Bone Health Why do bones become weak after the age of 30 Know the reasons and remedies | Gujarat News

Last Updated: May 27, 2026By

સામાન્ય રીતે 50 કે 60 વર્ષ બાદ હાડકાં નબળા પડે છે. પરંતુ આજકાલ 30 વર્ષના લોકોમાં પણ હાડકાંમાં નબળાઈની ફરિયાદો સામે આવવા લાગી છે. ફેમસ હેલ્થ એક્સપર્ટે આ બાબતને લઈને ચેતવણી આપી. 30 વર્ષની ઉંમરમાં નબળા હાડકાંનું સૌથી મોટું કારણ વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો છે.આના લીધે સામાન્ય ઈજામાં પણ ફ્રેક્ચર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આપણા હાડકાં મુખ્યત્વે કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા અનેક મહત્વના ખનિજોથી બનેલા હોય છે. પરંતુ ઉંમર વધવાની સાથે, ખરાબ લાઈફસ્ટાઈલ કે અન્ય કોઈ શારીરિક બીમારીના કારણે શરીરમાંથી આ ખનિજો ઘટવા લાગે છે. તેથી, પુરુષો અને સ્ત્રીઓ બંનેએ 30ની ઉંમર પછી હાડકાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

30 વર્ષ પછી હાડકાં નબળા થવાના મુખ્ય કારણો

હોર્મોનલ ફેરફારો : 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે, જે મેનોપોઝ (૪૦ થી ૪૫ વર્ષની ઉંમર) દરમિયાન સંપૂર્ણપણે ઘટી જાય છે. એસ્ટ્રોજનનું સ્તર ઘટવાથી શરીરમાં કેલ્શિયમનું શોષણ બરાબર થતું નથી, જે હાડકાં નબળાં પડવાનું મુખ્ય કારણ છે.

પોષક તત્વોની ઉણપ: આપણી ખરાબ આદતોના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ સર્જાય છે. આ ઉપરાંત, સ્ત્રીઓમાં વિટામિન ડીનું સ્તર પણ ખૂબ ઓછું જોવા મળે છે. મજબૂત હાડકાં માટે આ ત્રણેય તત્વો અનિવાર્ય છે. ૩૦ પછી શરીરમાં વિટામિન ડી ઘટવાને લીધે શરીર ખોરાકમાંથી કેલ્શિયમ પચાવી શકતું નથી.

બેઠાડું જીવનશૈલી: આપણામાંથી મોટાભાગના લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. શારીરિક પ્રવૃત્તિ નહિવત્ હોવાને કારણે શરીરમાં હાડકાનો જથ્થો (Bone Mass) ઝડપથી ઓછો થવા લાગે છે.

ઊંઘની અનિયમિતતા અને ખોટો ખોરાક: આજકાલ લોકો રાત્રે મોડા જમે છે અને મોડા જાગે છે, જેનાથી બોડી ક્લોક (શરીરની ઘડિયાળ) ખોરવાય છે અને શરીરને પૂરતો આરામ મળતો નથી. આ સિવાય ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ, કોફી અને સોફ્ટ ડ્રિંક્સનું પ્રમાણ વધ્યું છે. સોફ્ટ ડ્રિંક્સ શરીરમાં કેલ્શિયમના શોષણને અટકાવે છે.

હાડકાંને મજબૂત રાખવાના ઉપાયો

  • જો તમે ૩૦ની ઉંમર પછી પણ હાડકાંને હેલ્ધી રાખવા માંગો છો, તો તમારી દિનચર્યા અને ડાયેટમાં આ ફેરફારો અવશ્ય કરો.
  • કુદરતી વિટામિન ડીથી હાડકાં મજબૂત થશે. દરરોજ સવારે ૨૦ થી ૨૫ મિનિટ માટે સૂર્યપ્રકાશ (તડકો) લો.  કેલ્શિયમ અને પ્રોટીન યુક્ત ખોરાક હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરશે.
  • આહારમાં દૂધ, સોયા મિલ્ક, ટોફુ, તલ, શણના બીજ (Flax seeds), રાજગીરા અને મશરૂમ વગેરેનું સેવન વધારો. મેગ્નેશિયમની ઉણપ દૂર કરવાથી ફાયદો થશે. સૂર્યમુખીના બીજ, તરબૂચના બીજ, જુવાર, બાજરી અને રાગી જેવા ધાન્યોને ખોરાકમાં સામેલ કરો.
  • હાડકાં માટે વિટામિન K પણ ખૂબ જ જરૂરી છે, જે બ્રોકોલી, પાલક અને મૂળાના પાનમાંથી પૂરતી માત્રામાં મળી રહેશે. આ બધા વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં સારી રીતે શોષાઈ શકે તે માટે વિટામિન C ખૂબ જ મહત્વનું છે.
  • આ માટે આમળા, લીંબુ, કીવી અને નારંગી જેવા ખાટાં ફળો નિયમિત ખાઓ. રોજિંદા જીવનમાં ચાલવું (વોકિંગ), યોગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ (વેઇટ ટ્રેનિંગ) જેવી કસરતોને સ્થાન આપો જેથી બોન માસ જળવાઈ રહે.

આ પણ વાંચો : Health News : ડાયાબિટીસમાં સુગર લેવલ ઘટાડવા આ Food છે બેસ્ટ, ભોજનમાં કરો સામેલ

Leave A Comment