સબાલેન્કા ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં:ઓસાકાને 1 કલાક 27 મિનિટમાં હરાવી; 3 વર્ષ પછી મહિલાઓની નાઇટ મેચ યોજાઈ

Last Updated: June 2, 2026By

વર્લ્ડ નંબર-1 આર્યના સબાલેન્કાએ ફ્રેન્ચ ઓપન (રોલાં ગેરો)ના ચોથા રાઉન્ડમાં નાઓમી ઓસાકાને સીધા સેટમાં હરાવી દીધી. પેરિસમાં ટોપ સીડ સબાલેન્કાએ જાપાનની ઓસાકાને 1 કલાક 27 મિનિટ ચાલેલી મેચમાં 7-5, 6-3થી હરાવી. આ જીત સાથે સબાલેન્કાએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. તે ટાઇટલની મજબૂત દાવેદાર બની ગઈ. છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર ફ્રેન્ચ ઓપનમાં કોઈ વુમન્સ મેચ રમાઈ. તેને જોવા મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા. સબાલેન્કા સીધા સેટમાં જીતી, ઓસાકા બહાર પહેલા સેટમાં ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ સબાલેન્કાની સર્વિસનો સારો જવાબ આપ્યો. બંને 5-5ની બરાબરી પર હતી, પરંતુ સબાલેન્કાએ ઓસાકાની સર્વિસ બ્રેક કરીને પહેલો સેટ 7-5થી જીતી લીધો. પહેલા સેટની માનસિક લીડનો ફાયદો સબાલેન્કાને બીજા સેટમાં મળ્યો. તેણે શરૂઆતથી જ ઓસાકા પર દબાણ જાળવી રાખ્યું. ઓસાકાએ કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેલારુસની સબાલેન્કાએ દમદાર ગ્રાઉન્ડ સ્ટ્રોક્સના જોરે બીજો સેટ 6-3થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી. સબાલેન્કા બોલી- આ સાચો નિર્ણય હતો, મહિલાઓને વધુ તકો મળે કોર્ટ ઇન્ટરવ્યૂમાં આર્યના સબાલેન્કાએ નાઇટ સેશનમાં મહિલાઓની મેચ રાખવાના નિર્ણયની પ્રશંસા કરી. તેણે કહ્યું- ‘મને લાગે છે કે તેમણે આજે અમારી મેચને નાઇટ સેશનમાં રાખી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું.’ તેણે કહ્યું- ‘આ બિલકુલ સાચો નિર્ણય હતો. આ મેચ જોવા આવેલા ચાહકોના ઉત્સાહ અને તેને મળેલા ધ્યાનથી આયોજકોને સમજાશે કે ભવિષ્યમાં તેણે મહિલાઓની મેચને રાત્રે કરાવવા પર વિચાર કરવો જોઈએ.’ ઓસાકાએ પણ સપોર્ટ કર્યો, ચાહકોના પ્રતિભાવથી ખુશ દેખાઈ હાર છતાં જાપાની સ્ટાર નાઓમી ઓસાકાએ પણ કહ્યું કે મહિલા ટેનિસને પ્રાઇમ ટાઇમ એટલે કે નાઇટ સેશનમાં વધુ જગ્યા મળવી જોઈએ. ટેનિસમાં સામાન્ય રીતે ગ્રાન્ડ સ્લેમના નાઇટ સેશન્સમાં મેન્સની મેચને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તે લાંબી ચાલે છે અને તેમની વ્યુઅરશિપ વધુ માનવામાં આવે છે. સબાલેન્કા અને ઓસાકાએ આયોજકોને માગ કરી કે ભવિષ્યમાં મહિલાઓની વધુ મેચને નાઇટ સેશનમાં જગ્યા મળવી જોઈએ.

Leave A Comment