'સાંપ્રદાયિક કારણોસર 8 વર્ષથી બોલિવૂડમાં કામ નથી મળતું':એઆર રહેમાનના નિવેદન પર વિવાદ, કંગનાએ કહ્યું- 'નફરતમાં આંધળા થયા'; જાવેદ અખ્તર-શાને ટીકા કરી
ઓસ્કર એવોર્ડ વિનર કમ્પોઝર-સિંગર એ.આર. રહેમાને અગાઉ આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક ઇરાદાને સમજવામાં ભૂલ થઈ જાય છે. વિવાદ બાદ રહેમાનનું આ પહેલું નિવેદન છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, તેમને સાંપ્રદાયિક કારણોસર છેલ્લા 8 વર્ષથી બોલિવૂડમાં કામ આપવામાં આવી રહ્યું નથી. એ.આર. રહેમાનના આ નિવેદન પર જાવેદ અખ્તર પછી હવે કંગના રનૌત પણ ભડકી ઉઠી છે. એક્ટ્રેસે કહ્યું, ‘હું ઇચ્છતી હતી કે એ.આર. રહેમાન મારી ફિલ્મ ‘ઇમરજન્સી’નું નરેશન કરે, પરંતુ તેમણે એવું કહીને ઇનકાર કરી દીધો કે, તેઓ કોઈ પ્રોપગેન્ડા ફિલ્મનો ભાગ બનવા માંગતા નથી.’ વિવાદ વધતા હવે એ.આર. રહેમાને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, તે કોઈને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા. કંગનાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એઆર રહેમાનનું નિવેદન પોસ્ટ કરીને લખ્યું- પ્રિય એઆર રહેમાનજી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને ખૂબ ભેદભાવ અને પક્ષપાતનો સામનો કરવો પડે છે, માત્ર એટલા માટે કે હું એક કેસરિયા પાર્ટીને સમર્થન કરું છું. પરંતુ મારે કહેવું જ પડશે કે, તમારાથી વધુ પૂર્વાગ્રહી અને નફરતથી ભરેલો માણસ મેં આજ સુધી જોયો નથી. ‘તમે તમારી નફરતમાં અંધ થઈ ગયા છો’ કંગનાએ આગળ લખ્યું, ‘મારી ખૂબ જ ઈચ્છા હતી કે તમે મારી ડિરેક્શનની ફિલ્મ ‘ઈમરજન્સી’ માટે નરેશન આપો, પરંતુ તમે મને મળવાની પણ ના પાડી દીધી. મને કહેવામાં આવ્યું કે તમે કોઈ ‘પ્રોપગેન્ડા ફિલ્મ’નો ભાગ બનવા માંગતા નથી. આશ્ચર્યની વાત એ છે કે, ‘ઈમરજન્સી’ને બધાં વિવેચકોએ એક ઉત્તમ ફિલ્મ ગણાવી. અહીં સુધી કે વિરોધ પક્ષોના નેતાઓએ પણ મને પત્રો મોકલીને ફિલ્મની પ્રશંસા કરી, ખાસ કરીને તેના સંતુલિત અને સંવેદનશીલ દૃષ્ટિકોણ માટે. પરંતુ તમે તમારી નફરતમાં અંધ થઈ ગયા છો. મને તમારા માટે અફસોસ થાય છે.’ આ ઉપરાંત, કંગના રનૌતે એક અન્ય પોસ્ટ કરીને લખ્યું છે, ‘એ.આર. રહેમાન જી, દરેકની જિંદગીમાં પોતાની લડાઈઓ હોય છે. ફિલ્મોની વાત છોડો, મોટા-મોટા ડિઝાઇનરો, જે ક્યારેક મને પોતાનું કલેક્શન લોન્ચ કરવા માટે ‘ફ્રી ફંડ’ જેવા કેમ્પેનમાં આજીજી કરતા હતા અને પોતાને મારા સૌથી સારા મિત્ર ગણાવતા હતા, પછી મારા સ્ટાઈલિસ્ટને કપડાં આપવાની ના પાડી દેતા હતા. પછી તેમણે મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું અને મારા વિશે પોસ્ટ કરવાનું પણ. પરંતુ એક ઘટના હું ક્યારેય ભૂલી શકતી નથી.’ ‘રહેમાનજી, તમે મગરના આંસુ વહાવી રહ્યા છો’ કંગનાએ એમ પણ કહ્યું, ‘જ્યારે હું રામ જન્મભૂમિ માટે મસાબા ગુપ્તાની સાડી પહેરી રહી હતી, ત્યારે તેમણે સ્ટાઈલિસ્ટને કહી દીધું કે, હું તેમની સાડીમાં રામ જન્મભૂમિ જઈ શકતી નથી. હું ત્યાં સુધીમાં લખનઉથી અયોધ્યા માટે નીકળી ચૂકી હતી, તેથી કપડાં બદલવા શક્ય નહોતા. મને એટલું અપમાનિત અને નીચું લાગ્યું કે હું ચૂપચાપ મારી કારમાં બેસીને રડી પડી. પછીથી, અન્ય ડિઝાઇનરોની જેમ, તેમણે સ્ટાઈલિસ્ટને કહી દીધું કે આગળથી તેમનું કે તેમના બ્રાન્ડનું નામ ન લેવાય. આજે એઆર રહેમાનજી મગરના આંસુ વહાવી રહ્યા છે, પરંતુ તેમની પોતાની નફરત અને પૂર્વગ્રહનું શું?’ રહેમાને કહ્યું- ‘ભારત મારી પ્રેરણા, મારા ગુરુ, મારું ઘર’ નિવેદન પર વિવાદ વધ્યા બાદ હવે એઆર રહેમાને આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેમણે કહ્યું, ‘પ્રિય મિત્રો, સંગીત હંમેશા મારા માટે જોડાવા, ઉજવણી કરવા અને કોઈ સંસ્કૃતિને સન્માન આપવાનું માધ્યમ રહ્યું છે. ભારત મારી પ્રેરણા છે, મારો ગુરુ છે અને મારું ઘર છે. હું સમજું છું કે ઘણીવાર લોકોની નિયતને ખોટી રીતે સમજી લેવામાં આવે છે, પરંતુ મારો ઉદ્દેશ્ય હંમેશા સંગીત દ્વારા લોકોને ઉપર ઉઠાવવા, સન્માન આપવા અને સેવા કરવાનો જ રહ્યો છે.’ આગળ તેમણે કહ્યું, ‘મેં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાની ઈચ્છા રાખી નથી, અને મને આશા છે કે મારી સચ્ચાઈ અનુભવાશે. મને ભારતીય હોવા પર ગર્વ છે, કારણ કે આ જ મને એવું વાતાવરણ બનાવવાની આઝાદી આપે છે જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય અને દરેક પ્રકારની સંસ્કૃતિઓના અવાજોનું સન્માન કરવામાં આવે.’ શું હતું એઆર રહેમાનનું નિવેદન? એ.આર. રહેમાનને તાજેતરમાં બીબીસી નેટવર્કના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘શું 1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે તમને કોઈ પ્રકારના પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો હતો?’ આના પર રહેમાને કહ્યું કે, ‘કદાચ તે સમયે મેં આવું ક્યારેય અનુભવ્યું ન હતું, પરંતુ છેલ્લા 8 વર્ષમાં પરિસ્થિતિઓ બદલાઈ છે. પાવર શિફ્ટ થયો છે. હવે નિર્ણય લેવાની શક્તિ એવા લોકોના હાથમાં છે, જેઓ રચનાત્મક નથી. ઘણી વાર મને બીજાઓ પાસેથી સાંભળવા મળે છે કે, તમને કોઈ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં મ્યુઝિક કંપનીએ પોતાના મનપસંદ કમ્પોઝરને કામ આપી દીધું. શક્ય છે કે આ કોઈ સાંપ્રદાયિક મામલો પણ રહ્યો હોય, પરંતુ મારી સામે આવું ક્યારેય બન્યું નથી.’ જાવેદ અખ્તર, શાન, શોભા ડેએ નિવેદનની ટીકા કરી જાવેદ અખ્તરે રહેમાનના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો. ‘આઈએનએસ’ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, ‘મને ક્યારેય એવું લાગ્યું નથી. હું મુંબઈમાં રહું છું, બધાંને મળું છું. રહેમાનને ખૂબ સન્માન મળે છે.’ જાવેદ અખ્તરનું માનવું છે કે, રહેમાન પશ્ચિમમાં વ્યસ્ત રહે છે, શો કરે છે, તેથી નિર્માતાઓ તેમનો સંપર્ક કરવામાં ખચકાય છે. તેમણે કહ્યું, ‘ઓસ્કર વિજેતા જેવી મહાન હસ્તી પાસે નાના નિર્માતાઓ સંકોચ અનુભવતા હશે. આમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.’ સિંગર શોભા ડેએ પણ એઆર રહેમાનના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું, ‘આ એક ખૂબ જ ખતરનાક ટિપ્પણી છે. મને ખબર નથી કે તેમણે આવું શા માટે કહ્યું. હું 50 વર્ષથી બોલિવૂડમાં છું. આ એવી જગ્યા છે, જ્યાં સાંપ્રદાયિક બાબતોને કોઈ સ્થાન નથી.’ સિંગર શાને પણ સંગીતકારના નિવેદનની નિંદા કરી છે. તેણે કહ્યું, ‘જ્યાં સુધી કામ ન મળવાની વાત છે, તો તમારી સામે હું પણ ઊભો છું. મને પણ કામ નથી મળી રહ્યું. હું આમાં નથી જતો. દરેકની અંગત વાત હોય છે. દરેકની પોતાની વિચારસરણી છે. આપણને કેટલું કામ મળવું જોઈએ, તે આપણા હાથમાં નથી. મને નથી લાગતું કે કોઈ કોમ્યુનલ એંગલ છે. જો આવું હોત તો આપણા જે ત્રણ સૌથી મોટા સ્ટાર્સ (શાહરુખ, સલમાન, આમિર) છે, તેઓ પણ લઘુમતીમાં છે, તો શું તેમના ચાહકો ઓછા છે. આવું તો નથી થતું.’ ગૂગલ પર ટ્રેન્ડ થઈ રહ્યા છે એઆર રહેમાન વિવાદાસ્પદ નિવેદનના કારણે એઆર રહેમાન ગૂગલ પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેમના નામ ને સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે. સંદર્ભ- Google Trends
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

