હાલના સમયમાં WhatsApp માત્ર આપ્તજનો સાથે વાતચીત કરવાનું કે મેસેજ મોકલવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે સાયબર ગુનેગારો માટે છેતરપિંડી કરવાનો એક મોટો અડ્ડો બની ગયું છે. જો તમને અચાનક પાકિસ્તાન, વિયેતનામ કે અન્ય દેશોના કન્ટ્રી કોડ (+92, +84 વગેરે) ધરાવતા અજાણ્યા નંબરો પરથી વોઇસ અથવા વિડિયો કોલ આવે, તો તરત જ સચેત થઈ જવાની જરૂર છે. એક સામાન્ય કોલ રિસીવ કરવાની નાની બેદરકારી પણ તમારા બેંક ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ કરી શકે છે.
સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી
આજકાલ સાયબર ગુનેગારો લોકોને ડરાવવા માટે WhatsApp કોલિંગનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. અજાણ્યા નંબર પરથી કોલ કરીને ઠગ પોતાને પોલીસ અધિકારી, સીબીઆઈ (CBI) કે કસ્ટમ્સ ઓફિસર ગણાવે છે. તેઓ સામેવાળી વ્યક્તિ પર ગંભીર ગુનાના ખોટા આરોપો મૂકીને ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે કલાકો સુધી ફોન પર બાનમાં રાખે છે અને માનસિક દબાણ બનાવી મોટી રકમ પડાવે છે.
ડિજિટલ એરેસ્ટ અને વિડિયો બ્લેકમેલિંગ
આ ઉપરાંત, વિડિયો કોલ બ્લેકમેલિંગના કિસ્સા પણ ઝડપથી વધી રહ્યા છે. જેવો તમે વિડિયો કોલ એટેન્ડ કરો છો, સામે પક્ષે અશ્લીલ વિડિયો ચાલુ કરીને સ્ક્રીનશોટ કે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે. ત્યારબાદ બદનામ કરવાની ધમકી આપીને સાયબર ઠગો લાખો રૂપિયાની ખંડણી માંગે છે. તકનીકી રીતે, પીઅર-ટુ-પીઅર (P2P) કનેક્શનના કારણે અજાણ્યા વ્યક્તિનો કોલ એટેન્ડ કરતા જ તમારું IP સરનામું (IP Address) લીક થઈ શકે છે, જેનાથી તમારા ઉપકરણનું લોકેશન અને અંગત ડેટા જોખમમાં મુકાઈ જાય છે.
બચાવ માટે તાત્કાલિક કરો આ સેટિંગ
આવા અજાણ્યા અને બોગસ કોલ્સની ઝંઝટથી બચવા માટે WhatsApp પર એક વિશેષ સુરક્ષા ફિચર ઉપલબ્ધ છે, જેને ‘Silence Unknown Callers’ કહેવાય છે. આ ઓપ્શન ચાલુ કરવાથી તમારા મોબાઈલમાં સેવ ન હોય તેવા કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો ફોનની રિંગ વાગશે નહીં. આ કોલ માત્ર તમારા ‘Calls Tab’ માં જોવા મળશે, જેથી તમે ઉતાવળમાં અજાણ્યો કોલ રિસીવ કરવાથી બચી શકશો.
કેવી રીતે સક્રિય કરશો આ સેટિંગ?
1. સૌપ્રથમ તમારું WhatsApp ઓપન કરીને Settings માં જાઓ.
2. ત્યાં Privacy વિકલ્પ પર ટેપ કરી નીચે સ્ક્રોલ કરો અને Calls ઓપ્શન પસંદ કરો.
3. ત્યાં દર્શાવેલ Silence Unknown Callers ના બટનને સક્રિય (ON) કરી દો.
આ સિવાય, ગોપનીયતા વધારવા માટે આ જ મેનૂમાં આપેલી ‘Protect IP Address in Calls’ સુવિધાને પણ ચાલુ કરી દેવી, જેથી કોલ દરમિયાન તમારું IP એડ્રેસ હંમેશાં સુરક્ષિત રહે.
આ પણ વાંચોઃ પૈસા ખાતામાં નાખીને તમારૂં ખાતું ખાલી કરવાનો સાયબર ઠગોનો નવો કીમિયો, જાણો કેવી રીતે?