વર્લ્ડ બ્રેઈન ડે દર વર્ષે 22 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે. મગજને સ્વસ્થ રાખવા અને તેને સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરની જેમ મગજને પણ ડિટોક્સ કરી શકાય છે? આજકાલ શરીરને ડિટોક્સ કરવાની જેમ જ ‘બ્રેઈન ડિટોક્સ’ની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો માને છે કે કેટલીક ખાસ રીતોથી મગજને પૂરેપૂરું સાફ કરી શકાય છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે એવો કોઈ જાદુઈ ઉપાય નથી.
મગજ પોતાની જાતને કુદરતી રીતે જ હેલ્ધી રાખે છે. સાચા અર્થમાં બ્રેઈન ડિટોક્સનો અર્થ એવી આદતો અપનાવવી છે, જેનાથી મગજ પરનો તણાવ ઘટે, વિચારવાની અને સમજવાની ક્ષમતા સુધરે તેમજ માનસિક સ્વાસ્થ્ય મજબૂત બની રહે.
મગજને ડિટોક્સ કરવાની રીતો
સારી ઊંઘથી થાય છે મગજ રિચાર્જ: ડૉ. રાજુલ અગ્રવાલ (ડાયરેક્ટર-ન્યુરોલોજી, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, દિલ્હી)નું કહેવું છે કે મગજને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ સૌથી જરૂરી છે. ઊંઘ દરમિયાન મગજ દિવસભરના થાકમાંથી બહાર આવે છે અને પોતાની જાતને વ્યવસ્થિત કરે છે. સતત ઓછી ઊંઘ લેવાથી યાદશક્તિ, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા પર માઠી અસર પડી શકે છે. દરેક વ્યક્તિએ દરરોજ 7 થી 9 કલાકની સારી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી મગજ સારી રીતે કામ કરી શકે.
ડિજિટલ બ્રેક પણ છે જરૂરી:
આજના સમયમાં મોબાઈલ, લેપટોપ અને સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ મગજ પર વધારાનું દબાણ બનાવી રહ્યો છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી ધ્યાન ભટકવું, માનસિક થાક અને તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે. દિવસમાં થોડા સમય માટે ડિજિટલ બ્રેક લેવો જોઈએ. પુસ્તક વાંચવું, પરિવાર સાથે સમય વિતાવવો, પ્રકૃતિ વચ્ચે રહેવું કે પોતાની પસંદગીની પ્રવૃત્તિઓ કરવી મગજને આરામ આપવામાં મદદ કરે છે.
ખાનપાન અને વ્યાયામની અસર:
મગજને સ્વસ્થ રાખવામાં ખોરાકની પણ મોટી ભૂમિકા હોય છે. નિષ્ણાતોના મતે લીલા શાકભાજી, ફળો, નટ્સ (સૂકો મેવો), પ્રોટીનયુક્ત ખોરાક અને પૂરતું પાણી મગજ માટે ફાયદાકારક છે. આ સિવાય નિયમિત વ્યાયામ કે દરરોજ 30 મિનિટ ચાલીને (વોક કરીને) મગજમાં બ્લડ સરક્યુલેશન સુધારી શકાય છે. શારીરિક પ્રવૃત્તિ તણાવ ઘટાડવામાં અને મૂડ સુધારવામાં પણ મદદ કરે છે.
તણાવ ઓછો કરવો એ સૌથી મોટો ઉપાય:
સતત તણાવ મગજની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. કામનું દબાણ, ઊંઘની અછત, ચિંતા અને સતત ભાગદોડ ભરેલી જિંદગીથી મગજ પર વધારાનો બોજ પડે છે, જેનાથી યાદશક્તિ, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી શકે છે. નિષ્ણાતોના મતે માનસિક શાંતિ જાળવી રાખવી બ્રેઈન હેલ્થ માટે અત્યંત જરૂરી છે. યોગ, મેડિટેશન (ધ્યાન), ઊંડા શ્વાસ લેવાની ટેકનિક, પ્રકૃતિ સાથે સમય વિતાવવો અને ગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
આ સિવાય દિવસભરના કામ વચ્ચે નાના-નાના બ્રેક લેવા અને પોતાના માટે સમય ફાળવવો પણ જરૂરી છે. બ્રેઈન ડિટોક્સના નામે કોઈ શોર્ટકટ કે ચમત્કારિક ઉપાય પર નિર્ભર રહેવાને બદલે નિયમિત ઊંઘ, સંતુલિત આહાર, વ્યાયામ અને સકારાત્મક સોચ જેવી સ્વસ્થ આદતો અપનાવવી એ જ મગજને લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય રાખવાનો સૌથી અસરકારક રસ્તો છે.
આ પણ વાંચો: Pakistan Economy: પાકિસ્તાને અમેરિકા પાસે 10 અબજ ડોલરની મદદ માટે માંગી, દેશની અર્થવ્યવસ્થા સંકટમાં