ઈરાનમાં લાશોના ઢગલામાંથી દીકરીનો મૃતદેહ શોધ્યો:સુરક્ષાદળોએ માથામાં ગોળી મારી હતી; માતાએ કહ્યું- મૃતદેહ ચોરીને રસ્તા કિનારે દફનાવ્યું

Last Updated: January 18, 2026By

ઈરાનમાં ફેશનનો અભ્યાસ કરતી 23 વર્ષની એક કોલેજની વિદ્યાર્થિનીને ઈરાની સુરક્ષા દળોએ 8 જાન્યુઆરીએ ગોળી મારી દીધી હતી. ઘટનાની જાણકારી હવે સામે આવી છે. ન્યૂઝ એજન્સી AP અનુસાર, વિદ્યાર્થિનીની માતાને લાશોના ઢગલા વચ્ચે પોતાની દીકરીની બોડી શોધવી પડી. રિપોર્ટ અનુસાર, વિદ્યાર્થિની રુબિના અમિનિયનને ઈરાની સુરક્ષા દળોની ગોળી સીધી માથાના પાછળના ભાગે વાગી, જેનાથી તેનું મોત થયું. રુબિનાના મોત પછી એક સપ્તાહ બાદ પણ પરિવારે રીતિ રિવાજથી તેના અંતિમ સંસ્કાર કર્યા નથી. સુરક્ષા દળોથી બચવા માટે તેના મૃતદેહને ચોરીથી રસ્તાના કિનારે ખાડામાં જ દફનાવી દીધો. બીજી તરફ, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ પહેલીવાર એ સ્વીકાર્યું કે ગત 28 ડિસેમ્બરથી ચાલી રહેલા પ્રદર્શનો દરમિયાન હજારો લોકો માર્યા ગયા. તેમણે આ મોતો માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા. ખામેનેઈએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે. ટ્રમ્પે તેનો જવાબ આપતા કહ્યું કે ઈરાન સરકાર હવે ગણતરીના દિવસોની મહેમાન છે. ત્યાં નવા નેતૃત્વની શોધ કરવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થિનીની મિત્રએ પરિવારને મૃત્યુની જાણ કરી ઘટના સમયે રૂબિનાની માતા કરમનશાહ શહેરમાં હતી, જે તેહરાનથી લગભગ 460 કિલોમીટર દૂર છે. રુબિનાની માતાને તેના મિત્રોએ ફોન કરીને જણાવ્યું કે તેને ગોળી વાગી છે. ન્યૂઝ એજન્સી AP અનુસાર, તેઓ બધા 8 જાન્યુઆરીએ કોલેજથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પ્રદર્શન દેખાયું અને તેઓ તેમાં સામેલ થઈ ગયા. ઈરાની એજન્ટો રાઈફલ અને શોટગનનો ઉપયોગ કરીને પ્રદર્શનકારીઓને વિખેરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોની ગોળી રૂબિનાના માથાના પાછળના ભાગે વાગી. જાણ થતાં જ રૂબિનાની માતા અમીના નોરેઈ તરત જ તેહરાન રવાના થયાં. ત્યાં તેમણે દીકરીનો મૃતદેહ શોધ્યો. રૂબિના રાજકીય કે સક્રિય પ્રવૃત્તિઓમાં સામેલ નહોતી. પરિવારે અધિકારીઓના ડરથી મૃતદેહ ચોર્યો જ્યારે નોરેઈને તેની દીકરી મળી, ત્યારે પરિવાર મૃતદેહ સાથે શક્ય તેટલી ઝડપથી શહેર છોડીને ભાગી ગયો. તેમને ડર હતો કે અધિકારીઓ તેમનો રસ્તો રોકશે અને મૃતદેહને જવા દેવા માટે પૈસાની માગ કરશે, આ માહિતી અમીનિયનના કાકા મિનોઈએ આપી. મિનોઈએ કહ્યું કે અમે ખરેખર મૃતદેહ ચોર્યો હતો, અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ન્યૂયોર્ક સ્થિત સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સના એક નિવેદનમાં જણાવાયું છે કે તેમને પ્રદર્શનકારીઓના મૃતદેહો પરત કરવાના બદલામાં પરિવારો પાસેથી પૈસા માગવાની ઘણી સૂચનાઓ મળી છે. અન્ય પરિવારોએ કેન્દ્રને જણાવ્યું કે મૃતદેહો પાછા લેવા માટે તેમને બળજબરીપૂર્વક એવા કાગળો પર સહી કરવા મજબૂર કરવામાં આવ્યા હતા જેમાં ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે તેમના મૃત સંબંધીઓ સુરક્ષા દળોના સભ્યો હતા. રૂબિનાના મૃતદેહને મજબૂરીથી રસ્તા કિનારે ખાડામાં દફનાવવામાં આવ્યો મિનોઈએ જણાવ્યું કે પાછા ફરતી વખતે સાત કલાકની યાત્રા દરમિયાન નોરેઈ અને તેમની સૌથી મોટી દીકરી કારની પાછળની સીટ પર રૂબિનાના મૃતદેહને પકડીને બેઠી રહી, તેમના કપડાં લોહીથી ભીંજાઈ ગયા હતા. નોરેઈએ જણાવ્યું કે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સુરક્ષા દળોએ તેમના ઘરને ઘેરી લીધું હતું. નોરેઈના પરિવાર પાસે એક જ વિકલ્પ બચ્યો હતો. તેઓ શહેરની બહાર નીકળી ગયા અને રસ્તા કિનારે એક ખાડો ખોદ્યો અને તેમણે મૃતદેહને દફનાવી દીધો. વ્હાઇટ હાઉસે કહ્યું- ટ્રમ્પના દબાણ હેઠળ 800 લોકોની ફાંસી અટકી ટ્રમ્પે આ પહેલા કહ્યું હતું કે જો ઈરાની સરકાર પ્રદર્શનકારીઓને ફાંસી આપશે અથવા તેમની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. અમેરિકા ખૂબ જ કડક કાર્યવાહી કરશે, જેમાં સૈન્ય વિકલ્પ પણ શામેલ હોઈ શકે છે. 15 જાન્યુઆરીએ ટ્રમ્પે જણાવ્યું કે હત્યાઓ હવે ઓછી થઈ રહી છે. વ્હાઇટ હાઉસે પણ પુષ્ટિ કરી કે ટ્રમ્પના દબાણ બાદ ઈરાને 800 લોકોની ફાંસીની યોજના રોકી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રના સહાયક મહાસચિવ માર્થા પોબીએ પરિષદને જણાવ્યું કે આ પ્રદર્શનો ઝડપથી ફેલાયા. તેમાં ઘણું જાન-માલનું નુકસાન થયું છે. માનવાધિકાર સંગઠનો અનુસાર, અત્યાર સુધીમાં 3,428 પ્રદર્શનકારીઓને મારી નાખવામાં આવ્યા, જ્યારે 18,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર આ આંકડાઓની પુષ્ટિ કરી શક્યું નથી. ઈરાનનો જવાબ: સંઘર્ષ નથી ઈચ્છતા, પરંતુ હુમલો થયો તો કાર્યવાહી કરીશું ગુરુવારે સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાને અમેરિકી આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસૈન દરજીએ કહ્યું કે અમેરિકા ખોટી માહિતી ફેલાવી રહ્યું છે અને જાણી જોઈને અશાંતિને હિંસા તરફ વાળી રહ્યું છે. દરજીએ સુરક્ષા પરિષદને કહ્યું કે ઈરાન ન તો તણાવ વધારવા માંગે છે અને ન તો સંઘર્ષ ઈચ્છે છે. દરજીએ ચેતવણી આપી કે ‘કોઈપણ પ્રકારની કાર્યવાહીનો નિર્ણાયક અને કાયદેસર જવાબ આપવામાં આવશે.’ તેમણે કહ્યું કે આ ધમકી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આપવામાં આવેલું નિવેદન છે. ઈરાની રાજદૂતે આરોપ લગાવ્યો કે અમેરિકા માનવાધિકારોના બહાને શાસન બદલવા અને હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે અમેરિકામાં થયેલા માનવાધિકાર ઉલ્લંઘનોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મિનેસોટા રાજ્યમાં એક ઇમિગ્રેશન અધિકારીએ રેની ગુડની ગોળી મારીને હત્યા કરી હતી. અમેરિકાએ ઈરાની નેતૃત્વ પર નવા પ્રતિબંધો લગાવ્યા ટ્રમ્પ વહીવટીતંત્રે 18 ઈરાની વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ નવા પ્રતિબંધો લાદ્યા છે. આમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અલી લારીજાની અને અન્ય ઘણા અધિકારીઓ શામેલ છે. અમેરિકાનું કહેવું છે કે આ એ જ લોકો છે જેમણે પ્રદર્શનો પર ક્રૂર કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી. અમેરિકી નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે તેની જાહેરાત કરતા કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાનના લોકોની સાથે ઊભા છે અને તેમણે નાણા મંત્રાલયને પ્રતિબંધો લાદવાનો આદેશ આપ્યો છે.’ ઈરાન પહેલાથી જ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે, જેનાથી તેની અર્થવ્યવસ્થા વધુ નબળી પડી છે. આ જ આર્થિક સંકટને વર્તમાન વિરોધ-પ્રદર્શનોનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ઈરાનમાં થયેલા પ્રદર્શનનું કારણ જાણો… ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલી હિંસા ઘણા કારણોસર ભડકી છે. આ પ્રદર્શનો અત્યાર સુધીના સૌથી મોટા પ્રદર્શનોમાંથી એક માનવામાં આવે છે.