શેફાલી મહિલા બેટર્સ રેન્કિંગમાં ટોપ-4માં પહોંચી:બાંગ્લાદેશ સામેની સદીનો ફાયદો મળ્યો; બોલર્સમાં શ્રી ચરણિ-દીપ્તિ શર્મા ટોપ-2માં યથાવત

Last Updated: September 22, 2026By

ભારતીય ઓપનર શેફાલી વર્મા મહિલા ટી-20 બેટર્સ રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને ચોથા ક્રમે પહોંચી ગઈ છે. તેમના 756 રેટિંગ પોઈન્ટ છે. તેમણે સ્મૃતિ મંધાના અને વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યુઝને પાછળ છોડીને ટોપ-4માં સ્થાન બનાવ્યું છે. બોલર્સ રેન્કિંગમાં ભારતની લેફ્ટ આર્મ સ્પિનર શ્રી ચરણી પ્રથમ અને દીપ્તિ શર્મા બીજા ક્રમે છે. એશિયા કપથી એશિયન ગેમ્સ સુધી સતત રન બનાવ્યા શેફાલીએ એશિયા કપની સેમિફાઇનલમાં 64 અને ફાઇનલમાં શ્રીલંકા સામે 68 રન બનાવ્યા હતા. ત્યાર બાદ એશિયન ગેમ્સમાં પણ તેમનું શાનદાર ફોર્મ યથાવત રહ્યું. જાપાન સામેની ક્વાર્ટર ફાઇનલમાં તેમણે 15 બોલમાં અણનમ 40 રન બનાવ્યા. બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં 49 બોલમાં અણનમ 100 રનની ઇનિંગ્સ રમીને તેમણે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ-બૉલ સદી ફટકારી. તેઓ એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ બન્યા. ફાઇનલમાં શ્રીલંકા સામે શેફાલીએ 48 રન બનાવ્યા અને સ્મૃતિ મંધાના સાથે ભારતને ઝડપી શરૂઆત અપાવી. ભારતે આ મુકાબલો જીતીને સતત બીજી વખત એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો. એશિયા કપથી લઈને એશિયન ગેમ્સ સુધીના તેમના 64, 68, 40*, 100* અને 48 રનના પ્રદર્શનથી તેમની ICC રેન્કિંગમાં પણ મોટો સુધારો થયો. બોલરોમાં શ્રી ચરણિ નંબર-1, દીપ્તિ નંબર-2 ટી-20 બોલર્સ રેન્કિંગમાં ભારતની એન શ્રી ચરણિ અને દીપ્તિ શર્મા ટોપ-2 પર યથાવત્ છે. શ્રી ચરણિ નંબર-1 અને દીપ્તિ નંબર-2 પર છે. શ્રી ચરણિ એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે ચાર વિકેટ લઈને 804 રેટિંગ પોઈન્ટ સુધી પહોંચી હતી. આ ICC ટી-20 રેન્કિંગમાં કોઈ ભારતીય મહિલા ક્રિકેટરનો સૌથી મોટો રેટિંગ સ્કોર છે. દીપ્તિએ પણ તાજેતરની ટુર્નામેન્ટમાં સતત વિકેટ લઈને બીજા સ્થાન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય બોલરોમાં ક્રાંતિ ગૌડ અને નંદની શર્માને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ક્રાંતિ 15 સ્થાન ઉપર ચઢીને 57મા નંબરે પહોંચી છે, જ્યારે નંદની 22 સ્થાનની છલાંગ સાથે 72મા નંબરે છે. બંનેએ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં દીપ્તિ શર્મા પાંચમા સ્થાને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં દીપ્તિ શર્મા પાંચમા સ્થાને છે. તેમના 370 રેટિંગ પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ 502 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 પર છે. ન્યૂઝીલેન્ડની અમેલિયા કેર 465 પોઈન્ટ સાથે બીજા અને શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ 420 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

Leave A Comment