ટેસ્ટ મેચ દરમિયાન રેડ બોલની જગ્યાએ પિંક બોલથી પણ રમાડાશે:ICCનો પ્રયાસ- ખરાબ લાઇટને કારણે મેચ ન અટકે, બંને કેપ્ટનોની સહમતિ જરૂરી

Last Updated: May 23, 2026By


ICC ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ રેડ બોલથી શરૂ થયેલી કોઈપણ ટેસ્ટ મેચની વચ્ચે પિંક બોલનો ઉપયોગ કરવાનો છે. બોલ એવી પરિસ્થિતિઓમાં બદલવામાં આવશે જ્યારે ખરાબ લાઇટને કારણે રમત રોકી દેવામાં આવી હોય. રેડ બોલ ફ્લડ લાઇટ્સમાં બરાબર દેખાતો નથી. જ્યાં સુધી ખરાબ લાઇટ હોય ત્યાં સુધી રેડ બોલની જગ્યાએ પિંક બોલથી રમત રમાય. જોકે, આ માટે મેચ રમી રહેલી બંને ટીમના કેપ્ટનોએ સંમતિ આપવી પડશે. આ પ્રસ્તાવ ફક્ત દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચ માટે છે. સાથે જ, આ નિયમો ફક્ત તે જ મેદાનો પર લાગુ થઈ શકે છે જ્યાં પહેલાથી ફ્લડ લાઇટ્સ લગાવેલી હોય. ડે-નાઇટ ટેસ્ટ મેચ સંપૂર્ણપણે પિંક બોલથી જ રમાય છે. ક્રિકબઝ અનુસાર, ફેરફારો સંબંધિત પ્રસ્તાવો ગુરુવારે ICC ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (CEC)ની વર્ચ્યુઅલ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. ICC ક્રિકેટ કમિટીના પ્રમુખ સૌરવ ગાંગુલી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ પ્રસ્તાવો પર 30 મેના રોજ અમદાવાદમાં યોજાનારી ICC બોર્ડ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરી શકાય છે.
વન-ડેમાં કોચને વધુ આઝાદી મળશે વન-ડેમાં દરેક ઇનિંગમાં બે ડ્રિંક્સ બ્રેક હોય છે. હાલમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન માત્ર સબસ્ટિટ્યુટ ખેલાડીઓ જ મેદાન પર જઈ શકે છે. તેમાં પણ ડ્રિંક્સ લઈ જનારા ખેલાડીઓનું ક્રિકેટ ડ્રેસમાં હોવું ફરજિયાત છે. પ્રસ્તાવ મુજબ, હેડ કોચને પણ ખેલાડીઓ સાથે વાત કરવા માટે મેદાન પર આવવાની મંજૂરી મળશે. T20 ઇન્ટરનેશનલમાં કોચને પહેલાથી જ તેની મંજૂરી આપવામાં આવી છે. T20માં બ્રેક 20 મિનિટથી ઘટાડીને 15 મિનિટ કરવા પર વિચાર T20 ઇન્ટરનેશનલ મેચમાં બંને ઇનિંગ્સ વચ્ચેનો બ્રેક 20 મિનિટથી ઘટાડીને 15 મિનિટ કરવાનો પ્રસ્તાવ છે. આનાથી મેચ વહેલી પૂરી થશે અને બ્રોડકાસ્ટ શેડ્યૂલ પણ સરળ બનશે. ગેરકાયદેસર બોલિંગ એક્શન પર હોકઆઈની નજર ICC ઓન-ફીલ્ડ અમ્પાયરોને હોકઆઈ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરી રહ્યું છે. આનાથી મેચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન પર નજર રાખી શકાશે.

Leave A Comment