અફઘાન ક્રિકેટરો કાબુલ એરસ્ટ્રાઇક પર ભડક્યા:નવીને કહ્યું- પાકિસ્તાન અને ઇઝરાયલમાં કોઈ ફરક નથી; રાશિદે કહ્યું- એક રાષ્ટ્ર તરીકે આપણે ફરીથી ઊભા થઈશું

Last Updated: March 17, 2026By

પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી. પાકિસ્તાની એરફોર્સના લડાકુ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર આમાં 400 લોકોના મોત થયા, જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ અફઘાનિસ્તાનના ઘણા ક્રિકેટરોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાશિદ ખાન, નવીન ઉલ હક અને મોહમ્મદ નબીએ દુઃખ વ્યક્ત કર્યું છે. અમે ફરીથી ઊભા થઈશું- રાશિદ
અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને પણ કાબુલમાં થયેલા એરસ્ટ્રાઇક પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રાશિદે X પર લખ્યું, કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓને કારણે સામાન્ય લોકોના મોત થયાના સમાચારોથી મને ઊંડો દુઃખ થયું છે. સામાન્ય નાગરિકોના ઘરો, શૈક્ષણિક સંસ્થાઓ કે મેડિકલ સુવિધાઓને નિશાન બનાવવું, ભલે તે જાણી જોઈને હોય કે ભૂલથી, એક યુદ્ધ અપરાધ છે. રાશિદે આગળ લખ્યું, માનવ જાનની જે રીતે અવગણના કરવામાં આવી રહી છે, ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિનામાં, તે અત્યંત ઘૃણાસ્પદ અને ગંભીર ચિંતાનો વિષય છે. આનાથી ફક્ત ફૂટ અને નફરત જ વધશે. હું સંયુક્ત રાષ્ટ્ર (UN) અને માનવાધિકાર માટે કામ કરતી અન્ય એજન્સીઓને અપીલ કરું છું કે તેઓ આ અત્યાચારની સંપૂર્ણ તપાસ કરે અને તેના દોષિતોને સજા અપાવે. આ મુશ્કેલ સમયમાં હું મારા અફઘાન લોકોની સાથે ઊભો છું. આપણે આ આઘાતમાંથી બહાર આવીશું, અને એક રાષ્ટ્ર તરીકે આપણે ફરીથી ઊભા થઈશું. આપણે હંમેશા આવું જ કરતા આવ્યા છીએ. ઇન્શાઅલ્લાહ. ઇઝરાયલ અને પાકિસ્તાની વચ્ચે ફરક શોધવો મુશ્કેલ
26 વર્ષીય નવીન ઉલ હકે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ઇઝરાલ અને પાકિસ્તાની વચ્ચે કોઈ પણ ફરક શોધવો મુશ્કેલ છે. નવીન IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમી ચૂક્યો છે. નવીને 15 વન-ડે અને 48 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઈજાને કારણે તે T20 વર્લ્ડ કપ 2026માં રમી શક્યો નહોતો. અમે ન્યાય અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ- ઉમરઝાઈ
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ટ્વીટ કર્યું, આજ રાત, અમે અહીં કાબુલમાં એક જોરદાર બ્લાસ્ટ સાંભળ્યો. તેના તરત જ બાદ પાકિસ્તાની હવાઈ હુમલાઓની ઝપેટમાં આવેલા એક હોસ્પિટલમાંથી આગની જ્વાળાઓ આકાશમાં ઉઠવા લાગી. રમઝાન મહિનામાં જ્યારે લોકોએ પોતાનો રોજો ખોલ્યો જ હતો, ત્યારે નિર્દોષ લોકોના જીવ ગયા અને ઘણા અન્ય ઘાયલ થયા. કાબુલ શોકમાં ડૂબેલું છે. અમે ન્યાય અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. અમે ન્યાય માટે પ્રાર્થના કરીએ છીએ- ઝદરાન
અફઘાનિસ્તાનના બેટર ઇબ્રાહિમ ઝદરાને કાબુલમાં થયેલા હુમલા પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેણે લખ્યું, ‘રાત્રે કાબુલમાં એક મોટો વિસ્ફોટ સંભળાયો અને થોડી જ ક્ષણો પછી એક હોસ્પિટલમાંથી આકાશમાં આગની જ્વાળાઓ ઉછળતી દેખાઈ. જે લોકો બીજા દિવસે રોઝા રાખવાની તૈયારી કરી રહ્યા હતા, તેમાંથી ઘણા હવે કાં તો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. કાબુલ પીડામાં છે, અમે ન્યાય માટે પ્રાર્થના કરીએ છીએ. આશાનું છેલ્લું કિરણ પણ બુઝાઈ ગયું- નબી
અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીએ કાબુલમાં થયેલા હુમલા બાદ લખ્યું કે, હોસ્પિટલ પર થયેલા આ હુમલાએ આશાનું છેલ્લું કિરણ પણ બુઝાવી દીધું. સારવાર માટે પહોંચેલા ઘણા યુવાનો આ બોમ્બમારામાં માર્યા ગયા, જ્યારે હોસ્પિટલની બહાર ઉભેલી માતાઓ પોતાના પુત્રોના નામ પોકારતી રહી ગઈ. રમઝાનની 28મી રાત્રે આ લોકોની જિંદગીઓ અચાનક સમાપ્ત થઈ ગઈ, જે અત્યંત દર્દનાક અને અમાનવીય છે.