કેનેડામાં વિમાન અકસ્માતમાં 2 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત:ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયો અકસ્માત; 8 કલાક બાદ કાટમાળ મળ્યો

Last Updated: September 21, 2026By

કેનેડામાં 18 સપ્ટેમ્બરે થયેલા એક વિમાન દુર્ઘટનામાં 2 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં. તેની જાણકારી ભારતીય દૂતાવાસે સોમવારે આપી હતી. આ અકસ્માત ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયો હતો. આ પહેલાં કેનેડિયન ન્યૂઝ ચેનલ CBCએ શનિવારે આ ઘટનાના અહેવાલ આપ્યા હતા. તેમાં જણાવાયું હતું કે સાસ્કેચેવાન પ્રાંતમાં એક વિમાન અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોનાં મોત થયાં હતાં. અહેવાલ મુજબ, જ્યારે વિમાન સમયસર લેન્ડ થયું નહીં ત્યારે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લગભગ 8 કલાક પછી વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ભાડે કમર્શિયલ વિમાન લીધું હતું આ અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને ભારતીય વિદ્યાર્થીઓની ઓળખ મનોજ શિવકુમાર અને શ્રીસરણ થિરુગનાનાસંબંથન તરીકે થઈ છે. બંને પાસે પાયલટ લાઇસન્સ હતું અને તેઓ કમર્શિયલ પાયલટ લાઇસન્સ માટે જરૂરી ઉડાનના કલાકો પૂરા કરી રહ્યા હતા. કેનેડામાં કમર્શિયલ પાયલટ લાઇસન્સ માટે 200 કલાકની ઉડાન પૂરી કરવી પડે છે. આ વિદ્યાર્થીઓએ વિમાન ભાડે લીધું હતું. વિમાન રેજિનાથી રવાના થયું હતું અને તેને સવારે 10:30 વાગ્યે સ્ટાઇનબેક પહોંચવાનું હતું. જ્યારે વિમાન ત્યાં પહોંચ્યું નહીં, ત્યારે કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને તેની જાણ કરવામાં આવી. વિમાન સમયસર ન પહોંચતાં બચાવ કામગીરી શરૂ થઈ વિમાન નિર્ધારિત સમયે ન પહોંચ્યા બાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી. ફ્લાઇટ સ્કૂલે સર્ચ અને રેસ્ક્યુ ટીમોને તેની જાણ કરી. સાંજે લગભગ 6 વાગ્યે CDT ટીમોએ વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો. વિમાનમાં સવાર બંને લોકો ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા. જોઇન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (JRCC)ના પબ્લિક અફેર્સ અધિકારી લેફ્ટનન્ટ જો હોલેન્ડરે જણાવ્યું કે JRCCએ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિમાનના ક્રેશ સ્થળની જાણ થયા બાદ પેરાશૂટ દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ટીમના સભ્યોને ત્યાં ઉતારવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ મામલાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ને સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ફ્લાઇટ સ્કૂલ સાથે જોડાયેલી આ ત્રીજી દુર્ઘટના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બંને વિદ્યાર્થીઓ કેનેડાની હાર્વ્સ એર ફ્લાઇટ સ્કૂલમાંથી ફ્લાઇટ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. અહેવાલ મુજબ, જાન્યુઆરી 2025 પછી હાર્વ્સ એર ફ્લાઇટ સ્કૂલ સાથે જોડાયેલી આ ત્રીજી દુર્ઘટના છે. જાન્યુઆરી 2025માં આ જ સ્કૂલના એક ઇન્સ્ટ્રક્ટરને નાના વિમાનના પ્રોપેલરની અડફેટે આવવાથી ગંભીર ઈજા થઈ હતી. તે સમયે એક વિદ્યાર્થી વિમાનનું એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ પછી જુલાઈ 2025માં ટ્રેનિંગ દરમિયાન 2 વિદ્યાર્થી પાઇલટ્સનાં મોત થયાં હતાં. તેમનું સિંગલ એન્જિન વિમાન હવામાં બીજા એક વિમાન સાથે અથડાઈ ગયું હતું.

Leave A Comment