જેકલીનનો 'સરકારી સાક્ષી' બનવાનો દાવ ઊંધો પડ્યો!:EDના વિરોધ બાદ કોર્ટમાંથી એપ્રોવર બનવાની અરજી પાછી ખેંચી; 200 કરોડના ખંડણી કેસમાં એક્ટ્રેસ આરોપી
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી પોતાની તે અરજી પાછી ખેંચી લીધી છે, જેમાં તેણે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની માંગ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે, ‘જેકલીન આ મામલે કોઈ પીડિત નહીં પરંતુ આ ગુનાની મુખ્ય લાભાર્થી રહી છે.’ EDએ જેકલીનની અરજીનો વિરોધ કેમ કર્યો?
સોમવારે EDએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું કે, આ કેસમાં જેકલીનની ભૂમિકા બહુ નાની નથી. તેણે મની લોન્ડરિંગ દ્વારા ભેગા કરાયેલા પૈસાનો ફાયદો ઉઠાવ્યો છે. EDએ દલીલ કરી હતી કે જેકલીનને સરકારી સાક્ષી બનાવવું એ ન્યાય સાથે ચેડાં કરવા સમાન હશે, કારણ કે તેણે ગંભીર ગુના કર્યા છે. એજન્સીએ તેની અરજીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો હતો. સુકેશના કાળા કારનામા જાણતી હોવા છતાં કરોડોની ગિફ્ટ્સ લેતી રહી
EDએ પોતાના જવાબમાં ખુલાસો કર્યો કે, સુકેશ ચંદ્રશેખરના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વિશે જાણ હોવા છતાં જેકલીન તેના સંપર્કમાં રહી. સુકેશે ગુનાની કમાણીમાંથી જેકલીન અને તેના પરિવાર માટે મોંઘી ગિફ્ટ્સ અને સુખ-સુવિધાઓની વ્યવસ્થા કરી હતી. એજન્સીનું કહેવું છે કે, બંને વચ્ચે સતત વાતચીત થતી હતી અને જેકલીનને ફાયદો પહોંચાડવામાં આવતો હતો, જેનાથી સાબિત થાય છે કે, તે આ ષડયંત્રનો ભાગ હતી. તપાસ દરમિયાન સાચી માહિતી ન આપવાનો આરોપ
એજન્સીએ આરોપ લગાવ્યો કે, જેકલીને તપાસમાં સહયોગ ન કર્યો. તેના નિવેદનો અવારનવાર બદલાતા રહ્યા અને તેણે પૂરી સચ્ચાઈ ન જણાવી. ED મુજબ, જેકલીને શરૂઆતમાં કેશ ટ્રાન્ઝેક્શન, મોંઘી ગિફ્ટ્સ અને બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાયેલા ફંડ્સ વિશેના તથ્યો છુપાવ્યા હતા. તેના નિવેદનોને અધૂરા અને વિરોધાભાસી ગણાવવામાં આવ્યા છે, જેના માટે વારંવાર પુરાવાઓ સાથે તેનો સામનો કરાવવો પડ્યો. 200 કરોડના મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો મામલો નોંધનીય છે કે, આ આખો મામલો ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટરો શિવિન્દર સિંહ અને મલવિન્દર સિંહની પત્નીઓ પાસેથી 200 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જેકલીનને આ મામલામાં સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ તેની વિરુદ્ધ કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

