'ધનુષ બાળકો માટે સાવકી માતા લાવવા માંગતો નથી':મૃણાલ ઠાકુર સાથે લગ્નના સમાચાર પર સાઉથ સ્ટારના મિત્રની સ્પષ્ટતા, એટ્રેસે પણ ખંડન કર્યું

Last Updated: January 19, 2026By

છેલ્લા કેટલાક દિવસોથી સાઉથ સ્ટાર ધનુષ અને અભિનેત્રી મૃણાલ ઠાકુરના લગ્નના સમાચાર ચર્ચામાં છે. ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધનુષ અને મૃણાલ 14 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવાના છે, જોકે હવે અભિનેતાના નજીકના મિત્રએ આ સમાચારોનું ખંડન કર્યું છે. સાથે જ અભિનેત્રીની ટીમે પણ આ સમાચારોને અફવા ગણાવ્યા છે. આ દરમિયાન હવે મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાને અડગ ગણાવ્યા છે. તાજેતરમાં બોલિવૂડ હંગામાના રિપોર્ટમાં ધનુષના સૌથી નજીકના મિત્ર, ડિરેક્ટર-પ્રોડ્યુસરને ટાંકીને લખવામાં આવ્યું છે કે, ‘તેમણે તેમના અફવાવાળા લગ્ન વિશે કંઈ કહ્યું નથી, જ્યારે અમે દરરોજ મળીએ છીએ, વાતો કરીએ છીએ. શું તે તેના સૌથી નજીકના લોકોને જાણ કર્યા વિના લગ્ન કરી રહ્યો છે. કારણ કે જો મને ખબર નથી, તો કોઈને પણ ખબર નહીં હોય.’ આગળ તેમણે કહ્યું, ‘જ્યારે ધનુષ અને તેની પૂર્વ પત્ની (ઐશ્વર્યા રજનીકાંત) કાયદેસર રીતે અલગ થયા, ત્યારે બંનેએ મળીને બંને બાળકો યાત્રા અને લિંગાનો ઉછેર કરવાનો નિર્ણય કર્યો. જ્યાં સુધી મને ખબર છે, ધનુષ ફરીથી લગ્ન કરવા ઈચ્છુક નથી. તે પોતાના પુત્રો માટે ઘરમાં સાવકી માતા લાવવા માંગતો નથી. હું તેમના (ધનુષ-મૃણાલ)ના સંબંધોની સ્થિતિ પર કંઈ કહેવા માંગતો નથી, તેઓ એકબીજાને પસંદ કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ લગ્ન કરશે.’ મૃણાલની ટીમે પણ ખંડન કર્યું હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં મૃણાલ ઠાકુરની ટીમ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ મૃણાલ અને ધનુષના લગ્નના સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ કારણ વગર કેટલાક લોકો આ સમાચારો ફેલાવી રહ્યા છે. લગ્નના સમાચારો વચ્ચે મૃણાલ ઠાકુરની પહેલી પોસ્ટ મૃણાલ ઠાકુરે શનિવારે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી યૉટનો એક વીડિયો શેર કરતા લખ્યું છે, ‘જમીન સાથે જોડાયેલી, ગ્લોઇંગ અને અડગ.’ ડેટિંગની અફવાઓ કેવી રીતે શરૂ થઈ? વાસ્તવમાં, મૃણાલ ઠાકુર અને ધનુષના અફેરના સમાચાર ઘણા મહિનાઓથી આવી રહ્યા હતા. આ દરમિયાન, ગયા વર્ષે ઓગસ્ટમાં, ધનુષ મૃણાલની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ના પ્રીમિયરમાં પહોંચ્યો, જેના કારણે અફેરના સમાચારોએ જોર પકડ્યું. આ અંગે મૃણાલે પણ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ધનુષ તેના સારા મિત્ર છે અને તે તેને સપોર્ટ કરવા પ્રીમિયરમાં પહોંચ્યો હતો. નોંધનીય છે કે, ધનુષે વર્ષ 2004માં રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કપલને બે દીકરા યાત્રા અને લિંગા છે. કપલે 2022માં છૂટાછેડાની જાહેરાત કરી હતી, જેના પછી 2024માં સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યા છે.