સોશિયલ મીડિયા પર 'પનોતી'ની અફવા વચ્ચે ફેન્સનો લીંબુ-મરચાંનો તોડ:નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કોઈએ આરતી કરીને ઘંટડી વગાડી તો કોઈએ નજર ઉતારી, કહ્યું- 'આજે ઇન્ડિયા જ જીતશે'
અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ અને રીલ્સ વાઇરલ થઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા કેટલાક લોકો સ્ટેડિયમને ‘પનોતી’ કહી રહ્યા છે, જેના કારણે ચાહકોમાં થોડીક ચિંતા પણ જોવા મળી રહી છે. આ વચ્ચે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પોતાના અંદાજમાં સ્ટેડિયમની નજર ઉતારતા વીડિયો બનાવી રહ્યા છે. કોઈ લીંબુ-મરચાંથી નજર ઉતારી રહ્યાં છે તો કોઈ આરતી કરીને ઘંટડી વગાડીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આ પણ વાંચો: T20 ફાઈનલ મેચ, અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીનો જમાવડો: જયા કિશોરી, ધોની સહિતના સ્ટાર્સનું આગમન તુલિપ નામના એક ક્રિકેટ ચાહકે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લીંબુ-મરચાંથી નજર ઉતારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ સોશિયલ મીડિયા પર હિસ્ટ્રી રીપીટ, હિસ્ટ્રી ડિફીટ જેવી ટેગલાઇન ચાલી રહી છે. ભારત ફાઈનલમાં પહોંચીને હિસ્ટ્રી રીપીટ કરી રહ્યું છે અને જીત્યા પછી હિસ્ટ્રી ડિફીટ પણ કરશે તેવી આશા છે. ‘બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે’
મેચ વિશે પોતાની આગાહી આપતા તુલિપે કહ્યું કે, આ વખતે બેટિંગમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ફિન એલનથી થોડો ડર છે કારણ કે તેણે પહેલા 33 બોલમાં સદી ફટકારી હતી. સાથે જ સેન્ટનર, સાઈફર્ટ અને ડેરીલ મિચેલ પણ સારા ખેલાડી છે, પરંતુ આશા છે કે તેઓ ભારત સામે ખાસ પ્રદર્શન નહીં કરે. ‘સ્ટેડિયમની લીંબુ-મરચાંથી નજર ઉતારી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ’
તુલિપે જણાવ્યું કે, તેઓ બાય પ્રોફેશન નોકરી કરે છે અને ક્રિકેટનો તેમને ખૂબ જ ક્રેઝ છે. તેમના ફેવરિટ ખેલાડીઓમાં પહેલા રાહુલ દ્રવિડ, પછી વિરાટ કોહલી અને હાલ હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહ છે. IPLમાં તેમની ફેવરિટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. તેઓ સ્ટેડિયમ પનોતી છે એવી વાતમાં માનતા નથી, પરંતુ સોશિયલ મીડિયાના કારણે લોકોના મનમાં ડર ઉભો થયો છે. મારો અને લોકોનો આ નાનકડો ડર દૂર કરવા માટે જ મેં સ્ટેડિયમની લીંબુ-મરચાંથી નજર ઉતારી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

