શિકાગો નજીક માર્ગ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થિનીનું મોત:મિનિવાન ખાઈમાં પડી, 6 ઘાયલ; કેરીના ડબ્બા પર 5 લોકો સીટ બેલ્ટ વિના બેઠા હતા
અમેરિકાના શિકાગો નજીક માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની નવ્યા ગડુસુનું મૃત્યુ થયું. અકસ્માતમાં અન્ય 6 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે ઇન્ડિયાના રાજ્યના લેક કાઉન્ટીમાં ઇન્ટરસ્ટેટ-65 હાઇવે પર થયો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવ્યા ગડુસુને રાત્રે 12:16 વાગ્યે મૃત જાહેર કરવામાં આવી. લેક કાઉન્ટી કોરોનર ઓફિસે જણાવ્યું કે તેમનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં લાગેલી ગંભીર ઇજાઓને કારણે થયું હતું. શિકાગો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પીડિત પરિવારના સંપર્કમાં છે. દૂતાવાસે X પર લખ્યું, “અમે ભારતીય વિદ્યાર્થિની નવ્યા ગડુસુના માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુથી અત્યંત દુઃખી છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે.” ઇન્ડિયાના સ્ટેટ પોલીસ અનુસાર, અકસ્માત શનિવારે રાત્રે લગભગ 11:15 વાગ્યે થયો. સાત લોકોને લઈને જઈ રહેલી લાલ રંગની મિનીવાન એક ખરાબ વાહનની પાછળ 10-15 માઇલ પ્રતિ કલાકની ધીમી ગતિએ ચાલી રહી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી બીજી કારના ડ્રાઈવરને મિનિવાનની ધીમી ગતિનો અંદાજ ન આવ્યો. તેણે બચવા માટે કાર વાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર મિનિવાનના ડાબા ભાગ સાથે અથડાઈ. ટક્કર બાદ મિનિવાન રસ્તા પરથી ઉતરીને ખાઈમાં ખાબકી. પોલીસે જણાવ્યું કે મિનિવાનમાં ફક્ત આગળની બે સીટો હતી. બાકીના પાંચ લોકો કેરીના ડબ્બા પર સીટ બેલ્ટ વગર બેઠા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

