'ધુરંધર' સિંગર જાસ્મિન સેન્ડલસના કોન્સર્ટમાં અફરાતફરી:બેરિકેડ તૂટતા પ્રેક્ષકો પટકાયા, સિક્યોરિટીના આક્રમક વર્તનથી સિંગર લાલઘૂમ
પંજાબી સિંગર જાસ્મિન સેન્ડલસના દેહરાદૂન લાઇવ કોન્સર્ટમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો. 20 મેના રોજ યોજાયેલા આ કોન્સર્ટ દરમિયાન દર્શકોના વિસ્તાર પાસે લગાવેલો એક બેરિકેડ અચાનક તૂટીને પડી ગયો. આના કારણે આગળ ઉભેલા ઘણા લોકો પોતાનું સંતુલન ગુમાવીને પડી ગયા. બેરિકેડ તૂટતા પ્રેક્ષકો પડ્યા સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જાસ્મિન સેન્ડલસ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. ત્યારે અચાનક દર્શકોની બિલકુલ સામેના ભાગનો બેરિકેડ તૂટી ગયો. ઘટના બાદ સિંગરે તરત જ પોતાનું પરફોર્મન્સ રોકી દીધું અને પોતાની પર્સનલ ટીમને સુરક્ષાની જવાબદારી સંભાળવા કહ્યું. સિંગરે સુરક્ષાકર્મીઓને આક્રમક ગણાવ્યા જાસ્મિને સ્ટેજ પરથી માઇક પર કહ્યું, ‘મને ખૂબ દુઃખ છે કે આવું થઈ રહ્યું છે. શું મારી આંતરિક ટીમ આને સંભાળી શકે છે? હું ઈચ્છું છું કે મારી આખી ટીમ તરત આવીને આ મામલો ઉકેલે. અહીંના સુરક્ષાકર્મીઓ ખૂબ આક્રમક વર્તન કરી રહ્યા છે.’ આ પછી સિંગર સ્ટેજ પર ‘વાહેગુરુ’નું નામ લેતી પણ સંભળાઈ. જાસ્મિનની ટીમે તરત હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરી, જેના પછી સ્થિતિ સામાન્ય થઈ. ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીના ગીતોથી મળી સફળતા
જાસ્મિન સેન્ડલાસ આ દિવસોમાં ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીના ગીતોની સફળતાને લઈને ચર્ચામાં છે. આ ફ્રેન્ચાઇઝીમાં તેમના ગાયેલા ગીતો ‘શરારત’, ‘મૈં ઔર તૂ’ અને ‘જાઈએ સજના’ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીતોની સફળતા પછી તે ફરી એકવાર બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત ચહેરાઓમાં સામેલ થઈ ગઈ છે. અમેરિકામાં અત્યંત ગરીબીમાં વીત્યું બાળપણ
જાસ્મિને તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટમાં પોતાના શરૂઆતી દિવસોના સંઘર્ષો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેનો પરિવાર અમેરિકાના ન્યૂયોર્ક પહોંચ્યો, ત્યારે તેમને અંગ્રેજી આવડતી ન હતી. તેના પિતાએ સ્થાનિક શાળામાં તેનું એડમિશન કરાવ્યું. તેઓ એક બેડરૂમના એક નાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા, જે ઓછી આવકવાળા પરિવારો માટે હતું. તે ઘરમાં કુલ 6 લોકો રહેતા હતા અને તેમનું ગુજરાન ફૂડ સ્ટેમ્પ પર ચાલતું હતું. ભારતમાં શિક્ષિકા રહેલી તેમની માતા ત્યાં ફેક્ટરીમાં કામ કરતા હતાં અને ચેરી તોડતાં હતાં, જ્યારે તેમના પિતા ગેસ સ્ટેશન પર કામ કરતા હતા. પછીથી કેલિફોર્નિયા ગયા પછી તેમના પિતાને કોર્ટમાં ઇન્ટરપ્રિટરનું કામ મળ્યું, ત્યારે જિંદગી થોડી સારી થઈ. ગુરુદ્વારામાં શબદ ગાઈને ગાયકી શીખી
જાસ્મીને જણાવ્યું કે, બાળપણમાં તેની પાસે મ્યુઝિક શીખવાનું કોઈ સાધન નહોતું. તે ફક્ત ગુરુદ્વારામાં જઈને શબદ ગાતી હતી. તેમના માતા-પિતાને તેના સિંગર બનવાના સપના પર ભરોસો નહોતો. માતા તેને ફક્ત એક શોખ માનતી હતી અને પિતાનું માનવું હતું કે મ્યુઝિકમાં કોઈ કરિયર નથી. જાસ્મિને તેના પિતા પાસેથી 6 મહિનાનો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે જો સફળતા ન મળે તો તે સિંગિંગ છોડી દેશે. જોકે 6 મહિનામાં તેને સફળતા મળી નહીં, પરંતુ તેણે હાર માની નહીં. વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ના ગીત ‘યાર ના મિલે’એ તેને દેશભરમાં ઓળખ અપાવી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

