલે કે વરસાદની આશા ખૂબ ઓછી છે. તેથી આખી મેચ કોઈપણ અવરોધ વગર થવાની શક્યતા છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, અભિનંદન સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: વેંકટેશ અય્યર.

દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતીશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એનગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી.

Leave A Comment