'રશિયા ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે':દુનિયાના 29 દેશોમાં રક્તપાત, બે અબજથી વધુ લોકો માથે લટકતી તલવાર, UNમાં અમેરિકા અને ઇરાનનો મોરેમોરો

Last Updated: September 22, 2026By

હમણા-હમણા તમે ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે ક્યાંક વાંચ્યું, સાંભળ્યું હશે કે કોઈ વીડિયો જોયો હશે. આવું એટલા માટે કે, 8 દેશ અત્યારે સીધા યુદ્ધ લડી રહ્યા છે. દુનિયામાં 29 જગ્યાઓ પર નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષના છમકલાં ચાલી રહ્યાં છે. તો શું આનાથી એવું માની શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ લોડિંગ સ્ટેજમાં છે? શું દુનિયા તેના માટે તૈયાર છે? આવું ન થાય તેના માટે UN બન્યું એ કેમ મૂકપ્રેક્ષક છે અને તેનું ? UNનું રિલેવન્સ કેટલું છે? આ યુદ્ધોની મારા-તમારા પર શું અસર થઇ રહી છે? ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર… દુનિયાભરના 49 વિસ્તારોમાં અત્યારે કોઈને કોઈ સશસ્ત્ર સંઘર્ષ થયો છે. યુક્રેનથી લઈને પશ્ચિમ એશિયાનો અરબ પટ્ટો અને સુદાનથી લઈને દક્ષિણ ચીન સુધી આગ લાગેલી છે. આંકડાઓથી વાત કરીએ તો હાલ અમેરિકામાં 4, એશિયા કે પેસિફિક વિસ્તારોમાં 6, આફ્રિકામાં 10, અરબ પટ્ટામાં 7, યુરોપમાં 2 વિસ્તારોમાં સંઘર્ષો ચાલી રહ્યા છે. આવી હાલત અત્યારે એટલા માટે છે કારણ કે નિયમો બનાવનાર જ નિયમોનો કચ્ચરઘાણ વાળી રહી છે. ઉદાહરણ તરીકે સમજવું હોય તો અમુક આંકડા જુઓ… બે અબજ લોકો પર અસર થઇ. ઇકોનોમિને વર્ષે 17 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું. 3 ટ્રિલિયન ડોલરનાં તો હથિયારો ખરીદાયા. જે બધું કરવામાં એક મિનિટે 46 કરોડ ખર્ચાય છે. એટલે કે, પ્રત્યેક વ્યક્તિના 29 હજાર રૂપિયા. “યુનાઈટેડ નેશન્સને લકવો લાગી ગયો છે” પણ આ બધુ ન થાય, કોઈ બીજા દેશનો હિસ્સો કે જમીન પડાવી ન જાય એટલે યુએન બન્યું હતું. પણ ત્યાં વીટો પાવરનો એટલો ભયાનક લેવલે દુરુપયોગ થઈ રહ્યો છે કે ખુદ યુએનના ચીફે માનવું પડ્યું કે યુએનની સંસ્થાને લકવો લાગી ગયો છે. પણ એ સમયે સવાલ થાય કે તો યુએન બન્યું શેના માટે હતું અને અત્યારે શું થયું છે કે લકવો લાગવાની વાત ખુદ ચીફ કહી રહ્યા છે? UN બનાવવાનું મેઈન કારણ શું હતું? તો જવાબ છે… 1945માં દુનિયા પાસે એક ભયાનક અનુભવ હતો. જે હતો બે વિશ્વ યુદ્ધ અને કરોડો લોકોના મોતનો. દુનિયામાં આવું ફરી ન થાય તેના માટે જ એક ઓર્ગેનાઈઝેશન બન્યું જેનું નામ હતું યુનાઈટેડ નેશન્સ. ઓર્ગેનાઈઝેશન બનાવવા પાછળ આઈડિયા એવો હતો કે દેશો વચ્ચેનો ડખો જમીન પર નહીં પણ ટેબલ પર લાવવો. એ પણ કેવી રીતે? અમુક ઈન્ટરનેશનલ નિયમોને માનીને. આ જ નિયમો પાવરફુલ દેશો નથી માની રહ્યા તેના કારણે પાવર પોલિટિક્સના ચક્કરમાં યુએન પોલિયોગ્રસ્ત થઈ રહ્યું છે. ઈરાન અને અમેરિકા એક છત નીચે ઊભા થયા આમ તો આજની તારીખ બહુ મહત્વની છે કારણ કે આપણે જાણીએ છીએ કે ન્યૂયોર્કની યુએન જનરલ એસેમ્બ્લીમાં દેશો અને તેના નેતાઓનો મેળાવડો જામ્યો છે. છેલ્લા સાતેક મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. જૂન મહિનામાં તો અમેરિકાએ ઈરાનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઉપર બોમ્બમારો કર્યો હતો.. છતાં આજે એ જ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન એક જ છત નીચે ઊભા છે. આજે પણ UN સૌથી મજબૂત પ્લેટફોર્મ એ વાતની મનાહી નથી કે યુનાઈટેડ નેશન્સનો પાવર ઘટ્યો છે પણ જ્યારે બે દેશો વચ્ચે ડખો ચાલુ હોય છતાં તે એક જ બિલ્ડિંગમાં આસપાસના ટેબલમાં દેખાય તો એ સાબિત કરે છે કે ગમે એટલા બોમ્બ પડે પણ વાતચીત માટે તો હજુ પણ યુએન જ સૌથી મોટું પ્લેટફોર્મ છે. દુનિયાની સિસ્ટમમાંથી આને પૂરી રીતે બાયપાસ કરી શકાય એમ જ નથી. UN આજે પણ યુનિવર્સલ ડિપ્લોમેટિક પ્લેટફોર્મ છે. જ્યાં માનવીય મદદ, શાંતિનો સંદેશ, ઈન્ટરનેશનલ કાયદા અને રાજદ્વારી જેવા વિષયોનું મહત્વ છે. પણ તેની સામે બાજુ ટ્રમ્પ ઈરાનને ધમકાવી રહ્યા છે તો પઝેશ્કિયાન છાતી ઠોકીને કહી રહ્યા છે કે, દુનિયાના ડખાથી આપણે શું લેવાદેવા? આ વર્લ્ડ જીઓપિલિટિક્સ સાંભળવામાં કદાચ જોજનો દૂરની લાગે પણ, તેની જ્વાળાની ગરમી આપણા રસોડા અને ખિસ્સા સુધી સીધી રીતે જોડાયેલી છે. જ્યારે રેડ સીમાં વિદ્રોહીઓ જહાજો પર હુમલા કરે છે, ત્યારે ભારતનો યુરોપ સાથેનો વેપાર મોંઘો થતાય છે. ક્રિટિકલ મટિરિયલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેન ખોરવાય છે. જેના લીધે ગુજરાત કે ભારતના વેપારીનું નૂર ભાડું રાતોરાત આસમાને પહોંચી જાય છે. દુનિયા 2026ની, સિક્યોરિટી 1945ની જૂની સિસ્ટમ ફેલ ગઈ છે અને દુનિયા અલગ કટોકટીના યુગમાં પહોંચી ગઈ છે. એક યુદ્ધ પૂરું થાય તે પહેલા બીજો મોરચો ખૂલી જાય છે. હવે મોટો સવાલ એ છે કે જો 1945ની જૂની બૂક ફાટી ગઈ હોય તો દુનિયાની નવી રૂલબૂક લખશે કોણ? તો ચાલો તેના પર વિચાર કરીએ. આ સંઘર્ષોમાં ભારત-પાકિસ્તાન, ઈરાન-ઈઝરાયલ અને રશિયા યુક્રેન જેવા મોટા સંઘર્ષો સામેલ હતા. વર્ષ 2025-26ની વાત કરીએ તો યુદ્ધમાં મોતનો આંકડો 2 લાખ 38 હજારને પાર કરી ગયો હતો. અને સૌથી ભયાનક આંકડો હતો 11.7 કરોડ, આટલા લોકો પોતાના ઘરમાંથી કે દેશમાંથી બેઘર થયા હતા. રશિયાએ યુક્રેનમાં ધડાબડીમાં ચાર ગણો વધારો કર્યો આ આપણને કહી જાય છે કે યુદ્ધ માત્ર સરહદો પૂરતું સિમિત નથી હોતું. આજે મિસાઈલ્સ કરતા સાયબર એટેક, યુએવી એટેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી યુદ્ધ લડાઈ રહ્યા છે. ડેટા કહે છે કે યુરોપમાં 2024થી 2026 વચ્ચે રશિયાએ સબવર્ઝન અને તોડફોડના ઓપરેશનમાં ચારગણો વધારો કર્યો હતો. યુદ્ધથી દુનિયાના અર્થતંત્ર પર શું અસર પડે? હવે આપણે આ ડખાથી અર્થતંત્રને શું અસર પડે છે તેની વાત કરી લઈએ. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનાર સમયમાં સૌથી મોટી બે સમસ્યાઓ રહેશે તે હશે જીઓઈકોનોમિક સંઘર્ષ અને સપ્લાય ચેન તૂટવું. ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ અને બાબ અલ મંદેબ સ્ટ્રેટ ઠપ્પ પડતા દુનિયાની સપ્લાય ચેનને ભારે નુકસાન પહોંચ્યું છે. રશિયા-યુક્રેન સમયે ગેસની સપ્લાયમાં ભારે નુકસાન પહોંચ્યું હતું એ પણ આપણે બધાને ખબર જ છે. આ બધુ થવાના કારણે ઈકોનોમિક સેન્કશન્સને હવે એક ખતરનાક હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે. દેશો હવે અમેરિકી ડોલર પર ભરોસો ઘટાડી રહ્યા છે અને બ્રિક્સ જેવી નવી વ્યવસ્થા પર ભાર મૂકી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે જે ડખાઓ રોકવા યુએન બનાવાયું હતું તે અત્યારે ક્યાંય નજરે નથી પડી રહ્યું. આ પાંચ દેશોની તાકાતના કારણે UN નબળું પડ્યું યુનાઈટેડ નેશન્સમાં પાંચ દેશો છે જેની પાસે કોઈ પણ મામલે વાંધો ઉઠાવવાનો વીટો પાવર છે. તે જ વીટો પાવરનો દુરુપયોગ અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ ભરપૂર રીતે કરી રહ્યા છે. આ બધુ થવાના કારણે યુદ્ધમાં ભોગ બનેલા લોકોને માનવી સહાય નથી મળી રહી. યુદ્ધ વિરામના ઠરાવો પણ વીટોના જ કારણે યુએનમાં અટકી ગયા છે. આ મામલે ખુદ યુએન સેક્રેટરી જનરલે કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ કાયદાઓ તોડનારા શક્તિશાળી દેશોએ સુરક્ષા પરિષદને નિષ્ક્રિય કરી દીધી છે. પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો યુએન ફેલ ગયું છે તો આવતીકાલની દુનિયાના નિયમો કોણ નક્કી કરશે? તો એ સમજવા માટે જીઓપોલિટિક્સને ત્રણ જનરેશનમાં સમજો. વર્લ્ડ ઓર્ડર 1.0 જનરેશન સૌથી પહેલી જનરેશન હતી 1945થી 1991વાળી વર્લ્ડ ઓર્ડર એકની. આ સમયે અમેરિકા અને સોવિયેત યુનિયન સામસામે હતા અને દુનિયાના એકમાત્ર પાવર સેન્ટર્સ હતા. UN અને ત્યાર બાદના ઓર્ગેનાઈઝેશન આ જ સમયગાળામાં ઉભા થયા હતા. ટૂંકમાં આજે જે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂશન્સ છે તે બન્યા હતા ત્યારનો માહોલ અને આજનો સિનારિયો બંનેમાં જમીન આસમાનનો ફેર છે. વર્લ્ડ ઓર્ડર 2.0 જનરેશન બીજો વર્લ્ડ ઓર્ડર આવ્યો 1991થી 2010ની વચ્ચે. જ્યાં અમેરિકા એકલું હાઈપરપાવર દેશ હતો. કારણ કે 1991માં સોવિયત યુનિયન નબળું પડ્યું પછી દુનિયાનું પાવર બેલેન્સ અમેરિકા પાસે ગયું. આ સમયગાળામાં અમેરિકા પાસે ઈકોનોમિક, મિલિટરી અને ટેક્નોલોજીના મામલામાં વધુ પાવર રહ્યો. આ એ જ સમયગાળો છે જ્યારે દુનિયા યુનિપોલર છેનો મેસેજ પીક પર હતો. પણ સમય પોતાનું કામ કરે છે, ચીનનો ઉદય અને ભારતની ઉભરતી ભૂમિકાએ પોતાની અસરો દેખાડી. વર્લ્ડ ઓર્ડર 2.0 જનરેશન પણ હવે આપણે વર્લ્ડ ઓર્ડર 3 બાજુ આગળ વધી રહ્યા છીએ. આ સમય યુનિપોલર એટલે કે કોઈ એક દેશ કહે એમ થાય એવો નહીં પણ મલ્ટિપોલર એટલે કે જ્યાં બધાની મરજી ચાલે એવો થાય છે. પૂરા ઈક્વેશન્સ બદલાઈ રહ્યા છે. પાવર કોઈ એક મહાસત્તા પાસે નહીં પણ અલગ અલગ પાવર સેન્ટર્સ પાસે વહેંચાઈ ગઈ છે. જેમ કે ઉદાહરણ તરીકે ચીન, અમેરિકા, રશિયા, યુરોપ, ભારત અને ગ્લોબલ સાઉથ. હવે દુનિયા મલ્ટીપોલર બની રહી નથી પણ બની ગઈ છે એવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. નિયમો માનનાર નહીં, બનાવનાર અને અહીં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનું કામ કરી રહ્યું હોય તો તે છે બ્રિક્સ ઓર્ગેનાઈઝેશન. જો યુએન જૂની દુનિયાનું સિમ્બોલ છે તો બ્રિક્સ ઉભરતા ગ્લોબલ સાઉથનો અવાજ છે. સપ્ટેમ્બર 2026માં નવી દિલ્હીમાં યોજાએલી 18મી બ્રિક્સ સમિટ તેનો જીવતો જાગતો પૂરાવો છે. વિકાસશીલ દેશો પશ્ચિમી દેશોના બનાવેલા નિયમો માનવા તૈયાર નથી. મોદીની ભાષામાં કહીએ તો તેમણે બ્રિક્સમાં કહ્યું હતું કે, અને આ જ બદલાતી દુનિયામાં ભારતને ઈગ્નોર કરીને કે દબાવીને નવા ગ્લોબર ઓર્ડરની રચના થઈ શકે? મોદીએ બ્રિક્સમાં કહ્યું હતું કે ગ્લોબલ સાઉથ આજના સમયમાં વૈશ્વિક સંકટોની પહેલી લાઈનમાં છે પણ વાત નિર્ણયો લેવાની આવે ત્યારે સૌથી પાછલી લાઈનમાં છે. ટૂંકમાં મોદીની એ વાત એક વોર્નિંગ હતી કે ભારત અને વિકાશીલ દેશોને દબાવીને કે સાઈડલાઈન કરીને હવે દુનિયા આગળ નહીં વધી શકે. દુનિયાએ ભારતને વૈશ્વિક શક્તિઓમાં જોડવું જ પડશે. વર્લ્ડ ઓર્ડરનો પર્ફેક્ટ કેન્ડિડેટ ભારત? ભારત આજના સમયમાં જી સેવન, જી ટ્વેન્ટી, ક્વાડ અને બ્રિક્સ બધી જ સભાઓમાં ભાગીદાર કે મહેમાન બેસી શકે છે. આ જ ભારતની વિદેશ નીતિ આપણને આવનાર દુનિયાનો કે વર્લ્ડ ઓર્ડરનો આર્કિટેક્ટ બનવા પર્ફેક્ટ કેન્ડિડેટ છે. અમેરિકા, રશિયા, યુરોપ અને ગલ્ફ દેશો પણ સમજે છે કે નવી ધરીમાં જો કોઈને આર્કિટેક્ટ બનાવવું હોય તો ભારતને પ્રાઈમ સીટ આપવી જ પડશે. પણ ફરીવાર એ સવાલ પાછો ઉઠે છે કે શું આ વર્લ્ડ વોર 3 લોડિંગ થઈ રહ્યું છે? તો જવાબ છે કંઈ કહેવું વહેલું કહેવાશે. કારણ કે દુનિયા મોટા ધડાકાથી પસાર થઈ રહી છે અને બદલાઈ પણ રહી છે. અને છેલ્લે… અત્યાર સુધી વાત કરી તે એકદેશથી બીજા દેશની લડાઈની વાત હતી. પણ પાકિસ્તાનથી સમાચાર આવ્યા છે કે ત્યાંના મંત્રીને ધોલા દિવસે નકાબપોશ લોકોએ બંદૂકની અણિએ કિડનેપ કરીને ભાગી ગયા. ટૂંકમાં દુનિયામાં દેશ બહાર ડખા ચાલે છે અને અહીં અંદરો અંદર જ ખેલ થઈ રહ્યો છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment