CJP આંદોલનમાં વિદેશી ફંડિંગ?:મોદી સરકારને પાડી દેવાનો પ્લાન, અમેરિકાના પત્રકારનો ધડાકો, રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને ઓફર કરી ગેમ બદલી
આજે વિપક્ષ અને કોક્રોચ જનતા પાર્ટીના સરકાર સામેના આંદોલનના વિષયમાં બે મહત્વની વાત કરવી છે. એક તો આ આંદોલન સામે વિદેશી ફંડિંગની વાત છે તે અને બીજુ છે રાહુલ ગાંધી સાથે મોદીના કયા 200 લોકો કોન્ટેક્ટમાં છે? તેની. અને સૌથી મહત્વનું આ બધા વચ્ચે સરકાર કેમ નથી માની રહી કે લોકોમાં ગુસ્સો તો છે જ? ચાલો વિગતે વાત કરીએ… નમસ્કાર… આજે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ મામલે વિપક્ષ અને કોક્રોચ જનતા પાર્ટી આંદોલનો કરી રહી છે. જેમને યુવાનો ફોલો કરી રહ્યા છે અને દિલ્લીના રસ્તાઓ પર દંડા ખાઈ રહ્યા છે. પણ જ્યારે આ બધુ થઈ રહ્યું છે ત્યારે અમેરિકાથી અવાજ ઉઠ્યો કે જંતર મંતર પર લાગેલા તાળા પાછળ ખાલી દિલ્લી જ જવાબદાર નથી પણ અહીં તો મોટી ઈન્ટરનેશનલ માઈન્ડ ગેમ રમાઈ રહી છે. જ્ઞાનેશ કુમાર રાજીનામું આપેઃ વિપક્ષ ડિટેઈલમાં વાત કરીએ તો દિલ્લીની સડકો પર જે પોલિટિકલ જ્વાળામુખી ફાટ્યો છે તેના કેન્દ્રમાં ચૂંટણી પંચ છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનના નામે ચાલેલી પ્રોસેસમાં દેશભરમાંથી 13 કરોડ વોટર્સના નામ રાતોરાત ગાયબ થઈ ગયા છે તેવો વિપક્ષનો આક્ષેપ છે. જેને વિપક્ષ અને યુવાનો વોટચોરી સાથે જોડી રહ્યા છે અને સરકાર સામે પ્રેશર ઊભું કરી રહ્યા છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાજીનામું આપી દેવું જોઈએ. “દેશનો ખૂણેખૂણો જંતર-મંતરનું મેદાન બનશે” આ બધુ ચાલી રહ્યું છે ત્યારે સરકારે એક નિર્ણય લીધો જેણે બળતામાં ઘી હોમવાનું કામ કરી દીધું. સરકારે જંતર મંતરને આંદોલન કે વિરોધ કરવા માટેની જગ્યામાંથી જ હટાવી નાખ્યું. હવેથી જંતર-મંતર પર કોઈ આંદોલન નહીં થઈ શકે. જો કે ક્યાં થશે તેની પણ સરકારે વ્યવસ્થા કરી આપી છે. પણ આ વચ્ચે કોક્રોચ જનતા પાર્ટી અને વિપક્ષે સરકારને આડકતરી વોર્નિંગ આપી છે કે તમે ભલે જંતર મંતર બંધ કર્યું પણ હવે આખા દેશનો ખૂણેખૂણો જંતર-મંતરનું મેદાન બનશે. “જંતર મંતર રોકશો તો દેશને જંતર મંતર બનાવીશું” તો આનો શું મતલબ નીકળે? કે જો સરકાર દિલ્લીમાં વિરોધ નહીં કરવા દે કે લોકોનો અવાજ નહીં સાંભળે કે દબાવવાની કોશિશ કરશે તો દેશના હાઈવે, રેલવે, રોડ, ચોક, સરકારી કચેરીઓ વગેરે જેવી બધી જ જગ્યા પરથી યુવાનોનો આક્રોશ છલકશે. જો કોઈ પણ સંસ્થા કે વિપક્ષ આવું કોઈ નિવેદન આપે એટલે સીધી વાત છે તે સરકાર માટે કે દેશની સુરક્ષા માટે મોટો પડકાર બની શકે. જેના કારણે સરકાર અને જનતા વચ્ચે અવિશ્વાસની ખાઈ એટલી ઊંડી થઈ ગઈ કે હવે યુવાનો અને સરકાર સીધી ટક્કરમાં આવી ગયા છે. ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવો માહોલ બનાવવાનો પ્રયાસ પણ આ બધું તો આપણને ખબર જ છે, નવી વાત એ છે કે આ આંદોલન હવે મોટો વળાંક લે છે. અમેરિકાની ફેમસ મીડિયા ઓર્ગેનાઈઝેશન ફોક્સ ન્યૂઝ અને ભારતના ટોપમોસ્ટ વકીલ હરીશ સાલ્વેએ આંદોલન મામલે એવો ધડાકો કર્યો છે કે જેણે વિપક્ષ અને કોક્રોચ જનતા પાર્ટીની આખી ગેમ બદલી નાખી. તેમણે કહ્યું કે, ઈન્ડાયરેક્ટલી બંનેનો દાવો કંઈક સરખા જેવો જ છે કે આ આંદોલન કોઈ સ્વયંભૂ નથી, પણ ભારતની મોદી સરકારને ઉખાડી ફેંકવાનું એક વિદેશી ષડયંત્ર છે જેની પાછળ વિદેશથી ફંડ આવી રહ્યું છે. ફ્રાન્સથી ભારત-સુધીના આંદોલનો પાછળ વિદેશી ફંડિંગ ફોક્સ ન્યૂઝના સિનિયર ઇન્વેસ્ટિગેટિવ એડિટર અસ્રા નોમાનીએ દાવો કર્યો છે કે ફ્રાન્સથી લઈને ભારત સુધીના વિરોધ પ્રદર્શનો પાછળ એક ઈન્ટરનેશનલ કોમ્યુનિસ્ટ-ઈસ્લામિક નેટવર્ક એક્ટિવ રહેલું છે. જેને અમેરિકન ટેક-અબજોપતિ નેવિલ રોય સિંઘમે અંદાજે 27 કરોડ ડોલરનું ફંડિંગ આપ્યું હોય શકે છે. ન્યૂયોર્કના ધ પિપલ્સ ફોરમને સિંઘમે 22.44 મિલિયન ડોલરનું ફંડ આપ્યાનો નોમાનીએ દાવો કર્યો છે. ફ્રાન્સ પછી હવે આ ડાબેરીઓનો નવો ટારગેટ ભારત છે. અહીં આપણે એ ધ્યાને લેવું જોઈએ કે આ માત્ર આક્ષેપો છે તેના કોઈ ચોક્કસ પૂરાવા ટીવી પર નોમાનીએ નથી આપ્યા. બીજી વાત એ છે કે ફોક્સ ન્યૂઝ રાઈટ વિચારધારાને સપોર્ટ કરતી ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન છે તેવા દાવા અવાર નવાર થયા છે. જેથી આપણે સમજી શકીએ કે ફોક્સ ન્યૂઝ લેફ્ટિસ્ટ વિચારધારાની ધોલાઈ કરે તે સ્વાભાવિક છે. આંદોલનને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા? એ વાત સત્ય છે કે દુનિયાના કોઈ પણ દેશની સરકાર હોય તેના પર ફોરેન ફંડિંગનો આક્ષેપ લાગે તો ફાયદો મોટાભાગે સરકારને જ થાય છે કારણ કે લોકોમાં એવી ફિલિંગ જાગે છે કે વિદેશી લોકો આપણા દેશને કંટ્રોલ કરે છે. જો કે આ બધું કરવું તો તેમણે ચૂંટેલી સરકારે કરવાનું હોય છે. તો સવાલ થાય કે દેશમાં રાતોરાત ઉભા થયેલા અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા જેવા નવા ડિજિટલ નેતાઓ પાસે આટલા મોટા આંદોલનને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા? જ્યારે ગાંધીજીએ આંદોલન માટે ફંડ લીધું જ્યારે પણ કોઈ મોટું આંદોલન દેશમાં ઊભું થાય છે, ત્યારે તેને ચલાવવા માટે લોજિસ્ટિક્સ, ફંડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી હોય છે. આંદોલનકારીઓને દિલ્લીમાં ટકાવી રાખવા, જમવા, રહેવા અને કાયદાકીય હેલ્પ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયાની જરૂર પડે છે. ઉદાહરણ આપણે ભારતની આઝાદીના સમયની ચળવળનું જ લઈ લઈએ. એ સમયે સર દોરાબજી ટાટા, જમનાલાલ બજાજ અને જીડી બિરલા જેવા બિઝનેસમેને ગાંધીજીને આંદોલન ચલાવવા માટે રૂપિયા આપ્યા હતા. પણ તે ફંડિંગના સેન્ટરમાં સ્વદેશી, ટ્રાન્સપરન્સી અને નેશનાલિઝમ હતું. આઝાદી પહેલા અને અત્યારના ફંડિંગમાં શું ફેર? જમનાલાલ બજાજે તો 1921માં તિલક મેમોરિયલ ફંડ માટે લાખો રૂપિયા ભેગા કર્યા હતા. પણ આજે હાલત બદલાઈ ગઈ છે. ફંડિગના સોર્સ પણ હવે બદલાઈ ગયા છે. મોટા ભાગનું સ્વદેશી ફંડ સરકારના પક્ષમાં હોય છે માટે વિપક્ષી પાર્ટીઓને બહુ ઓછા રૂપિયા મળતા હોય છે. આજકાલના ફંડિંગ સોર્સ હવે ઈન્ટરનેશનલ એનજીઓ અને વિદેશી બિઝનેસમેનથી ચાલતા હોય છે. “ફ્રાન્સના વિરોધમાં ઈસ્લામિક નેટવર્ક, નેક્સ્ટ ટાર્ગેટ ભારત” જે મામલે ફોક્સ ન્યૂઝના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે આંકડાઓ આપ્યા કે, ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના આંદોલન સાથે જોડાયેલા 50 ઓર્ગેનાઈઝેશનમાંથી ખાલી 15 જ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન્સ હતા. બાકીના 35 સંગઠનો કમ્યુનિસ્ટ પાર્ટી અને પેલેસ્ટાઈનને સપોર્ટ કરતા મુસ્લિમ અને ઈસ્લામિક ગ્રુપ્સ હતા. અસ્રા નોમાનીએ કહ્યું છે કે હવે નેક્સ્ટ ટારગેટ ભારત હોય શકે છે. પણ કયું સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન કે કઈ ભારતીય પોલિટિકલ પાર્ટી તે અસ્રા નોમાનીએ મેન્શન નથી કર્યું. પણ એક સવાલ થાય કે કોક્રોચ જનતા પાર્ટીને વિદેશથી ફંડિંગ મળી રહ્યું છે તો ભારત સરકાર શું કરી રહી છે? આ ફંડિંગને બંધ કેમ નથી કરવામાં આવી રહ્યું જેનાથી દેશની શાંતિ અને કાયદાવ્યવસ્થાને નુકસાન થઈ શકે એમ છે? વિદેશી ફંડિંગ રોકવા મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર આ સવાલનો જવાબ ક્યારે મળશે ક્યારે નહીં એ તો સમય આવતા જ ખબર પડશે પણ વિદેશી ફંડિંગથી દેશમાં માહોલ ન બગડે તે માટે 2020માં મોદી સરકારે ફોરેન કન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન એક્ટમાં સુધારા કર્યા હતા. પહેલા વિદેશી ફંડમાંથી 50 ટકા રકમ વહીવટી ખર્ચા માટે વાપરી શકાતી હતી પણ નવા નિયમ પછી 20 ટકા રકમ જ વાપરી શકાય છે. એક એનજીઓ સંસ્થા બીજી એનજીઓ સંસ્થાને આ પંડ ન આપી શકે તેના માટે પણ પગલા લેવાયા હતા. આટલું જ નહીં જો તમારે વિદેશથી ફંડ લેવું હોય તો દિલ્લીની એસબીઆઈ બ્રાન્ચમાં ખાતું ખોલાવવું પડે એવો પણ નિયમ બનાવાયો હતો. વિદેશી ફંડિંગ થાય છે તો સરકાર શું કરે છે? આ નિયમો એટલા માટે બનાવાયા હતા જેથી સરકાર વિદેશી ફંડિંગને ઈઝીલી ટ્રેક કરી શકે કે ક્યાંથી કેટલા રૂપિયા અને કોને મળી રહ્યા છે. જ્યારે હરિશ સાલ્વે જેવા પ્રોફેશનલ અને બૌદ્ધિક સીજેપીને વિદેશી ફંડિંગ મળે છે એવી વાત કરે તો સરકારે ફરીથી કાયદાઓમાં અપડેટ કરવી બને કારણ કે ક્યાંક લૂપહોલ હોઈ શકે છે જેના પર સરકારે હજુ કામ કરવાનું બાકી છે. કારણ કે આક્ષેપ વિદેશી ફંડિંગના થઈ રહ્યા છે. સામેની બાજુ હજુ સુધી તો કોઈ પાક્કી ડિટેઈલ્સ નથી આવી કે કોક્રોચ જનતા પાર્ટીને વિદેશમાંથી કેટલું ફંડ મળ્યું છે વગેરે, આ બધી હવામાં જ વાતો છે. શું CJPને આંદોલન કરવા વિદેશથી રૂપિયા મળે છે? તો સવાલ થાય કે શું ખરેખર સીજેપીને વિદેશથી ફંડિંગ મળતું હશે? કારણ કે જ્યારે દિલ્લીમાં આંદોલનની શરૂઆત થઈ ત્યારે AISA, SFI અને ઈન્ડિયા ગઠબંધનનો સીજેપીને ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ સપોર્ટ મળ્યો. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ એક ધડાકો કરી દીધો. તેમણે દાવો કર્યો કે ED, CBIના 200 સરકારી અધિકારીઓ તેમના કોન્ટેક્ટમાં છે. તો સવાલ થાય કે ખરેખર આવું હશે? તો અહીં જ શરૂ થાય છે અસલી માઈન્ડ ગેમ. મોદી સરકારની પકડ નબળી પડી રહી છે? આ કોઈ સામાન્ય નિવેદન નથી, બની શકે આ ભાજપ સરકારના પક્ષમાં એક ડર પેદા કરવાની સ્માર્ટ ચાલ હોઈ શકે છે. જ્યારે વિપક્ષનો સૌથી મોટો નેતા જાહેરમાં આવે દાવો કરે ત્યારે સરકારનું ધ્યાન આંદોલન ડામવાથી હટીને પોતાની એજન્સીમાં રહેલા ઘરભેદીઓને શોધવામાં જતું રહે છે. આનાથી મોદી સરકારના સૌથી મોટા પદ પર બેઠેલી બાબુશાહીમાં પણ ડખો ઉભો થાય છે અને અધિકારીઓ એકબીજા પર શક કરવા લાગે છે. આટલું જ નહીં, જનતામાં પણ એવો મેસેજ જઈ શકે કે સરકાર હવે નબળી પડી રહી છે. ભાજપ કે નરેન્દ્ર મોદી ક્યારેય આવું ન ઈચ્છે કે આવો કોઈ મેસેજ જનતા સુધી પહોંચે કે આવો કોઈ નેરેટિવ સરકાર સુધી પહોંચે. જ્ઞાનેશ કુમારને રાહુલ ગાંધીની મોટી ઓફર કારણ કે સરકાર નોકરશાહી એટલે કે અધિકારીઓ વગર પોતાનું કામ ન જ કરી શકે, ચાહે એ ભારતની સરકાર હોય કે વિદેશની કોઈ. અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી એટલે જ ન અટક્યા તેણે તો ત્યાં સુધી કહી દીધું કે જ્ઞાનેશ કુમાર પણ મને મેસેજ કરે છે. રાહુલે જ્ઞાનેશ કુમારને મોટી ઓફર આપતા કહ્યું કે જ્ઞાનેશ કુમારે એપ્રુવર બની જવું જોઈએ કે SIRમાં ગડબડ ભલે તમારા નામે કરાવી પણ આદેશ તો તમારો નહોતો. જેણે પણ આ ષડયંત્ર કર્યું છે તે ટૂંક સમયમાં દેશ સામે આવી જશે માટે જ્ઞાનેશ કુમારે એપ્રુવર બની જવું જોઈએ. લડાઈ પક્ષ-પ્રતિપક્ષની નહીં, ડિજિટલ પ્રોપોગેન્ડાની આ બધુ કહી જાય છે કે આજકાલના આંદોલનો બહુ અઘરા બની જઈ રહ્યા છે. એક બાજુ યુવાનોની રોજગારી અને ચૂંટણી પ્રક્રિયા મામલે ચિંતાઓ છે તો બીજી બાજુ જ્યારે આંદોલન મોટું બને છે ત્યારે ત્યારે વિદેશી ફંડિંગના આરોપોથી બચી શકાય એવું નથી રહ્યું. આ લડાઈ હવે સરકાર અને વિપક્ષ વચ્ચે નથી રહી, આ લડાઈ હવે ડિજિટલ પ્રોપોગેન્ડા બની ગઈ છે, ઈન્ટરનેશનલ જીઓપોલિટિક્સ બની ગઈ છે અને લોકશાહીની બંધારણીય સંસ્થાઓ માટે વિશ્વાસની કસોટી બની ગઈ છે. આવનાર દિવસોમાં ખબર પડશે કે સરકાર કે વિપક્ષમાંથી કોની વાત કે નેરેટિવ મજબૂતીથી લોકોના દિલો સુધી પહોંચી છે. અને છેલ્લે… 2019માં કારવાંનો એક લેખ આવ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે 1993માં કોલેજિયમ સિસ્ટમ પહેલા રંગનાથ મિશ્રા અને કે. એન સિંહને બાદ કરતાં મોટા ભાગના CJI સામે કાં તો ભ્રષ્ટાચારના આક્ષેપો નહોતા કાં તો સામે નહોતા આવ્યા. 1994માં એમ. એન. વેંકટચાલૈયાના રિટાયરમેન્ટ પછી CJI સામે કૌભાંડો વગેરેના આક્ષેપો થતા ગયા. 2009માં વકીલ પ્રશાંત ભૂષણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તેમના મતે છેલ્લા 16-17માંથી અડધા ભ્રષ્ટ હતા. તો સવાલ થાય કે શું કોલેજિયમના કારણે CJI સામે સવાલો ઉભા થતા ગયા? સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

