Bangladesh Out T20 World Cup 2026 Update; Scotland Joins Group C Replacement Confirmed
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશની સત્તાવાર રીતે વિદાય થઈ ગઈ છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ કરી દીધી છે. ICCએ એક પત્ર લખીને બાંગ્લાદેશને આ અંગે જાણકારી આપી દીધી છે.
બાંગ્લાદેશ બહાર થયા બાદ સ્કોટલેન્ડને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સ્થાન આપ્યું છે. સ્કોટલેન્ડને ગ્રુપ-Cમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેનો સામનો ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલી જેવી ટીમ સામે થશે.
ICCની વોટિંગમાં બાંગ્લાદેશને માત્ર બે વોટ જ મળ્યા હતા તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ અને ICC વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખેંચતાણ ચાલી રહી હતી. બાંગ્લાદેશ એ જીદ પર અડગ હતું કે તે ભારતમાં વર્લ્ડ કપની મેચ નહીં રમે અને તેમની મેચ શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે. પરંતુ ICCએ સ્પષ્ટ કર્યું હતું કે તેણે ભારતમાં જ મેચ રમવી પડશે.
છેવટે ICC બોર્ડની વોટિંગમાં 14-2ની બહુમતીથી ભારતમાં બાંગ્લાદેશની મેચ યોજવાને મંજૂરી આપવામાં આવી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે DRCમાં પણ અપીલ કરી હતી ભારતમાં મેચ રમવાના ICCના નિર્ણય વિરુદ્ધ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી (DRC)માં જે અપીલ કરી હતી, તેના પર સુનાવણીની કોઈ શક્યતા નથી, કારણ કે આ મામલો સમિતિના અધિકાર ક્ષેત્રની બહાર છે.
ન્યૂઝ એજન્સી PTI અનુસાર, BCBએ તમામ કાયદાકીય વિકલ્પો અજમાવવાના ઈરાદે આ અપીલ દાખલ કરી હતી, પરંતુ નિયમોને કારણે તેમને કોઈ રાહ મળવાની નથી. બોર્ડનું કહેવું છે કે જો અહીંથી પણ કેસ ફગાવી દેવામાં આવે છે, તો છેલ્લો રસ્તો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) જ બચશે. બીજી તરફ, ICCએ આપેલી 24 કલાકની સમયમર્યાદામાં બાંગ્લાદેશ તરફથી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નહોતો, જેનાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ ગઈ છે.
આ અગાઉ બાંગ્લાદેશ બોર્ડ સુરક્ષા કારણોનો હવાલો આપીને ભારત આવવાની ના પાડી ચૂક્યું હતું, પરંતુ વધારાનો સમય મળવા છતાં જવાબ ન મળતા હવે ICC પાસે બાંગ્લાદેશને બહાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

બાંગ્લાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે એક દિવસ પહેલા ઢાકામાં નેશનલ ખેલાડીઓ સાથે બેઠક કરીને આ બાબત સ્પષ્ટ કરી દીધી છે કે ટીમ ભારત નહીં જાય.
અમે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ બાંગ્લાદેશ સરકારના રમત સલાહકાર આસિફ નઝરુલે ગુરુવારે નેશનલ ટીમના ખેલાડીઓ સાથે આજે ઢાકામાં બેઠક કરી. બેઠક પછી તેમણે કહ્યું, ‘અમે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા હજુ પણ યથાવત છે.’

બાંગ્લાદેશે ભારતમાં રમવાની ના કેમ પાડી, જાણો 2 મોટા કારણો
1. બાંગ્લાદેશમાં હિંદુઓની સતત થઈ રહેલી હત્યાઓના વિરોધમાં BCCIએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરાવી દીધો. BCBએ તેનો વિરોધ કર્યો.
2. મુસ્તફિઝુરને બહાર કરવાના મુદ્દાને બાંગ્લાદેશની રાજકીય પાર્ટીઓએ ઉઠાવ્યો. પછી યુનુસ સરકારે પોતાના દેશમાં IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. આ પછી ક્રિકેટ બોર્ડે ભારતમાં વર્લ્ડ કપ ન રમવાની માગ કરી જેને ICCએ ફગાવી દીધી.
પાકિસ્તાને સમર્થન કર્યું હતું, પરંતુ બહિષ્કાર નહીં એક દિવસ પહેલાં બાંગ્લાદેશને આશા હતી કે PCB તેના સમર્થનમાં ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે. પાકિસ્તાની બોર્ડે ICC બોર્ડ મિટિંગમાં સમર્થન પણ કર્યું, પરંતુ ટુર્નામેન્ટમાંથી હટવાની વાત ન કરી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાન પોતાના વર્લ્ડ કપ રમવાના નિર્ણય પર ફરી વિચાર કરી શકે છે.
મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેને KKRએ 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરી દીધો હતો.
આનાથી ગુસ્સે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર રોક લગાવી દીધી. આ પછી ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી.

KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી IPLમાંથી બહાર કરવા પર વિવાદ 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

