'જ્હોન અબ્રાહમમાં જેમ્સ બોન્ડ જેવો ચાર્મ છે':શેખર કપૂરે નવા જેમ્સ બોન્ડ માટે જ્હોનના નામની ભલામણ કરી, એક્ટરે રમુજી પ્રતિક્રિયા આપી

Last Updated: May 18, 2026By

ફિલ્મમેકર શેખર કપૂરે ‘જેમ્સ બોન્ડ’ ફ્રેન્ચાઇઝીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ડેનિયલ ક્રેગ પછી કોઈ ભારતીય એક્ટર 007 બની શકે છે, તો તે જ્હોન અબ્રાહમ છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. શેખર કપૂરે જ્હોનના ખોબલે ખોબલે વખાણ કર્યા એમેઝોન MGM સ્ટુડિયોએ તાજેતરમાં પુષ્ટિ કરી છે કે, ‘નવા જેમ્સ બોન્ડની શોધ શરૂ થઈ ગઈ છે.’ આ દરમિયાન શેખર કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર જ્હોન અબ્રાહમનું નામ સૂચવ્યું. તેમણે લખ્યું, ‘ડેનિયલ ક્રેગ પછી આગામી જેમ્સ બોન્ડ જ્હોન અબ્રાહમ હોવો જોઈએ. તેમની પાસે ‘શેકન નોટ સ્ટર્ડ’ વાળી પર્સનાલિટી અને બોન્ડ જેવો ચાર્મ છે.’ શેખર કપૂરે પોતાની પોસ્ટમાં યાદ અપાવ્યું કે ડેનિયલ ક્રેગને બોન્ડના રોલ માટે તેમની ફિલ્મ ‘એલિઝાબેથ’ જોયા પછી પસંદ કરવામાં આવ્યા હતા. આથી તેમનું આ નિવેદન વધુ ચર્ચામાં આવ્યું.
શેખર કપૂરના વખાણ પર જ્હોન અબ્રાહમે તરત પ્રતિક્રિયા આપી. જ્હોને X પર લખ્યું, ‘સર, તમારા શબ્દોથી હું ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છું. તમે દુનિયા પહેલા ડેનિયલ ક્રેગની ક્ષમતા ઓળખી હતી. આથી તમારું આ કહેવું મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.’ જ્હોને રમુજી અંદાજમાં આગળ લખ્યું, ‘હવે હું મારી માર્ટીની ઓર્ડર કરવાની પ્રેક્ટિસ શરૂ કરી દઉં છું… શેકન, નોટ સ્ટર્ડ.’ નોંધનીય છે કે, ‘No Time to Die’ પછી ડેનિયલ ક્રેગે જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઇઝીમાંથી વિદાય લીધી હતી. ત્યાર પછી નવા 007 ને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો જ્હોન અબ્રાહમને આ પાત્ર માટે યોગ્ય ગણાવી રહ્યા છે. શેખર કપૂર ભારતીય સિનેમાના જાણીતા ડિરેક્ટરોમાંના એક ગણાય છે. તેમણે ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘બેન્ડિટ ક્વીન’, ‘એલિઝાબેથ’ અને ‘ધ ફોર ફેધર્સ’ જેવી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. તેમની ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મમાં જોવા મળશે. આ પોલીસ અધિકારી રાકેશ મારિયાની બાયોપિક છે, જેમાં જ્હોન પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત, તે ‘ફોર્સ 3’નું શૂટિંગ પણ કરી રહ્યા છે. તેમાં તેની સાથે હર્ષવર્ધન રાણે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Leave A Comment