પ્લેઓફની રસાકસી વચ્ચે CSKને ઝટકો!:જેમી ઓવરટન ઈજાના કારણે ઈંગ્લેન્ડ પરત ફર્યો, IPLની બાકીની મેચ રમવી મુશ્કેલ; ઘોષની જગ્યાએ નોરોન્હાને તક મળશે

Last Updated: May 14, 2026By

ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર જેમી ઓવર્ટન જમણી જાંઘની ઈજાને કારણે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. ફ્રેન્ચાઈઝીએ બુધવારે રાત્રે સોશિયલ પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. જોકે, ટીમે સ્પષ્ટ કર્યું નથી કે તે કેટલો સમય બહાર રહેશે, પરંતુ IPL સિઝનમાં બાકીની લીગ મેચોમાં તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. તે આ સિઝનમાં ચેન્નઈના ટોપ વિકેટ ટેકર્સની યાદીમાં બીજા સ્થાને છે. ડેબ્યૂ મેચમાં ઘોષનો પગ ફ્રેક્ચર થયો CSK એ પણ જણાવ્યું કે તેણે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રામકૃષ્ણ ઘોષના સ્થાને કર્ણાટકના ઓલરાઉન્ડર મેકનિલ નોરોન્હાને ટીમમાં સામેલ કર્યો છે. ઘોષને 3 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની ડેબ્યૂ મેચમાં ઈજા થઈ હતી. પગમાં ફ્રેક્ચર થવાને કારણે તેને આખી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. ઘોષે તેની એકમાત્ર મેચમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. નમન એવોર્ડ્સમાં નોરોન્હાને એમએ ચિદમ્બરમ ટ્રોફી મળી મેકનિલ નોરોન્હા હાલમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં રહ્યો છે. તાજેતરમાં BCCIના વાર્ષિક ‘નમન એવોર્ડ્સ’માં તેમને એમએ ચિદમ્બરમ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે 2024-25ની કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેણે મહારાજા ટ્રોફી 2025માં મંગલુરુ ડ્રેગન્સ માટે રમતા 10 ઇનિંગ્સમાં 253 રન બનાવ્યા અને ઓફ-સ્પિનથી 10 વિકેટ પણ લીધી હતી. CSKના અન્ય 3 ખેલાડીઓ પણ ઈજાને કારણે બહાર ઓવર્ટન અને ઘોષ ઉપરાંત, ચેન્નઈના અન્ય 3 ખેલાડીઓ પણ ઈજાને કારણે બહાર થયા છે, જેમાં ખલીલ અહેમદ, આયુષ મ્હાત્રે અને નાથન એલિસ જેવા નામોનો સમાવેશ થાય છે. ધોની-જ્હોન્સન એક પણ મેચ રમ્યા નથી ટીમની સૌથી મોટી ચિંતા પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને લઈને બનેલી છે. ધોની પિંડલીમાં ખેંચાણને કારણે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી. તેના સિવાય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્પેન્સર જોનસન પણ અનફિટ હોવાને કારણે બેન્ચ પર છે. મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ પણ શરૂઆતની ત્રણ મેચ રમી શક્યો ન હતો, જેના કારણે ટીમને શરૂઆતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં 5મા સ્થાને CSK, પ્લે-ઓફની આશા અકબંધ આટલી ઈજાઓ અને સમસ્યાઓ છતાં ચેન્નઈ સુપર કિંગ્સ પ્લે-ઓફની રેસમાં ટકી રહી છે. ટીમ 11 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં 5મા સ્થાને છે. પ્લે-ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ચેન્નઈને તેની બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. ટીમનો આગામી મુકાબલો શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં થશે.

Leave A Comment