પાકિસ્તાને વર્લ્ડકપ હારનો ગુસ્સો વન-ડે ટીમ પર ઉતાર્યો:બાબર અને સૈમ બાંગ્લાદેશ સિરીઝમાંથી બહાર, 6 અનકેપ્ડ ખેલાડીઓને તક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ T20 વર્લ્ડ કપમાં પોતાની ટીમનાં ખરાબ પ્રદર્શનનો ગુસ્સો વન-ડે ટીમ પર ઉતાર્યો. બુધવારે બાંગ્લાદેશ સિરીઝ માટે ટીમની જાહેરાત થઈ. વર્લ્ડ કપમાં ખરાબ રીતે ફ્લોપ રહેલા પૂર્વ કેપ્ટન બાબર આઝમ અને સૈમ અયુબને ટીમમાંથી બહાર કરી દેવાયા. ટીમમાં 6 અનકેપ્ડ ખેલાડીઓ અને વર્લ્ડ કપમાં ટોપ સ્કોરર રહેલા સાહિબઝાદા ફરહાનને સામેલ કર્યો. ફરહાને ઓક્ટોબર 2024 થી કોઈ ડોમેસ્ટિક લિસ્ટ-A મેચ પણ રમી નથી. તેણે અત્યાર સુધી પાકિસ્તાન માટે વન-ડે ડેબ્યૂ પણ કર્યું નથી. શાહીન જ કેપ્ટનશીપ કરશે
ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી જ પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. તેને ગયા વર્ષે જ મોહમ્મદ રિઝવાન પછી કેપ્ટન બનાવ્યો હતો. વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રહેલા વિકેટકીપર રિઝવાન વન-ડે ટીમમાં પોતાની જગ્યા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. T20 કેપ્ટન સલમાન અલી આગા, ઓલરાઉન્ડર ફહીમ અશરફ અને લેગ સ્પિનર અબરાર અહેમદને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. 6 અનકેપ્ડ ખેલાડીઓને તક
વન-ડે સિરીઝમાં ઘણા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. 28 વર્ષીય અબ્દુલ સમદને સ્થાન મળ્યું, જેણે T20 ક્રિકેટમાં ફિનિશર તરીકે ઓળખ બનાવી. 21 વર્ષીય શામિલ હુસૈન અને 20 વર્ષીય માઝ સદાકત પણ સ્ક્વોડનો ભાગ છે. 3 લિસ્ટ-A મેચ રમનારા 21 વર્ષીય શાદ મસૂદ અને ગાઝી ઘોરીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અનુભવને તક
અબરાર ઉપરાંત બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મોહમ્મદ વસીમ જુનિયર અને હારિસ રઉફને સામેલ કર્યા છે. બેટિંગ ઓલરાઉન્ડર હુસૈન તલત સાથે ચાઈનામેન ફૈઝલ અકરમ પણ ટીમનો ભાગ છે, જેણે 2024માં વન-ડે ડેબ્યૂ કર્યું હતું. પોતાના શ્રેષ્ઠ ફોર્મેટમાંથી બહાર થયા બાબર-અયૂબ
સૈમ અયૂબ અને બાબર આઝમ પોતાની કારકિર્દીમાં સૌથી વધુ મજબૂત વન-ડે ફોર્મેટમાં જ જોવા મળ્યા. છેલ્લા 13 મુકાબલામાં અયુબે 3 સદી અને 2 ફિફ્ટી ફટકારી હતી. 2024માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં વન-ડે સિરીઝ જીતમાં અયુબે મહત્વની ભૂમિકા ભજવી હતી. અયુબ વર્લ્ડ કપમાં ભલે ફ્લોપ રહ્યો હોય, પરંતુ તેની સ્પિન બોલિંગે ટીમને મહત્વની વિકેટો અપાવી હતી. બાબર પણ વન-ડેમાં 20 સદી અને 37 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. તેણે અન્ય કોઈ ફોર્મેટમાં 10 સદી પણ ફટકારી નથી. તેના નામે 140 મેચમાં 6501 રન ચોક્કસ છે, પરંતુ 2025થી તે આ ફોર્મેટમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આ ઉપરાંત, ફાસ્ટ બોલર નસીમ શાહ અને લેફ્ટ આર્મ સ્પિનર મોહમ્મદ નવાઝને પણ વન-ડે ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સપ્તાહે સિરીઝ શરૂ થશે
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 3 વન-ડેની સિરીઝ 11 માર્ચથી શરૂ થશે. 13 અને 15 માર્ચે બાકીની 2 મેચ રમાશે. તમામ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં જ રમાશે. પાકિસ્તાનની વન-ડે સ્ક્વોડ
શાહીન શાહ આફ્રિદી (કેપ્ટન), અબ્દુલ સમદ, અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફૈસલ અકરમ, હારિસ રઉફ, હુસૈન તલત, માઝ સદાકત, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જુનિયર, ગાઝી ઘોરી (વિકેટકીપર), સાદ મસૂદ, સાહિબઝાદા ફરહાન, સલમાન અલી આગા, શામિલ હુસૈન.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

