WhatsApp New Security Features: વોટ્સએપમાં આવ્યા નવા સિક્યુરિટી ફીચર્સ, હવે એક એકાઉન્ટમાં ઉમેરી શકાશે અનેક પાસકી
Metaના માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે યુઝર્સની સુરક્ષા વધારવા માટે નવા સિક્યુરિટી ફીચર્સ રોલઆઉટ કરવાની જાહેરાત કરી છે. નવા અપડેટમાં એક જ વોટ્સએપ એકાઉન્ટ માટે એકથી વધુ પાસકી ઉમેરવા, મજબૂત ટૂ-સ્ટેપ વેરિફિકેશન અને અજાણ્યા નંબરોથી આવતી કોલ વિશે વધુ માહિતી આપવાની સુવિધા મળશે. કંપનીનું કહેવું છે કે આ ફીચર્સથી યુઝર્સને સ્કેમ અને એકાઉન્ટ હેકિંગથી બચવામાં વધુ મદદ મળશે.
એક એકાઉન્ટ પર ઉમેરી શકાશે અનેક પાસકી
વોટ્સએપના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં 1 અબજથી વધુ લોકો હવે પાસકીનો ઉપયોગ કરી રહ્યા છે. પાસકીની મદદથી યુઝરને ફરીથી એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે વેરિફિકેશન કોડ નાખવાની જરૂર પડતી નથી. તેના બદલે ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા ફોનના સ્ક્રીન લોક દ્વારા એકાઉન્ટમાં લોગ ઇન કરી શકાય છે. નવા અપડેટ બાદ જે યુઝર્સ પાસે એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસ છે, તેઓ એક જ વોટ્સએપ એકાઉન્ટ માટે એકથી વધુ પાસકી ઉમેરી શકશે. આ વિકલ્પ સેટિંગ્સ > એકાઉન્ટ > પાસકીજમાં મળશે
ટૂ-સ્ટેપ વેરિફિકેશન થશે વધુ મજબૂત
વોટ્સએપે ટૂ-સ્ટેપ વેરિફિકેશનમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ યુઝર્સ પોતાના એકાઉન્ટને 6 અંકના પિનથી સુરક્ષિત કરી શકતા હતા. હવે વોટ્સએપ યુઝર્સને અક્ષર, નંબર અને સ્પેશિયલ કેરેક્ટર ધરાવતો સંપૂર્ણ પાસવર્ડ બનાવવાની સુવિધા આપી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેનાથી હુમલાખોરો માટે સિક્યુરિટી માહિતીનો અંદાજ લગાવવો મુશ્કેલ બનશે. વોટ્સએપે યુઝર્સને 123456 જેવા નબળા પાસવર્ડનો ઉપયોગ ન કરવાની સલાહ પણ આપી છે.
અજાણી કોલ આવે ત્યારે મળશે વધુ માહિતી
વોટ્સએપ હવે સેવ ન કરેલા નંબરો પરથી આવતી કોલ દરમિયાન વધુ માહિતી બતાવશે. એન્ડ્રોઇડ પર યુઝર્સ જોઈ શકશે કે કોલ કરનાર નંબર બીજા કોઈ દેશનો છે કે નહીં અને શું તે કોલર યુઝર સાથે કોઈ ગ્રુપમાં સામેલ છે. આ માહિતીથી યુઝરને અજાણી કોલ ઉઠાવવી કે નહીં તે નક્કી કરવામાં મદદ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, સ્કેમ કરનારા લોકો ઘણીવાર લોકોને ઝડપથી જવાબ આપવા માટે દબાણ કરે છે. નવા ફીચર્સ સાથે પર્સનલ મેસેજ અને કોલમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પહેલાની જેમ જ ચાલુ રહેશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

