રણવીર સિંહે 'ડોન 3'ના મેકર્સને 10 કરોડ પરત કર્યા:સાઇનિંગ અમાઉન્ટ ઉપરાંત ફરહાન અખ્તર સાથે નફામાં મોટી ભાગીદારીની ડીલ કરી

Last Updated: April 22, 2026By

લાંબા વિવાદ બાદ હવે રણવીર સિંહે ‘ડોન 3’ને સત્તાવાર રીતે છોડી દીધી છે. મેકર્સ સાથે વિવાદ વધ્યા બાદ હવે ‘ધુરંધર’ એક્ટર 10 કરોડ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી ચૂક્યો છે. જોવું રહ્યું કે, હવે ફરહાન અખ્તર તેને રિપ્લેસ કરે છે કે ફિલ્મને મુલતવી રાખે છે. રૂપિયા પરત આપવા ઉપરાંત મોટી ડીલ પણ કરી તાજેતરમાં આવેલી ‘ફ્રી પ્રેસ જર્નલ’ની રિપોર્ટ અનુસાર, રણવીર સિંહે સાઇનિંગ અમાઉન્ટ પરત કરવા સાથે પોતાની આગામી ફિલ્મમાં ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટને પ્રોફિટમાં ભાગીદારી આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. પરંતુ પ્રોફિટ પર્સન્ટ શું હશે, તે નક્કી નથી. હાલમાં એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને રણવીર સિંહ તરફથી આ દાવાઓની પુષ્ટિ કરવામાં આવી નથી. રણવીર અને મેકર્સ વચ્ચે વિવાદ કેમ થયો? ફરહાન અખ્તરે ત્રણ વર્ષ પહેલાં રણવીર સિંહ સાથે ફિલ્મ ‘ડોન 3’ શરૂ કરી હતી. પહેલાં કિયારા અડવાણી ફિલ્મનો ભાગ હતી, પરંતુ મેટરનિટી બ્રેકના કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી. પ્રી-પ્રોડક્શનના કારણે ફિલ્મ ટળતી ગઈ અને પછી રણવીર સિંહ ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’માં વ્યસ્ત થઈ ગયો. આ વર્ષની શરૂઆતમાં સમાચાર આવ્યા કે, અયોગ્ય માંગણીઓના કારણે એક્સેલ એન્ટરટેઈનમેન્ટે રણવીર સિંહને ફિલ્મમાંથી કાઢી મૂક્યો છે. આ મામલો ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડ સુધી પણ ગયો હતો. આમિર ખાને પોતે મધ્યસ્થી કરીને મામલો પતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત બની નહીં. બીજી તરફ દાવો કરવામાં આવ્યો કે પ્રોડક્શને નહીં પરંતુ રણવીરે પોતે ફિલ્મ છોડી દીધી છે. તેનું કારણ ક્રિએટિવ ડિફરન્સ જણાવવામાં આવ્યું હતું. જો આ દાવો સાચો નીકળ્યો કે રણવીરે સાઇનિંગ અમાઉન્ટ પાછી આપીને આગામી ફિલ્મમાં નફો આપવાનું આશ્વાસન આપ્યું છે, તો એ પણ સ્પષ્ટ થશે કે ફિલ્મ એક્ટરે જ છોડી છે. શાહરુખ ખાનની ‘ડોન’ ફ્રેન્ચાઇઝીમાં વાપસીની શક્યતા જાન્યુઆરીમાં આવેલા ‘ટેલી ચક્કર’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાન ફરહાન અખ્તરની ફિલ્મમાં વાપસી કરી શકે છે. તેની શાહરૂખ સાથે સતત વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાન ઈચ્છે છે કે ‘ડોન 3’નું ડિરેક્શન સાઉથ ડાયરેક્ટર એટલી કરે. જો આવું થાય તો તે ફિલ્મ સાથે ચોક્કસ જોડાશે. નોંધનીય છે કે, શાહરુખ અને એટલી સુપરહિટ ફિલ્મ ‘જવાન’માં સાથે કામ કરી ચૂક્યા છે.