જાહ્નવી કપૂરનો જીવ અધ્ધર થઈ ગયો, VIDEO:રામ ચરણનો હમશકલ ફેન ઝડપથી દોડીને એક્ટરને મળવા પહોંચ્યો, બોડીગાર્ડ સાથે ઝપાઝપીમાં એક્ટ્રેસ અડફેટે ચઢી
સાઉથ સુપર સ્ટાર રામ ચરણ અને બોલિવૂડ બ્યુટી જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘પેદ્દી’ના પ્રમોશન કરી રહ્યા છે. મંગળવારે બંને ફિલ્મના ડિરેક્ટર સાથે વિજયવાડા પહોંચ્યા હતા, જ્યાં એક અત્યંત ચોંકાવનારો અને અજીબ કિસ્સો સામે આવ્યો છે. સ્ટેજ પર જ્યારે ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું હતું, ત્યારે રામ ચરણ જેવો જ દેખાતો તેનો એક હમશકલ ફેન અચાનક સુરક્ષા ઘેરો તોડીને એક્ટર તરફ ખૂબ જ ઝડપથી દોડ્યો. આ ઘટનાને કારણે રામ ચરણની બિલકુલ બાજુમાં બેઠેલી જાહ્નવી કપૂર એકદમથી ડરી ગઈ અને થોડીવાર માટે તો તેનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે, આ દરમિયાન રામ ચરણના પર્સનલ બોડીગાર્ડ અને પ્રોફેશનલ એમએમએ (MMA) ફાઇટર કેવિન કુંટાએ ગજબની ચપળતા બતાવી. તેણે ફેનને રસ્તામાં જ દબોચી લીધો અને બોડીગાર્ડ સાથેની આ ઝપાઝપીની સ્થિતિ વચ્ચે એક્ટ્રેસ પણ અડફેટે આવતા-આવતા માંડ બચી હતી. અંતે બોડીગાર્ડ ફેનને તેડીને સ્ટેજની બહાર કાઢ્યો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. રામ ચરણ જેવો જ આબેહૂબ દેખાતો હતો ફેન આ ઘટના ત્યારે બની જ્યારે સ્ટેજ પર રામ ચરણ, જાહ્નવી કપૂર અને ફિલ્મના ડિરેક્ટર બેઠા હતા અને કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બરાબર એ જ સમયે ભીડમાંથી એક જબરો ફેન સુરક્ષાકર્મીઓને ચકમો આપીને સ્ટેજ પર ચઢી આવ્યો. આ ફેન દેખાવમાં એટલો આબેહૂબ હતો કે તે પહેલી નજરે રામ ચરણ જેવો જ લાગતો હતો. તે ઝડપથી એક્ટરની સાવ નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક બનેલી ઘટનાથી સ્ટેજ પર હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ફાઇટર બોડીગાર્ડે બતાવી સિંઘમ જેવી સ્પીડ એ ક્રેઝી ફેન રામ ચરણને અડી શકે તે પહેલાં જ તેનો પર્સનલ બોડીગાર્ડ કેવિન કુંટા વચ્ચે આવી ગયો. કેવિન એક પ્રોફેશનલ એમએમએ (MMA) ફાઇટર છે, તેથી તેણે સેકન્ડોમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો. તેણે સમય બગાડ્યા વિના ફેનને પોતાની મજબૂત બાહોમાં ઉઠાવી ને સ્ટેજથી દૂર ફેંકી દીધો. રામ ચરણના ફેન્સ તેના બોડીગાર્ડની આ સમજદારીની પ્રશંસા કરી રહ્યા છે, જેના કારણે અનિચ્છનીય ઘટના ટળી ગઈ. જાહ્નવી કપૂર ગભરાઈ ગઈ, સુરક્ષા વધારાઈ વાઇરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ હમશકલ ફેન જે ઝડપથી સ્ટેજ પર ધસી આવ્યો, તેનાથી જાહ્નવી કપૂર ભારે અસ્વસ્થ અને ડરી ગઈ હતી. તે પોતાની સીટ પર જ ફફડી ઉઠી હતી અને તેની ગભરામણ તેના ચહેરા પર સાફ દેખાતી હતી. જુઓ સંપૂર્ણ ઘટનાનો વીડિયો:- આ ઘટના બનતાની સાથે જ સમગ્ર સિક્યોરિટી ટીમ હરકતમાં આવી ગઈ હતી. જાહ્નવી અને રામ ચરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તેમની ચારેય બાજુ મોટી સંખ્યામાં પોલીસ અને પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા, જેથી આગળની ઇવેન્ટ કોઈ પણ અવરોધ વિના શાંતિપૂર્ણ રીતે થઈ શકે. ફિલ્મ ‘પેદ્દી’ વિશે જાણો ફિલ્મ ‘પેદ્દી’ 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ એક પાન ઇન્ડિયા ફિલ્મ છે. બુચ્ચી બાબુના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને એઆર રહેમાને સંગીત આપ્યું છે. આ જાહ્નવી કપૂરની બીજી તેલુગુ ફિલ્મ છે. તેણે 2024માં ફિલ્મ ‘દેવરા’થી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા રવિવારે મુંબઈના બીકેસીમાં ફિલ્મનો ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાયો હતો, જ્યાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી. ફિલ્મ બુચ્ચી બાબુ સના દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. તેનું નિર્માણ વેંકટ સતીશ કિલારુએ વૃદ્ધિ સિનેમાઝના બેનર હેઠળ કર્યું છે. આ ફિલ્મ મૈત્રી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

