પાકિસ્તાનના ફરહાન T20 રેન્કિંગમાં અભિષેકની નજીક પહોંચ્યો:હવે માત્ર 26 પોઇન્ટ્સનું અંતર; બોલર્સમાં વરુણ ચક્રવર્તી ટોચ પર છે

Last Updated: March 4, 2026By

પાકિસ્તાનનો ઓપનિંગ બેટર સાહિબઝાદા ફરહાન ICC મેન્સ T20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલા અભિષેક શર્માની નજીક પહોંચી ગયો છે. બંને વચ્ચે હવે માત્ર 26 પોઇન્ટનો તફાવત છે. ICCએ બુધવારે T20 પ્લેયર્સની નવી રેન્કિંગ જાહેર કરી છે. બોલર્સમાં ભારતના વરુણ ચક્રવર્તી ટોચ પર છે. જ્યારે ઓલરાઉન્ડર્સમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા પ્રથમ સ્થાને છે. T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન છતાં અભિષેક શર્મા બેટર્સની રેન્કિંગમાં ટોચ પર છે. અભિષેકે આ વર્લ્ડ કપની 6 ઇનિંગ્સમાં માત્ર 80 રન બનાવ્યા છે, જ્યારે 55 રન તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. બીજી તરફ સાહિબઝાદા ફરહાને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 848 રેટિંગ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે. તે એક સ્થાન ઉપર ચઢીને બીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટને પાછળ છોડ્યો. ફરહાને આ વર્લ્ડ કપની 6 ઇનિંગ્સમાં બે સદી ફટકારતા 383 રન બનાવ્યા છે. તે હાલમાં ટુર્નામેન્ટનો ટૉપ સ્કોરર છે. સુપર 8 સમાપ્ત થયા પછી રેન્કિંગમાં ઘણા મોટા ફેરફારો આવ્યા છે. ભારતના ઈશાન કિશન ચોથા નંબર પર (783 પોઇન્ટ્સ) અને તિલક વર્મા છઠ્ઠા નંબર પર (749 પોઇન્ટ્સ) પહોંચી ગયા છે. બંને એક-એક સ્થાન ઉપર ચડ્યા. સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ પણ એક સ્થાન ઉપર ચડીને આઠમા નંબર પર છે. ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટે 292 રન બનાવીને 6 સ્થાનની છલાંગ લગાવી અને 11મા નંબર પર પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકાના રેયાન રિકેલ્ટન 13મા અને એડન માર્કરમ 16મા નંબર પર ચઢ્યો છે. વરુણ ચક્રવર્તી ટૉપ પર યથાવત, અબરાર બે સ્થાન ઉપર ચઢ્યો ભારતના સ્પિનર વરુણ ચક્રવર્તી 771 પોઇન્ટ્સ સાથે ટોચ પર યથાવત્ છે. તેણે બીજા નંબર પર રહેલા રાશિદ ખાનથી 18 પોઇન્ટ્સની લીડ બનાવી છે. પાકિસ્તાનનો અબરાર અહેમદ બે સ્થાન ઉપર ચઢીને ત્રીજા નંબર પર આવી ગયો છે. ભારતનો જસપ્રીત બુમરાહ એક સ્થાન ઉપર સાતમા અને અર્શદીપ સિંહ 6 સ્થાનની છલાંગ લગાવીને 13મા નંબર પર છે. ઇંગ્લેન્ડનો લિયામ ડોસન 9 સ્થાન ઉપર ચઢીને 14મા નંબર અને સાઉથ આફ્રિકાના લુંગી એન્ગિડી 6 સ્થાન ઉપર 20મા નંબર પર છે. હાર્દિકે સૌમ અયુબને પાછળ છોડ્યો ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા 328 પોઇન્ટ્સ સાથે ટોચ પર યથાવત છે. જ્યારે હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના સૈમ અયુબને પાછળ છોડી દીધો છે. તે હવે બીજા નંબર પર પહોંચી ગયો છે. હાર્દિકના 284, જ્યારે ત્રીજા નંબર પર રહેલા સૈમના 275 પોઇન્ટ્સ છે. વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડરે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરતા 8 સ્થાનની છલાંગ લગાવી છે. હવે તે 11મા નંબર પર પહોંચી ગયો છે.