ગુજરાતની હાર પર ભડક્યો ગ્લેન ફિલિપ્સ:કહ્યું- દરેક વસ્તુ પક્ષમાં હોવી જરૂરી છે; એક રનની હાર કરતાં આવી હાર સારી, વાપસી કરવી સરળ
IPLના નોકઆઉટ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના હાથે મળેલી હાર પછી ગુજરાત ટાઇટન્સ (GT)ના કેમ્પમાં નિરાશા તો છે, પરંતુ ખેલાડીઓનો જુસ્સો ઓછો થયો નથી. મેચ પછી ગુજરાત ટાઇટન્સના ગ્લેન ફિલિપ્સ મીડિયા રૂમમાં પત્રકારોના સવાલોના જવાબ આપવા આવ્યો. આ દરમિયાન એક પત્રકારના ‘સરન્ડર’ કરવાના સવાલ પર ફિલિપ્સ ખરાબ રીતે ભડકી ગયા અને તેને ‘મૂર્ખામીભર્યો સવાલ’ ગણાવ્યો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહોલ ત્યારે ગરમાયો જ્યારે એક પત્રકારે પૂછ્યું કે શું પહેલી ઇનિંગ્સ પૂરી થયા પછી જ તમને સમજાઈ ગયું હતું કે મેચ હાથમાંથી નીકળી ગઈ છે અને હવે આગામી મેચની રાહ જોવી જોઈએ? આ સવાલ પર ફિલિપ્સે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે, આ અત્યંત મૂર્ખામીભર્યો અને ખરાબ સવાલ છે. કોઈપણ ટીમ મેદાન પર એવું વિચારીને ઉતરતી નથી કે ચાલો આ મેચ છોડી દઈએ. અમે પ્રોફેશનલ ક્રિકેટર્સ છીએ, અમે આવું શા માટે કરીશું? અમે મેદાન પર ગયા અને અમારું બધું જ આપી દીધું. દરેક વસ્તુ તમારા પક્ષમાં હોવી જરૂરી છે : ફિલિપ્સ તેમણે આગળ કહ્યું કે દુર્ભાગ્યે જ્યારે તમે 250 રન જેવા વિશાળ લક્ષ્યનો પીછો કરી રહ્યા હોવ છો, ત્યારે દરેક વસ્તુ તમારા પક્ષમાં હોવી જરૂરી હોય છે, જે તે દિવસે ન થયું. મેચના ટર્નિંગ પોઈન્ટ અંગે ફિલિપ્સે સ્વીકાર્યું કે ખરાબ ફિલ્ડિંગનો ભોગ ટીમને બનવું પડ્યું. તેમણે કહ્યું, “પ્લેઓફ જેવી મોટી મેચોમાં ફિલ્ડિંગની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે.” ફિલિપ્સે સ્વીકાર્યું કે કોઈ પણ જાણી જોઈને કેચ છોડતું નથી, પરંતુ આપણે આપણી માનસિકતામાં થોડો બદલાવ કરવો પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મેદાન પર દરેક ખેલાડીમાં બોલને પકડવાની અને કંઈક ખાસ કરવાની ભૂખ દેખાવી જોઈએ. 254 નો પીછો કરવો સહેલો નથી, સ્કોરબોર્ડનું ભારે દબાણ હતું તેણે કહ્યું કે, પિચ અને રન ચેઝ વિશે વાત કરતા ફિલિપ્સે કહ્યું, “આ કાળી માટીની પિચ હતી. જ્યારે તમે 254 રનનો પીછો કરો છો, ત્યારે સ્કોરબોર્ડનું ભારે દબાણ હોય છે. પંજાબ કિંગ્સે આ સિઝનમાં એક-બે વાર આવું કરીને તેને સરળ બતાવી દીધું છે, પરંતુ ખરેખરમાં એવું નથી. હું આજ સુધી એવી કોઈ ટીમનો ભાગ નથી રહ્યો જે 250 ની નજીક પણ પહોંચી હોય.” ‘રમ્યા વગર પ્રેસ કોન્ફરન્સમાં કેમ?’ ફિલિપ્સે આપ્યો મજેદાર જવાબ એક પત્રકારે જ્યારે મજાક કરતા પૂછ્યું કે તમે આજે પ્લેઇંગ-11નો ભાગ નહોતા, છતાં પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપી રહ્યા છો, શું આ વિચિત્ર નથી લાગતું? આના પર ફિલિપ્સે હસતા કહ્યું કે, બિલકુલ નહીં. ઘણીવાર જે ખેલાડી બહાર બેઠો હોય છે, તેનો દૃષ્ટિકોણ વધુ સ્પષ્ટ હોય છે. અમારા મુખ્ય કોચ આશિષ નેહરા હંમેશા કહે છે- ‘ચિલ પિલ લો’ (Take a chill pill). ખેલાડીઓ માટે જરૂરી છે કે તેઓ આ હારને ભૂલીને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરે. એક રનની હાર કરતાં આવી હાર સારી, વાપસી કરવી સરળ 2 દિવસ પછી યોજાનાર આગામી નોકઆઉટ મુકાબલામાં વાપસી અંગે ફિલિપ્સે સકારાત્મક વલણ અપનાવ્યું. તેણે કહ્યું કે આ પ્રકારની મોટી હારમાંથી બહાર આવવું ઘણીવાર 1 કે 2 રનની હાર કરતાં વધુ સરળ હોય છે. જો તમે 1 રનથી હારો છો, તો તમે વિચારતા રહો છો કે કાશ ત્યાં સિંગલ લીધો હોત. પરંતુ જ્યારે તમે 250 રનના ચેઝમાં ઘણા પાછળ રહી જાઓ છો, તો તમે બસ એવું માની લો છો કે આજે અમારો દિવસ નહોતો. સારી વાત એ છે કે ટોપ-2માં રહેવાને કારણે અમારી પાસે વાપસીનો વધુ એક મોકો ઉપલબ્ધ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

