WhatsApp, Telegram Sim Binding Deadline Extended to 2026 by Govt | Gujarat News
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓ માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે ‘સિમ બાઈન્ડિંગ’ (Sim Binding) અથવા ‘સિમ બંધન’ પ્રક્રિયાના અમલીકરણ માટેની છેલ્લી તારીખ વધારીને હવે વર્ષ 2026ના અંત સુધી કરી દીધી છે. આ નિર્ણયથી ટેક કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવા માટે પૂરતો સમય મળશે.
શું છે ‘સિમ બાઈન્ડિંગ’ અને તેનો હેતુ?
સિમ બાઈન્ડિંગ એક એવી સુરક્ષા પ્રણાલી છે જેમાં કોઈ પણ મેસેજિંગ એપ્લિકેશન માત્ર તે જ ઉપકરણ (Device) પર ચાલશે જેમાં તે નંબરનું સિમ કાર્ડ ભૌતિક રીતે હાજર હોય. જો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લો અથવા તેને નિષ્ક્રિય કરો, તો એપ્લિકેશન આપમેળે લોગ-આઉટ થઈ જશે.
સાયબર ગુનાઓ પર લગામ લગાવી શકાશે
સરકારનો મુખ્ય ઉદેશ્ય વધતા જતા સાયબર ક્રાઈમ અને છેતરપિંડીને રોકવાનો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં ગુનેગારો ઓટીપી મેળવ્યા પછી સિમ કાર્ડ વગર પણ લાંબા સમય સુધી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરે છે. સિમ બાઈન્ડિંગથી આવા સાયબર ગુનાઓ પર લગામ લગાવી શકાશે.
શા માટે સમયમર્યાદા લંબાવવી પડી?
ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે આ નિયમો જાહેર થયા ત્યારે કંપનીઓને માત્ર 90 દિવસનો સમય અપાયો હતો. જોકે, ગૂગલ, મેટા (વોટ્સએપ) અને એપલ જેવી દિગ્ગજ કંપનીઓએ ટેકનિકલ પડકારો રજૂ કર્યા હતા. એપલે ખાસ કરીને તેના iOS ઇકોસિસ્ટમની મર્યાદાઓ જણાવી હતી કે આ નિયમ લાગુ કરવો હાલ તુરંત મુશ્કેલ છે. આ ટેકનિકલ અવરોધો અને હિસ્સેદારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે ૩૦ માર્ચથી તમામ પ્લેટફોર્મ્સને જાણ કરી છે કે હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 2026ના અંત સુધીનો સમય આપવામાં આવે છે.
વપરાશકર્તાઓ પર તેની અસર
સામાન્ય વપરાશકર્તાઓ માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે તેમને હાલમાં તેમની એપ્લિકેશન વાપરવાની પદ્ધતિમાં કોઈ તાત્કાલિક ફેરફાર કરવો પડશે નહીં. જોકે, ભવિષ્યમાં જ્યારે આ નિયમ સંપૂર્ણપણે અમલમાં આવશે, ત્યારે સુરક્ષા વધુ મજબૂત બનશે અને વિદેશમાં બેસીને ભારતીય નંબરો દ્વારા થતી છેતરપિંડી અટકશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

