Bangladesh T20 World Cup 2026 Controversy; BCB Vs ICC
3 દિવસ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની બધી ગ્રૂપ મેચ મુંબઈ અને કોલકાતામાં યોજાવાની છે પરંતુ તેમણે ભારતમાં રમવાનો ઇનકાર કરી દીધો છે.
બાંગ્લાદેશે ગુરુવારે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે, જેના પછી ટીમનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નક્કી માનવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા જ ICC એ સ્પષ્ટ કર્યું હતું કે બાંગ્લાદેશની તમામ ગ્રૂપ મેચ ભારતમાં જ રમાડવામાં આવશે.
આ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ માગ કરી હતી કે તેની તમામ મેચ ભારતને બદલે શ્રીલંકામાં યોજવામાં આવે. ICCએ આ બાબતે BCBને એક દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કોઈ સહમતિ સધાઈ શકી નથી.
બાંગ્લાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે નેશનલ ટીમના ખેલાડીઓ સાથે આજે ઢાકામાં બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું, ‘અમે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા અત્યારે પણ યથાવત છે.’
બીજી તરફ, BCB અધ્યક્ષ અમીનુલ ઇસ્લામે કહ્યું કે બોર્ડ એકવાર ફરી ICC સાથે વાતચીત કરશે અને પોતાની ચિંતાઓને મજબૂતીથી રજૂ કરશે. તેમણે કહ્યું, ICC બોર્ડની બેઠકમાં કેટલાક નિર્ણયો ચોંકાવનારા રહ્યા. બાંગ્લાદેશ પોતાની લડાઈ ચાલુ રાખશે અને ICC સાથે વાતચીતનો રસ્તો બંધ નહીં કરે.

આસિફ નઝરુલે કહ્યું-
ICC ગમે તેટલું કહે કે સુરક્ષાનો કોઈ ખતરો નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે અમારા ખેલાડીને IPLમાંથી બહાર કાઢવામાં આવ્યો, જ્યારે તે જ દેશ વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યો છે. એવામાં સવાલ એ છે કે ત્યારથી અત્યારસુધીમાં શું બદલાયું છે?
તેમણે ઉમેર્યું-
જો મુસ્તફિઝુર જેવા ખેલાડીને સુરક્ષા આપી શકાતી નથી, તો અમે કેવી રીતે ભરોસો કરીએ કે ICC અમારા તમામ ખેલાડીઓને સુરક્ષા આપશે.
નઝરુલે કહ્યું-
આ બેઠકનો હેતુ માત્ર એ જાણવાનો હતો કે ખેલાડીઓ શું ઇચ્છે છે. અમે અમારા ખેલાડીઓને કોઈપણ પ્રકારના જોખમમાં મૂકવા માગતા નથી.

પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ.
બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કેમ કર્યો, જાણો 2 મોટાં કારણો
- મુસ્તફિઝુર રહેમાનનો વિવાદ: બાંગ્લાદેશમાં હિન્દુઓની સતત થઈ રહેલી હત્યાઓના વિરોધમાં BCCIએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરાવી દીધો. બોર્ડના કહેવા પર KKRએ રહેમાનને ટીમમાંથી બહાર કરી દીધો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આનો વિરોધ કર્યો.
- રાજકીય દબાણ અને IPL પર પ્રતિબંધ: મુસ્તફિઝુરને બહાર કરવામાં આવતાં બાંગ્લાદેશની રાજકીય પાર્ટીઓએ તેને મુદ્દો બનાવી દીધો. યુનુસ સરકાર પર દબાણ વધ્યું તો તેમણે પોતાના દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો. ત્યાર બાદ ભારતમાં વર્લ્ડ કપ ન રમવાની માગ કરી. આ માગ સુરક્ષા ચિંતાઓ પર આધારિત હતી. ICCએ આ માગ ફગાવી દીધી છે.
બાંગ્લાદેશને ભારતમાં ન રમવાથી શું નુકસાન થઈ શકે છે?
T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે: બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. આનાથી તે T20 વર્લ્ડ કપથી બહાર થઈ શકે છે, કારણ કે ICCએ બાંગ્લાદેશની મેચનું વેન્યૂ બદલવાનો ઇનકાર કરી દીધો છે.
BCCI પણ સિરીઝ રમવાનો ઇનકાર કરી શકે છે: BCBના ઇનકાર બાદ BCCI પણ બાંગ્લાદેશ સાથે બાઇલેટરલ સિરીઝ રમવાનો ઇનકાર કરી શકે છે. આનો સીધું નુકસાન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અને બોર્ડને થશે. વર્તમાન સમયમાં કોઈપણ વિદેશી ક્રિકેટ બોર્ડની સૌથી વધુ કમાણી ભારત સાથે રમવાથી થાય છે.
બાંગ્લાદેશ વર્લ્ડ ક્રિકેટમાં એકલું પડી જશે: ICCના પ્રસ્તાવને ન માનવાથી BCB વર્લ્ડ ક્રિકેટમાં અલગ-થલગ પડી જશે. કારણ- બુધવારે મળેલી ICC બોર્ડ મિટિંગમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 14 દેશોએ વોટ કર્યો હતો. બાંગ્લાદેશને માત્ર પાકિસ્તાનનું સમર્થન મળ્યું છે.
IPL જેવી બીજી લીગમાં પણ નુકસાન થશે: IPLની મોટા ભાગની ટીમ દુનિયાની બીજી T20 લીગમાં પણ દખલ ધરાવે છે. મુંબઈ ઈન્ડિયન્સ જેવી ફ્રેન્ચાઈઝી વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં યોજાતી લીગમાં પણ પોતાની ટીમ ઉતારે છે. BCBના વલણ બાદ ભારતીય ફ્રેન્ચાઇઝી બીજી લીગમાંથી પણ બાંગ્લાદેશી ક્રિકેટરોને બહારનો રસ્તો બતાવી શકે છે.
બાંગ્લાદેશી ક્રિકેટરોની સ્પોન્સરશિપ ઘટી જશે: બાંગ્લાદેશી ક્રિકેટરોને ભારતીય કંપનીઓ પાસેથી મળતી કમાણી ઓછી થશે. અત્યારે ભારતની ઘણી બેટ કંપનીઓ બાંગ્લાદેશી ક્રિકેટરોને પ્રમોટ કરે છે. વર્તમાન વિવાદના કારણે આવા જ બે ક્રિકેટરોના કોન્ટ્રેક્ટ હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યા હતા. વિવાદ વધવા પર આ કોન્ટ્રેક્ટ રદ થઈ શકે છે.
પાકિસ્તાને સમર્થન કર્યું હતું, પરંતુ બહિષ્કાર નહીં એક દિવસ પહેલા બાંગ્લાદેશને આશા હતી કે PCB તેના સમર્થનમાં ટુર્નામેન્ટનો બહિષ્કાર કરશે. પાકિસ્તાની બોર્ડે ICC બોર્ડ મિટિંગમાં સપોર્ટ પણ કર્યો, પરંતુ ટુર્નામેન્ટમાંથી હટવાની વાત ન કરી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટે દાવો કર્યો કે પાકિસ્તાન પોતાના વર્લ્ડ કપ રમવાના નિર્ણય પર પુનર્વિચાર કરી શકે છે.

સ્કોટલેન્ડને તક મળી શકે છે બાંગ્લાદેશના વર્લ્ડ કપમાંથી હટી ગયા બાદ સ્કોટલેન્ડને તક મળવી લગભગ નક્કી છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, સ્કોટલેન્ડને રેન્કિંગના આધારે વર્લ્ડ કપમાં તક આપવામાં આવી શકે છે. જેવું વર્ષ 2009માં ઝિમ્બાબ્વેના હટી જવાથી થયું હતું.
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે. ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશને ગ્રૂપ-Cમાં રાખ્યું છે. તેની ત્રણ ગ્રૂપ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યારે ટીમની છેલ્લી ગ્રૂપ સ્ટેજ મેચ મુંબઈમાં યોજાનાર છે.
મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. BCCIના કહેવા પર KKRએ તેમને 3 જાન્યુઆરીએ ટીમમાંથી બહાર કરી દીધો હતો.
આનાથી ગુસ્સે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. ત્યારબાદ ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી.

KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી IPLમાંથી બહાર કરવા પર વિવાદ 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. પછીથી BCCI એ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો.
———————————
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
ICCએ બાંગ્લાદેશને ‘ક્લિન બોલ્ડ’ કરી નાખ્યું: વર્લ્ડ કપ ભારતમાં જ રમવો પડશે, એક દિવસમાં ફાઇનલ જવાબ માગ્યો; નહીં માને તો સ્કોટલેન્ડને મળશે તક

ICCની બેઠકમાં 14 દેશોએ બાંગ્લાદેશ વિરુદ્ધ મતદાન કર્યું. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય, તો સ્કોટલેન્ડને તક આપવામાં આવશે. હાલમાં ICCએ BCBને તેના વલણ પર વિચાર કરવા માટે વધુ એક દિવસનો સમય આપ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

