‘હું 60નો થયો છું, તમે સંસ્કાર ભૂલ્યા!’:માતા બન્યા પછી કેટરિનાની ટ્રોલિંગ પર સલમાન ભડક્યા, લાઈવ શોમાં જેકેટ-ટોપી ઉતારી ટ્રોલર્સને આપ્યો સણસણતો જવાબ
રિયાલિટી શો ‘બિગ બોસ 20’ના બીજા ‘વીકએન્ડ કા વાર’માં સલમાન ખાને ઘરના કન્ટેસ્ટન્ટ્સની સાથે-સાથે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. શનિવારે પ્રસારિત થયેલા એપિસોડમાં સલમાને ટ્રોલિંગ, એજ-શેમિંગ અને બોડી-શેમિંગ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈના વજન, ઉંમર, દેખાવ, પરિવાર, હસવા, કરિયર કે માતા બન્યા બાદ શરીરમાં આવેલા ફેરફારોને લઈને ટિપ્પણી કરવી માત્ર મજાક નથી, પરંતુ તે ટ્રોલ કરનારની વિચારસરણી અને ઉછેર પણ દર્શાવે છે. સલમાનની આ પ્રતિક્રિયા તે ચર્ચા દરમિયાન સામે આવી, જેમાં તેમણે કન્ટેસ્ટન્ટ સ્કાઉટઓપીના સોશિયલ મીડિયા અને ગેમિંગ કમ્યુનિટી સાથે જોડાયેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો. સલમાને કહ્યું કે સોશિયલ મીડિયા આજે એક મોટો વ્યવસાય બની ગયો છે. ગેમિંગ, કન્ટેન્ટ ક્રિએશન, વીડિયો એડિટિંગ અને સોશિયલ મીડિયાના અન્ય કામો દ્વારા મોટી સંખ્યામાં લોકોને રોજગાર અને ઓળખ મળી રહી છે. પરંતુ આ જ પ્લેટફોર્મનું એક બીજું પાસું ટ્રોલિંગ પણ છે. સલમાને સમજાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધી રહી હોય છે ત્યારે તેને નીચે ખેંચવાનો પ્રયાસ ઘણીવાર એ જ લોકો કરે છે, જેઓ પોતે પાછળ રહી ગયા હોય છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિને તમે ગાળો આપી રહ્યા છો, જેના શરીર અને વજન પર ટિપ્પણી કરી રહ્યા છો, જેના દેખાવની મજાક ઉડાવી રહ્યા છો, એ જ વ્યક્તિ કોઈ ને કોઈ રીતે તમારા કન્ટેન્ટ અને કમાણીનો હિસ્સો બની રહી છે. ‘તેના શરીર, વજન અને દેખાવ વિશે ગંદું લખી રહ્યા છો’ સલમાને ટ્રોલિંગના અનેક સ્વરૂપો ગણાવ્યા. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો કોઈના શરીર, વજન, દેખાવ, પરિવાર, સ્મિત, ફ્લોપ થવા કે માતા બનવા સુધી પર ટિપ્પણી કરવા લાગ્યા છે. તેમણે આવી કમેન્ટ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈને ‘ભદ્દી લાગી રહી છે’, ‘જાડી થઈ ગઈ છે’ અથવા ‘ઘરડો થઈ ગયો છે’ જેવી વાતો કહેવામાં આવે છે. ‘જ્યારે પોતાના ચહેરાથી જ પરેશાન હો, તો બીજાને શા માટે જુઓ છો?’ સલમાને ટ્રોલર્સને સવાલ કર્યો કે જો કોઈ વ્યક્તિ પોતાના ચહેરા અથવા શરીરને લઈને એટલી અસહજ હોય કે તેને પોતાની ઓળખથી જ પરેશાની થતી હોય, તો તે એવી વ્યક્તિના શરીર અને દેખાવ પર શા માટે ટિપ્પણી કરે છે, જેને કદાચ તે ક્યારેય મળ્યો પણ નથી? સલમાને ટ્રોલ કરનારાઓના પરિવારોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ટ્રોલ કરનારાઓના પોતાના ઘરમાં પણ માતા, પિતા, બહેન, પત્ની, ગર્લફ્રેન્ડ, દીકરી અથવા ભાઈ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેમણે વિચારવું જોઈએ કે જો આ પ્રકારની ટિપ્પણી તેમના પોતાના પરિવારના કોઈ સભ્ય વિશે કરવામાં આવે તો તેમને કેવું લાગશે. ‘મારા વિશે પણ આવું થયું હતું—ઘરડો થઈ ગયો’ ત્યારબાદ સલમાને પોતાની ઉંમર અને દેખાવને લઈને થયેલી ટ્રોલિંગનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમના વિશે પણ સોશિયલ મીડિયા પર સતત લખવામાં આવે છે કે તેઓ ઘરડા થઈ ગયા છે. સલમાને આ અંગે કહ્યું કે, ‘ઘરડો થઈ ગયો, હું 60 વર્ષનો થઈ ગયો છું.’ તેમણે આ વાત સ્વીકારતા કહ્યું કે ઉંમર વધવી સ્વાભાવિક છે. ત્યારબાદ સલમાને મંચ પર પોતાની ટોપી અને જેકેટ ઉતારી દીધાં. મહિલાઓના શરીર પર ટિપ્પણી કરનારાઓને પણ જવાબ સલમાને મહિલાઓના શરીરને લઈને થતી ઑનલાઇન ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ મહિલા માતા બને છે ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું સ્વાભાવિક છે. તેમણે સવાલ કર્યો કે કોઈ મહિલા માતા બન્યા પછી તેના શરીરમાં આવેલા ફેરફારોને લઈને લોકો તેને શા માટે ટ્રોલ કરે છે? સલમાને કહ્યું કે જ્યારે તે મહિલા ફરીથી કામ પર પરત ફરશે ત્યારે તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી શકે છે, પરંતુ તે તેના પરિવાર સાથે કેટલો સમય વિતાવવા માગે છે અને પોતાના શરીર સાથે શું કરવા માગે છે તે તેનો અંગત નિર્ણય છે. જોકે, સલમાને કોઈનું નામ લીધું નહોતું, પરંતુ તેમની આ ટિપ્પણીને ગર્ભાવસ્થા બાદ કેટરિના કૈફની સોશિયલ મીડિયા પર થયેલી બોડી-શેમિંગ સાથે જોડીને જોવામાં આવી. ‘સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રેમ ફેલાવવા માટે પણ થઈ રહ્યો છે’ સલમાને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સોશિયલ મીડિયાને સંપૂર્ણપણે નકારાત્મક માનતા નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો સારું કામ કરી રહ્યા છે. સલમાને કહ્યું કે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો દેશમાં ચાલી રહેલા રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપવા માંગતા નથી. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે કે તે કોઈ રાજકીય મુદ્દા પર વાત કરવા માંગે છે કે નહીં. સલમાને પત્રકારત્વને લઈને કહ્યું કે પત્રકારોનું કામ કોઈ મુદ્દાની સચ્ચાઈ જાણીને તેને દર્શકો સુધી પહોંચાડવાનું છે. તેમણે કહ્યું કે પત્રકારોએ તેમની પાસેથી માત્ર એટલા માટે પ્રતિક્રિયા લેવાની જરૂર ન હોવી જોઈએ કે તેમની ટિપ્પણી પ્રસારિત કરીને ટીઆરપી મેળવી શકાય. તેમણે કહ્યું કે પત્રકારોએ જઈને સત્ય જાણવું જોઈએ અને લોકોને માહિતી આપવી જોઈએ. ‘જો હું મારા ફેન ક્લબને કહી દઉં તો?’ સલમાને ટ્રોલિંગના ખતરનાક પાસા તરફ પણ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે જો તેઓ પોતાના ફેન ક્લબને કહી દે કે તેમના વિશે ખોટી વાતો લખનારા કેટલાક લોકોની ઓળખ સામે લાવો, તો તેમના વિશે ઘણી વ્યક્તિગત માહિતી સામે આવી શકે છે. સલમાને એક જૂનો પ્રસંગ પણ સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે લગભગ 8-10 વર્ષ પહેલાં એક વ્યક્તિ તેમના વિશે અત્યંત વાંધાજનક વાતો લખી રહ્યો હતો. તેમણે સાયબર સેલની મદદથી તે વ્યક્તિની ઓળખ અને સરનામું કઢાવ્યું અને તેના ઘર સુધી પહોંચી ગયા. સલમાનના જણાવ્યા મુજબ, તે વ્યક્તિના માતા-પિતા શિક્ષિત હતા અને પરિવારમાં અન્ય સભ્યો પણ હતા. તેમણે તે વ્યક્તિને કહ્યું કે જો તેઓ ઈચ્છે તો તેની ઓળખ અને તેના પરિવાર વિશેની માહિતી જાહેર કરી શકે છે. સલમાને જણાવ્યું કે ત્યાર બાદ તે વ્યક્તિએ તેમની માફી માંગી. સલમાન ખાને કહ્યું કે કોઈના વજન વધવા કે ઘટવા અંગે ચિંતા વ્યક્ત કરવી અલગ વાત છે, પરંતુ કોઈની મજાક ઉડાવવી કે તેના દેખાવ અંગે સતત ટિપ્પણી કરવી યોગ્ય નથી. સલમાને કહ્યું કે સોહેલ ખાન, વરુણ ધવન અને ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોની પણ ટ્રોલિંગ કરવામાં આવે છે અને ઘણીવાર ટ્રોલર્સને કોઈના ડ્રેસ, દેખાવ કે અંગત જીવનમાં ખામીઓ કાઢવાની તક મળી જાય છે. સલમાને કહ્યું કે ટ્રોલર્સ માત્ર કલાકારોને જ નહીં, પરંતુ એક્ટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને રાજનેતાઓને પણ નિશાન બનાવે છે. તેમણે કહ્યું કે કોઈનું કામ પસંદ ન હોય તો સીધું કહી શકાય કે કામ સારું લાગ્યું નથી અથવા ફિલ્મ પસંદ આવી નથી. કોઈ મંત્રીના કામ પર પણ સવાલ ઉઠાવી શકાય છે, પરંતુ તેના માટે ગાળો આપવાની જરૂર નથી. તેમણે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને પણ ટ્રોલ કરવામાં આવે છે. ક્યારેક તેમના વાળ અથવા લુકને લઈને કહેવામાં આવે છે કે તેઓ ટાલિયા થઈ ગયા છે, જ્યારે તે કોઈ ફિલ્મના લુકનો ભાગ હોઈ શકે છે. સલમાને કહ્યું કે તેઓ ટીકા-ટિપ્પણીઓને પોતાના ફાયદામાં ફેરવવાનો પ્રયાસ કરે છે. તેમની પ્રશંસા કરવામાં આવે તો તેઓ વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે અને ટીકા કરવામાં આવે તો પોતાને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરે છે. જોકે, તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ એકસરખી હોતી નથી. ઘણા લોકો સતત ખોટી અને અપમાનજનક ટિપ્પણીઓથી ડિપ્રેશનમાં જતા રહે છે. સલમાન ખાને કહ્યું, “તમારે ફિલ્મ નથી જોવી, તો ન જુઓ. આ નવું આવ્યું છે કે અમારી કારણે તમે બન્યા છો, આ બન્યા છો. અમે ચાહકોને સન્માન આપીએ છીએ, તેનો અર્થ એ છે કે તમે અમારી સાથે આવું કરો? તમે ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદી છે, અમને થોડી ખરીદ્યા છે યાર. અમે અમારી તરફથી પૂરો પ્રયાસ કરીએ છીએ, જેથી તમને ફિલ્મમાં મજા આવે.” બિગ બોસ 20ના ‘વીકએન્ડ કા વાર’નો એક પ્રોમો સામે આવ્યા બાદ સલમાન ખાનની તબિયતને લઈને દર્શકો ચિંતિત થઈ ગયા. પ્રોમોમાં સલમાન છાતી પકડીને પીડામાં જોવા મળ્યા. તેનાથી લાગ્યું કે તેમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થઈ છે. ત્યારબાદ મોડી રાત્રે સલમાને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમની તબિયત બિલકુલ ઠીક છે. સલમાને જણાવ્યું કે પ્રોમોને જે રીતે એડિટ કરવામાં આવ્યો, તેનાથી સમગ્ર દૃશ્યનો અર્થ બદલાઈ ગયો. તેમના કહેવા મુજબ, એવું લાગી રહ્યું હતું કે તેઓ પણ એ જ કરી રહ્યા છે, જે શોના સ્પર્ધક કાજીએ કર્યું હતું. હકીકતમાં, કાજી તૌકીરે એક ટાસ્ક બાદ પોતાની તબિયત ખરાબ થયાનું નાટક કર્યું હતું. તેમણે દવાઓ માટે જોરથી બૂમો પાડી, જેના કારણે ઘરના બાકીના સ્પર્ધકો પરેશાન થઈ ગયા. બાદમાં મેડિકલ રૂમમાં તેમણે ડૉક્ટરને જણાવ્યું કે તેમને કંઈ થયું નહોતું અને તેઓ ગેમના ભાગરૂપે આવું કરી રહ્યા હતા. સલમાને કહ્યું કે છાતીમાં દુખાવો થતો હોવાનું દર્શાવતું તેમનું એક્ટ કાજીને એ સમજાવવા માટે હતું કે બીમારીનું નાટક કરવું ખોટું છે. તેમણે કહ્યું કે ઘરના 15 કન્ટેસ્ટન્ટ કાજીની એક્ટિંગથી અજાણ હતા અને તેમની તબિયતને લઈને ચિંતિત થઈ ગયા હતા. સલમાને પ્રોમોના એડિટિંગ માટે માફી માંગી અને કહ્યું કે તેમની તબિયત બિલકુલ સારી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


