શું ભારત પર લાગશે 100% ટેરિફ?:રશિયાથી તેલ લેતા દેશો પર અમેરિકા ફેંકશે 'ટેરિફ બોમ્બ', US સંસદમાં પાસ થયું બિલ, જાણો શું થશે અસર

Last Updated: July 29, 2026By

અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટે રશિયાની ઊર્જા આવક પર લગામ લગાવવા અને તેના મુખ્ય ખરીદદારો સામે દંડાત્મક પગલાં લેવાના હેતુથી લાવવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બિલને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલા મતદાનમાં સેનેટે 86-12ની ભારે બહુમતીથી બિલ પર ચર્ચા આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો હતો. જો આ વિધેયક આખરી તબક્કામાં પસાર થઈને કાયદાનું સ્વરૂપ લેશે, તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 100 ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાની અભૂતપૂર્વ સત્તા પ્રાપ્ત થશે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ અમેરિકામાં આયાત થતા રશિયન સામાન પર 500 ટકા સુધીનો કડક ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રશિયન તેલ અને ગેસના વિશ્વના પાંચ સૌથી મોટા ખરીદદારો તથા પ્રતિબંધોમાંથી બચવામાં મોસ્કોને મદદ કરતા દેશોને પણ આ 100 ટકા ટેરિફના દાયરામાં આવરી લેવાશે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી રિયાયતી દરે ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો હોવાથી, આ કાયદો ભારતની વેપાર નીતિ અને નિકાસ ક્ષેત્ર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે. બિલમાં રશિયન નાણાકીય સંસ્થાઓ, ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિબંધોથી બચીને તેલની હેરફેર કરતી “શેડો ફ્લીટ” પર પણ કડક પ્રતિબંધો મૂકવાનો પ્રસ્તાવ છે. ભારત માટે કેમ ચિંતાજનક છે આ બિલ? બિલના અન્ય મુખ્ય પાસાં પ્રસ્તાવિત કાયદા હેઠળ અમેરિકામાં આયાત થતા રશિયન સામાન પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ છે. આ ઉપરાંત, આ બિલ 1996ના ‘ઈરાન સેન્ક્શન્સ એક્ટ’ને પણ 2031 સુધી લંબાવે છે. જોકે, જો અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં જરૂરી લાગે તો રાષ્ટ્રપતિને પ્રતિબંધોમાંથી વિશેષ છૂટછાટ આપવાની સત્તા પણ રાખવામાં આવી છે, જે ભારત માટે થોડી રાહતરૂપ સાબિત થઈ શકે છે. ઝેલેન્સ્કીની હાજરી અને આગામી સ્થિતિ સેનેટમાં જ્યારે આ બિલ પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદોમિર ઝેલેન્સ્કી સેનેટ ગેલેરીમાં પોતે હાજર રહ્યા હતા. વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ અમેરિકી સાંસદોને અપીલ કરી હતી કે રશિયા પર આર્થિક દબાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. આ બિલ યુક્રેનના મજબૂત સમર્થક એવા સ્વર્ગસ્થ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી રાખવામાં આવ્યું છે. હાલમાં સેનેટમાં પ્રથમ તબક્કો પાર થયો હોવા છતાં, અમેરિકી સંસદનું નીચલું ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) ઓગસ્ટના વેકેશન પર ગયું હોવાથી આ બિલ સપ્ટેમ્બર પહેલાં સંપૂર્ણ કાયદો બને તેવી શક્યતા ઓછી છે. છતાં, આ વિધેયકે ભારત માટે કૂટનીતિક અને આર્થિક પડકારો ચોક્કસપણે વધારી દીધા છે.