મુજીબની T20 ઇન્ટરનેશનલમાં પહેલી હેટ્રિક:અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડીઝને 39 રનથી હરાવ્યું, સિરીઝ કબજે કરી
અફઘાનિસ્તાને દુબઈમાં રમાયેલી બીજી T20માં વેસ્ટ ઇન્ડીઝને 39 રનથી હરાવ્યું. આ જીત સાથે અફઘાનિસ્તાને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી. સ્પિનર મુજીબ ઉર રહેમાને તેની T20 કારકિર્દીની પ્રથમ હેટ્રિક લીધી, જ્યારે સેદીકુલ્લાહ અટલ અને દરવિશ રસૂલીએ અડધી સદી ફટકારી. વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 18.5 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અફઘાન ટીમે પ્રથમ મેચ 38 રનથી જીતી હતી. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે સાંજે દુબઈમાં જ રમાશે. અટલ-રસૂલી વચ્ચે 115 રનની ભાગીદારી
પહેલી બેટિંગ કરવા ઉતરેલા અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને 4.5 ઓવરમાં ટીમનો સ્કોર 37/2 હતો. ત્યારબાદ સેદીકુલ્લાહ અટલ અને દરવિશ રસૂલીએ ત્રીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. અટલે 42 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. રસૂલીએ 39 બોલમાં 68 રનની ઇનિંગ રમી, તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. અંતમાં ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈએ 13 બોલમાં અણનમ 26 રનની ઝડપી ઇનિંગ્સ રમી. તેની ઇનિંગ્સમાં એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી મેથ્યુ ફોર્ડેએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી. શમાર જોસેફ અને રેમન સિમન્ડ્સને એક-એક વિકેટ મળી. મુજીબને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો
190 રનના ટાર્ગેટને ચેઝ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે 8 ઓવરમાં 38 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી. મુજીબ ઉર રહેમાને સતત બોલ પર એવિન લુઈસ અને જોનસન ચાર્લ્સને આઉટ કર્યા. કેપ્ટન બ્રેન્ડન કિંગ અને શિમરોન હેટમાયરે ચોથી વિકેટ માટે 68 રન જોડ્યા. કિંગે 41 બોલમાં 50 રન બનાવ્યા. જ્યારે હેટમાયરે માત્ર 17 બોલમાં 46 રન ફટકાર્યા, જેમાં એક ચોગ્ગો અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. બ્રેન્ડન કિંગની વિકેટ મુજીબની હેટ્રિક વિકેટ રહી. આ સાથે જ મુજીબ, રાશિદ ખાન અને કરીમ જનત પછી T20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનારા ત્રીજા અફઘાનિસ્તાની બોલર બન્યો. અફઘાનિસ્તાન માટે મુજીબ ઉર રહેમાને 4, અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને ફઝલહક ફારૂકીએ 2-2 વિકેટ લીધી. શાનદાર પ્રદર્શન માટે મુજીબ ઉર રહેમાનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

