ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને શ્રદ્ધાંજલિ અપાઈ:એ.આર. રહેમાન, હરિહરન, શાન અને સોનુ નિગમે ગુરુની યાદમાં ગીતોની મહેફિલ જમાવી

Last Updated: January 19, 2026By

મુંબઈમાં શનિવારે ‘હાજરી કાર્યક્રમ 2026’માં બીકેસીના જિયો વર્લ્ડ ગાર્ડનમાં પદ્મ વિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પ્રથમ વખત તેમના શિષ્યો અને દેશના મોટા સિંગર્સે એક જ મંચ શેર કર્યો. તમામ મોટા સિંગર્સ એક મંચ પર ઉપસ્થિત રહ્યા આ કોન્સર્ટ ઉસ્તાદ સાહેબની પાંચમી પુણ્યતિથિ પર યોજાયો હતો. એ.આર. રહેમાન, હરિહરન, સોનુ નિગમ અને શાનએ ગાયકોની જેમ નહીં, પરંતુ શિષ્યોની જેમ પોતાના ગુરુને હાજરી આપી. આ કાર્યક્રમનું આયોજન ઉસ્તાદ સાહેબના પુત્ર રબ્બાની મુસ્તફા ખાન અને પુત્રવધૂ નમ્રતા ગુપ્તા ખાને કર્યું હતું. એ.આર. રહેમાને સૂફી ગીતો ગાયા એ.આર. રહેમાને સૂફી ગીતોથી કાર્યક્રમની શરૂઆત કરી. તેણે ‘કુન ફાયા કુન’, ‘ખ્વાજા મેરે ખ્વાજા’ અને ‘અરજિયાં’ જેવા ગીતો ગાયા. ત્યારબાદ તેણે મુસ્તફા પરિવાર સાથે ‘આવો બલમા’ અને ‘પિયા હાજી અલી’ પરફોર્મ કર્યું. શાન-સોનુ અને હરિહરને સૂર રેલાવ્યા સિંગર શાને ‘મૈં હું ડોન’, ‘ચાંદ સિફારિશ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવા ગીતો ગાયા, સાથે જ ઉસ્તાદ સાહેબની ગઝલ ‘ચલે આઓ’ પણ સંભળાવી. હરિહરને ‘તું હી રે’, ‘રોજા’, ‘બાહોં કે દરમિયાન’ અને ‘યાદેં’ જેવા ગીતો ગાયા. સોનુ નિગમે ‘પરદેસિયા’, ‘કલ હો ના હો’, ‘અભી મુજ મેં કહીં’ અને ‘સંદેશે આતે હૈં’ સાથે સાંજનું સમાપન કર્યું. કોણ હતા ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન? ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક અને સંગીત ગુરુ હતા. તેઓ રામપુર-સહસવાન ઘરાના સાથે સંકળાયેલા હતા. તેમનો જન્મ 3 માર્ચ 1931 ના રોજ ઉત્તર પ્રદેશના બદાઉન ખાતે થયો હતો અને તેમને ‘જુનિયર તાનસેન’ ની ઉપાધિ મળી હતી. સંગીતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ શ્રી (1991), પદ્મ ભૂષણ (2006), પદ્મ વિભૂષણ (2018) અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર (2003) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બોલિવૂડ અને શાસ્ત્રીય સંગીતના ઘણા દિગ્ગજ કલાકારોને તાલીમ આપી છે, જેમાં લતા મંગેશકર, આશા ભોસલે, એ.આર. રહેમાન, સોનુ નિગમ, હરિહરન અને શાન જેવા નામોનો સમાવેશ થાય છે.