Abhishek Sharma, IND Vs NZ T20 World Cup Final Narendra Modi Stadium Ahmedabad Suryakumar Yadav Hardik Pandya
- Gujarati News
- Sports
- Cricket
- Abhishek Sharma, IND Vs NZ T20 World Cup Final Narendra Modi Stadium Ahmedabad Suryakumar Yadav Hardik Pandya | Mitchell Santner Finn Allen
સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપની ફાઈનલ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 6:30 વાગ્યે થશે. બંને ટીમ પ્રથમ વખત ફાઈનલમાં સામસામે ટકરાશે.
બે વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની આ બીજી ફાઈનલ હશે. કિવી ટીમને હજુ પણ તેમની પહેલી ટ્રોફીની રાહ છે. 2021માં ઓસ્ટ્રેલિયા સામેના ખિતાબી મુકાબલામાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી ભારત
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનું પલડું ન્યૂઝીલેન્ડ પર ભારે રહ્યું છે, પરંતુ T20 વર્લ્ડ કપમાં ચિત્ર બિલકુલ અલગ છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાય છે અને ત્રણેયમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. આ મેચો 2007, 2016 અને 2021માં રમાઈ હતી.
ભારતે ન્યૂઝીલેન્ડ સામે 53% મેચો જીતી
T20 ઇન્ટરનેશનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે. જેમાંથી 16 મેચ ભારતે જીતી છે, જ્યારે 11માં ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. જ્યારે 3 મેચ ટાઈ રહી છે. આ ટાઈ થયેલી મેચોમાંથી 2 ભારતે સુપર ઓવરમાં જીતી હતી, જ્યારે એક મેચમાં વરસાદને કારણે સુપર ઓવર થઈ શકી નહોતી. ઘરઆંગણે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 16માંથી 11 મેચ જીતી છે.
T20 વર્લ્ડ કપ પહેલા જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી હતી, જ્યાં બંને ટીમ વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ભારતે 4-1થી જીત મેળવી હતી. આ પાંચ મેચની સિરીઝમાં 6 વખત 200થી વધુનો સ્કોર બન્યો હતો. તેમજ છેલ્લી મેચમાં ભારતે 271 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ફાઈનલમાં ભારત પાસે 3 મોટા રેકોર્ડ બનાવવાની તક
ત્રીજો ખિતાબ: ભારત જો ટ્રોફી જીતશે તો ત્રણ વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બનશે.
ટાઇટલ ડિફેન્ડ: ભારત સતત બીજી વખત ટ્રોફી જીતીને ખિતાબ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બનશે.
હોસ્ટ કન્ટ્રી રેકોર્ડ: ભારત પોતાના જ દેશમાં T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની શકે છે.
ઈશાન કિશન ભારતનો ટૉપ સ્કોરર
આ વર્લ્ડ કપમાં ઈશાન કિશન ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 8 મેચમાં 263 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 77 રહ્યો છે. ઈશાને આ દરમિયાન બે અડધી સદી ફટકારી છે. બીજા ક્રમે કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, જેણે આટલી જ મેચમાં 242 રન બનાવ્યા છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે 8 મેચમાં 13 વિકેટ ઝડપી છે.

ફિન એલને સેમિફાઈનલમાં સદી ફટકારી
ન્યૂઝીલેન્ડ માટે ફિન એલન આ વર્લ્ડ કપમાં બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો છે. તેણે 8 મેચમાં 289 રન બનાવ્યા છે અને તે ટીમનો ટૉપ સ્કોરર છે. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 100 રન રહ્યો છે, જે તેણે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે બનાવ્યો હતો. રચિન રવીન્દ્ર ટીમનો ટૉપ બોલર છે, તેણે 8 મેચમાં 11 વિકેટ લીધી છે.

પીચ રિપોર્ટ: બેટિંગ ફ્રેન્ડલી પીચ પર રમાશે મેચ
- ફાઈનલ મેચ બેટિંગ માટે અનુકૂળ પીચ પર રમાશે. અહેવાલ મુજબ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફ્રેશ પીચનો ઉપયોગ કરવામાં આવશે, જ્યાં ટુર્નામેન્ટની શરૂઆતમાં એક મેચ રમાઈ હતી. કાળી અને લાલ માટીના મિશ્રણથી આ પીચ બનાવવામાં આવી છે. અહીં બોલ બહુ ઓછો ટર્ન થશે, પરંતુ પેસ અને બાઉન્સ ચોક્કસ મળશે, જેનો ફાયદો બેટર્સને થશે.
- અહીં રમાયેલી 14 T20 ઇન્ટરનેશનલ મેચમાં 8 વખત પ્રથમ બેટિંગ કરનાર અને 5 વખત ચેઝ કરનાર ટીમ જીતી છે.
- આ મેદાનનો બેસ્ટ સ્કોર 234 રન છે, જે ભારતે 2023માં ન્યૂઝીલેન્ડ સામે જ બનાવ્યો હતો.
- ભારતે અમદાવાદમાં 10 મેચ રમી છે, જેમાંથી 7 જીતી છે અને 3 હારી છે. ન્યૂઝીલેન્ડ અહીં રમાયેલી બંને મેચ હારી ગયું છે.
અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત
રવિવારે અમદાવાદમાં ઘણી ગરમી રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. દિવસનું મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, જ્યારે રાત્રે તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
ફાઈનલ માટે રિઝર્વ ડે
ICCએ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો કોઈ કારણસર 8 માર્ચે મેચ પૂર્ણ ન થઈ શકે, તો 9 માર્ચ (સોમવાર)ના રોજ રમાશે. જો રિઝર્વ ડે પર પણ રમત શક્ય ન બને, તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઈંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ (NZ): મિચેસ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, કોલ મેકોન્ચી, મેટ હેનરી, જિમી નીશમ અને લોકી ફર્ગ્યુસન.
મેચ ઓફિશિયલ્સ
ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ ઓન-ફિલ્ડ અમ્પાયર હશે. સાઉથ આફ્રિકાના અલ્લાહુદ્દીન પાલેકર થર્ડ અમ્પાયર રહેશે, જ્યારે એડ્રિયન હોલ્સ્ટોક ફોર્થ અમ્પાયરની ભૂમિકા ભજવશે. ઓસ્ટ્રેલિયાના એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી હશે.
મેચને ક્યાં જોઈ શકાશે?
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. તેને જિયોહોટસ્ટાર એપ પર પણ જોઈ શકાય છે. તમે દિવ્ય ભાસ્કર એપ પર પણ મેચનું લાઈવ કવરેજ ફોલો કરી શકો છો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


