Apple iPhone Duo Sold Out in Minutes: Pre-Orders Delayed to Jan 2027 | Gujarati News

Last Updated: October 18, 2026By

ટેક્નોલોજી દિગ્ગજ એપલ (Apple) દ્વારા તેના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘iPhone Duo’ ને માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે, જેને લઈને ગ્રાહકોમાં અદ્ભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે ફોનનું પ્રી-બુકિંગ શરૂ થવાની સાથે જ તેનો પ્રારંભિક સ્ટોક ગણતરીની મિનિટોમાં વેચાઈ ગયો હતો. ગ્રાહકોની ભારે પડાપડીના કારણે અનેક દેશોમાં ફોનની ડિલિવરી તારીખો પાછળ ધકેલાઈ ગઈ છે, અને યુએસ તથા ચીન જેવા મુખ્ય બજારોમાં ગ્રાહકોએ હવે ડિલિવરી માટે જાન્યુઆરી 2027 સુધી રાહ જોવી પડી શકે છે.

મર્યાદિત પુરવઠો વિલંબનું કારણ

જોકે, એપલ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે પ્રી-બુકિંગના પહેલા તબક્કામાં કંપનીએ કુલ કેટલા યુનિટ વેચાણ માટે મૂક્યા હતા. નિષ્ણાતોના મતે, ફોલ્ડેબલ ફોનની જટિલ ઉત્પાદન પ્રક્રિયા અને મર્યાદિત પુરવઠો આ વિલંબનું કારણ હોઈ શકે છે, અથવા તો નવીન ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ પ્રત્યે ગ્રાહકોનો અતિશય ઉત્સાહ પણ આનું મુખ્ય કારણ હોઈ શકે છે.

આઇફોનની કિંમત

ભારતીય બજારની વાત કરીએ તો, એપલે આ પ્રીમિયમ સેગમેન્ટના ફોનની કિંમત ખૂબ જ ઊંચી રાખી છે. ભારતમાં iPhone Duo ના 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલની પ્રારંભિક કિંમત ₹૨,૯૯,૯00 રાખવામાં આવી છે, જ્યારે 2TB વાળા ટોપ મોડેલ માટે ગ્રાહકોએ ₹૪,૪૯,૯00 ચૂકવવા પડશે. આ ફોન ‘સ્ટાર વ્હાઇટ’ અને ‘નાઇટ સ્કાય’ જેવા આકર્ષક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે અને ભારતમાં તેનું અધિકૃત વેચાણ આગામી ૨૩ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે.

 આઈફોનમાં આપ્યા છે અત્યાધુનિક ફીચર્સ

આ નવા ફોલ્ડેબલ આઈફોનમાં અત્યાધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. iPhone Duo પુસ્તકની જેમ ખૂલતી ફોલ્ડેબલ ડિઝાઇન ધરાવે છે, જેમાં બહારની બાજુ ૫.૪ ઇંચની સ્ક્રીન અને ખોલ્યા પછી ૭.૬ ઇંચની શાનદાર સુપર રેટિના XDR ડિસ્પ્લે મળે છે. પર્ફોર્મન્સ માટે તેમાં શક્તિશાળી A20 Pro ચિપસેટ અને લેટેસ્ટ iOS 27 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં ડ્યુઅલ ૪૮-મેગાપિક્સલ કેમેરા સેટઅપ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ ફોનમાં કોઈ ભૌતિક સિમ ટ્રે નથી, તે સંપૂર્ણપણે માત્ર eSIM ને જ સપોર્ટ કરે છે. જેથી ખરીદી કરતા પહેલા યુઝર્સે પોતાના ઓપરેટરની સેવાઓ ચકાસી લેવી જરૂરી બનશે.

આ પણ વાંચોઃ Water Adventure: સમુદ્રની અંદરની રંગીન દુનિયા માણવી છે? આ રહ્યા ભારતનાં 6 બેસ્ટ ડાઇવિંગ ડેસ્ટિનેશન્સ

Leave A Comment