Editor's View: ચૂંટણીના તાયફા પૂરા, મોંઘવારી શરૂ!:પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધશે? ગુજરાત ગ્રોથ એન્જિન હાંફ્યું, 11.5 લાખે નોકરી ગુમાવી, દેશની આર્થિક કટોકટીનું એનાલિસિસ

Last Updated: May 15, 2026By

15 મે, 2026. સવારના છ વાગ્યાનો સમય
એક બાપ રસોડામાં ઊભો છે. હાથમાં ગેસ સિલિન્ડરનું બિલ છે, 897 રૂપિયા. આંગળી પર ચૂંટણીની શાહી હજી આછી દેખાય છે. ગઈ કાલ સુધી એ જ આંગળીથી દેશ બદલવાનો વોટ નાખ્યો હતો. આજે એ જ આંગળી ખિસ્સામાં ખાલીપો તપાસી રહી છે. અને ઠીક આ જ ઘડીએ, હજારો કિલોમીટર દૂર, એક મોટા સ્ટેજ પરથી ગૂંજ્યું “ઇંધણ બચાવો, કારપૂલ કરો, સોનું ના ખરીદો, દેશને તમારા સપોર્ટની જરૂર છે!” અરે ભાઈ, આ ઉપદેશ છે કે ઘા પર મીઠું? પાંચ રાજ્યોની ચૂંટણીમાં હેલિકોપ્ટર ઉડાડ્યા, ફટાકડા ફૂટ્યા, રેલીઓ થઈ, રોડ શો થયા ને કરોડોના ધૂમાડા કર્યા…. ત્યારે કરકસર યાદ નહોતી આવતી? ચૂંટણી પૂરી થઈ ને અચાનક ઉંઘમાંથી ઉઠ્યા હોય એવો અહેસાસ થયો કે દેશ ખતરામાં છે? જે ગુજરાતને 5 ટ્રિલિયન ઈકોનોમીના સપનામાં 1 ટ્રિલિયનનો ફાળો આપવાના ડિંગા હાંક્યા હતા તેમાં પણ ઉલટી ગંગા વહી છે. ગુજરાતમાં 11.5 લાખ નોકરીઓ ગઈ, ગુજરાતનું GDP કોન્ટ્રીબ્યૂશન 9 ટકાથી 6 ટકા પર આવ્યું. રૂપિયો 95 પર ઢળ્યો, ખાદ્ય તેલ 22 ટકા મોંઘું થયું. સરકારે સમજવું પડશે કે જેના મત ખાઈને તે સિંહાસનો પર બેઠા છે તે અત્યાર સુધી ચૂપ હતો પણ મોંઘવારીની લાત બાદ તેમણે ખુલ્લે આમ ભાજપ સામે ખીજ કાઠવાનું શરૂ કરી દીધું છે. માટે આજે આપણે કરીએ ચૂંટણી પછી શરૂ થયેલી હાઈવોલ્ટેજ વસૂલીનું પોસ્ટ મોર્ટમ, કારણ કે પિક્ચર અભી બાકી હૈ, પેટ્રોલમાં 3 રૂપિયાનો વધારો તો ખાલી ટ્રેલર છે. જનતાઓ હજુ ઝટકા ખાવા તૈયાર રહેવાનું છે. નમસ્કાર… સૌથી પહેલા દિવ્ય ભાસ્કરના વાંચકો માટે આજે એક સ્પષ્ટતા કરી દઈએ કે આજે બહુ આંકડાઓની નહીં પણ ગ્રાઉન્ડ રિયાલિટી અને લોકોની લાગણીઓની વાત કરવી છે. ચૂંટણી વખતે તો જાણે દેશમાં દૂધની નદીઓ વહેતી હોય એવો માહોલ હતો. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં જ્યારે વોટ લેવાના હતા, ત્યારે કોઈને ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ નહોતું નડતું કે નથી તેલના ભાવ નડતા હતા. પણ જેવા વોટ પડી ગયા, એટલે તરત જ સરકારને યાદ આવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં તો આગ લાગી છે! લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો જનતા બધુ જાણે છે કે આ તમારી રણનીતિ નહીં જનતા સાથેની છેતરપિંડી છે. અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3-3 રૂપિયા વધારવામાં આવ્યા છે ને, એ તો ખરેખર નાનો ઝટકો છે. જેથી લોકોને લાગે કે 3 જ રૂપિયા વધ્યા છે ને આટલું તો દેશહિતમાં ચાલશે. પણ દેશહિતનો ઝોગો ત્યારે હટશે જ્યારે આવા 3-3 રૂપિયાના વધુ ઝટકા જનતાને લાગશે. ત્યારે સમજાશે કે મને તો દેશદાઝના નામે મૂર્ખ બનાવવામાં આવી રહ્યો હતો અને રીતસરનો મારો વપરાશ થઈ રહ્યો હતો. એક રૂપિયો જ્યારે શાકભાજી, દૂધ અને કરિયાણાના ભાવમાં દસ રૂપિયા થઈને ઝીંકાય છે ત્યારે મિડલ ક્લાસની કમર તૂટી જાય છે. ચૂંટણીના તાયફા અને સામાન્ય માણસની લાચારી આ આંકડા જુઓ તો ખબર પડે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. મૂડીઝ જેવી મોટી એજન્સીએ પણ કહી દીધું છે કે ભારતનો વિકાસ દર હવે ઘટવાનો છે. કેમ? કારણ કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો પાસે હવે કંઈ નવું ખરીદવાના પૈસા જ નથી બચ્યા. જ્યારે લોકોની ખરીદશક્તિ ઘટે ને, ત્યારે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી જ જાય. પણ સરકારને તો અત્યારે બસ પોતાની તિજોરી ભરવામાં જ રસ હોય એવું લાગે છે. ક્રૂડ ઓઈલના ભાવ જ્યારે નીચે હતા ત્યારે એક્સાઈઝ ડ્યૂટી વધારીને બધું કમાઈ લીધું, અને હવે જ્યારે ભાવ વધ્યા છે ત્યારે યુદ્ધના બહાના કાઢીને જનતાને માથે બોજ નાખી દીધો છે. વાહ રે સરકાર! ખૂબ ખેલ ગયે. PM મોદી ભારત માટે UAEથી શું ખુશખબર લાવશે? સરકાર વારંવાર ઈઝરાયલ-ઈરાનના યુદ્ધનું બહાનું ધરે છે, પણ એ નથી કહેતી કે એપ્રિલ 2026માં UAEએ એક મોટા એનર્જી ગ્રુપમાંથી બહાર નીકળવાનો જે નિર્ણય લીધો, એની અસર ભારત પર કેટલી પડી છે? આપણે યુએઈ સાથે બહુ સારા સંબંધોની વાતો કરીએ છીએ, પણ જ્યારે તેલના ઉત્પાદન અને ક્વોટાની વાત આવી ત્યારે આપણી ડિપ્લોમસી ક્યાંક નબળી પડી હોય એવું લાગે છે. આના કારણે જ આપણે હવે રશિયા કે બીજા દેશો પાસેથી મોંઘા ભાવે તેલ ખરીદવું પડે છે અને એનો બોજ જનતા પર નાખવામાં આવે છે. PM આજે UAE પહોંચ્યા છે જોઈએ શું થશે? કરકસરનો ઉપદેશ: નેતાઓનો ઠાઠ અને પ્રજાનો પરસેવો
વડાપ્રધાને હમણાં હૈદરાબાદની સભામાં સ્ટેજ પરથી સાત મુદ્દાની કરકસરની વાત કરી. સાંભળવામાં તો બહુ સારું લાગે કે દેશ માટે સોનું ના ખરીદો કે કારપૂલ કરો. પણ સાહેબ, જે માણસ માંડ-માંડ 20-30 હજારની નોકરી કરે છે અને બે સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે, એણે હજી કેટલી કરકસર કરવાની? મિડલ ક્લાસનો માણસ તો પહેલેથી જ કરકસર કરીને જીવે છે. અસલી કરકસરની જરૂર તો આ નેતાઓના કાફલામાં છે, જેમના ડીઝલનો ખર્ચ પણ પ્રજાના ટેક્સમાંથી જ જાય છે. વ્હાઈટ કોલર જોબ કરતા લોકો માટે વર્ક ફ્રોમ હોમ કદાચ શક્ય હશે, પણ પેલા કારખાનામાં મજૂરી કરતા માણસનું શું? એ તો ઘરે બેસીને કામ નથી કરી શકવાનો ને? આજે સ્થિતિ એવી છે કે ગૃહિણીઓ રસોડામાં તેલનો ડબ્બો ખોલતા પણ ધ્રૂજે છે. રસોઈ ગેસનો બાટલો હવે 900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સરકાર કહે છે કે વિદેશી હૂંડિયામણ બચાવવું છે, પણ શું એ બચાવવાની જવાબદારી ફક્ત એવા લોકોની જ છે જેઓ માંડ પોતાનું ઘર ચલાવે છે? મોટા ઉદ્યોગપતિઓના પ્લેન ઉડતા બંધ નથી થતા, પણ મધ્યમ વર્ગને કહેવામાં આવે છે કે તમે બહાર ફરવા જવાનું બંધ કરી દો. આ દોગલાપન જ લોકોમાં આક્રોશ પેદા કરી રહ્યો છે. ચારચોક પર કે પાનના ગલ્લે એવી વાતો થઈ રહી છે કે આ તો હજી ટ્રેઈલર છે, જો સરકાર પોતાની આ વસૂલી નીતિ નહીં બદલે ને, તો અસલી પિક્ચર તમારા ટ્રેલર કરતા પણ બહુ ભયાનક આવશે. ગુજરાતનું ગ્રોથ એન્જિન હાંફ્યું હવે વાત કરીએ આપણા ગરવા ગુજરાતની, જેની ગાથા આખી દુનિયામાં ગવાય છે. પણ અત્યારે જે આંકડા બહાર આવ્યા છે ને, એ સાંભળીને કોઈપણ ગુજરાતીનું લોહી ઉકળી ઉઠે એવું છે. આપણે ત્યાં કહેવાય છે કે ભારતના વિકાસનું એન્જિન ગુજરાત છે, પણ સાચું પૂછો તો અત્યારે આ એન્જિન જાણે હાંફી રહ્યું હોય એવું લાગે છે. પેલા 5 ટ્રિલિયન ડોલરના સપનામાં ગુજરાતનો હિસ્સો 1 ટ્રિલિયન ડોલર રાખવાનો મોટેઉપાડે ટાર્ગેટ હતો, પણ અત્યારે તો એ જ ટાર્ગેટ વેન્ટીલેટર પર છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. જે ગુજરાતનો દેશની જીડીપીમાં 9 ટકા હિસ્સો હતો, એ ઘટીને 6 ટકા પર આવી ગયો છે. આ કોઈ નાનીસૂની વાત નથી, આ આપણા આર્થિક ગૌરવ પર લાગેલો બહુ મોટો ઝાટકો છે. ડબલ એન્જિન સરકારનું ગુજરાત એન્જિન ખોટકાયું સૌથી મોટો ધડાકો તો સરકારના જ ASUSE રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ કહે છે કે આપણા ગુજરાતમાં સાડા અગિયાર લાખ લોકોએ પોતાની નોકરી ખોઈ દીધી છે! જરા વિચારો, 11.5 લાખ લોકો એટલે કેટલા બધા પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ હશે. આ માત્ર આંકડો નથી, પણ લાખો યુવાનોના સપના અને ગૃહિણીઓના રસોડા પર પડેલો ઘા છે. રિપોર્ટ મુજબ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સૌથી મોટો ફટકો પડ્યો છે કારણ કે સરકારે નાના વેપાર અને ટેક્નોલોજી પર ધ્યાન જ ઓછું દીધું છે. આપણે મોટા-મોટા ઉદ્યોગપતિઓને લાલ જાજમ બિછાવીએ છીએ, પણ પેલા નાના વેપારીઓ અને MSMEsનું શું? જે નાના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી આપતા હતા, એ આજે તાળાબંધીની કગાર પર છે. કેમ? કારણ કે બધી સબસિડી અને જમીનો તો મોટા ગજાના લોકો લઈ જાય છે, અને નાનો માણસ ટેક્સ અને મોંઘવારીના બોજ હેઠે દબાઈ જાય છે. રોજગારી છીનવાઈ જવાના મુખ્ય કારણો આ આક્રોશ એટલે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે રોજગારીના વાયદા કરવામાં આવે છે, પણ પરિણામ સામે આવે ત્યારે ખબર પડે કે લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. તમિલનાડુ જેવા રાજ્યો અત્યારે 9.4 ટકાના હિસ્સા સાથે આગળ વધી રહ્યા છે અને આપણે પાછળ જઈ રહ્યા છીએ. આ તો કયાંનો ન્યાય? ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે રીતે મંદી આવી છે, એ જોતા લાગે છે કે નીચેના લેવલે ક્યાંક બહુ મોટી ભૂલ થઈ રહી છે. ખાલી ને ખાલી વાઈબ્રન્ટ સમિટ કરવાથી વિકાસ નથી થતો, વિકાસ ત્યારે કહેવાય જ્યારે પેલા નાના કારખાનામાં કામ કરતા માણસના ઘરે સાંજે શાંતિથી ચૂલો સળગે. GDPમાં ગાબડું: આંકડાની માયાજાળ ને હકિકતમાં ફેર? આપણે ત્યાં K-શૅપ્ડ ગ્રોથ જોવા મળી રહ્યો છે. એનો મતલબ એવો થાય કે જે રૂપિયાવાળા છે એ વધુ અમીર થતો જાય છે અને જે મિડલ ક્લાસ કે ગરીબ છે એ નીચે ને નીચે જઈ રહ્યો છે. શેરબજાર ગમે તેટલું ઊંચું જાય, પણ જો સામાન્ય માણસની કોઈ પણ વસ્તુ ખરીદવાની શક્તિ ઘટી જાય ને, તો એ અર્થતંત્ર લાંબુ ટકતું નથી. અત્યારે ગુજરાતમાં આ જ થઈ રહ્યું છે. લોકો પાસે પૈસા નથી એટલે બજારમાં માંગ નથી, માંગ નથી એટલે પ્રોડક્શન ઘટે છે અને છેલ્લે નોકરીઓ ખવાતી જાય છે. આ એક એવું ઝેરીલું સાયકલ છે જેમાં મિડલ ક્લાસ ફસાઈ ગયો છે. આપણે ત્યાં કહેવાય છે કે ધંધો તો ગુજરાતીઓના લોહીમાં છે, પણ અત્યારે તો આ લોહી જ પાણી થઈ રહ્યું હોય એવું લાગે છે. અર્થતંત્ર ડગમગવાના સંકેતો આ બધું જોયા પછી પ્રશ્ન એ થાય છે કે શું સરકાર ખરેખર આ આંકડાઓ ગંભીરતાથી લે છે? 11.5 લાખ નોકરીઓ જવી એ કોઈ નાની વાત નથી. આ યુવાનો જ્યારે રસ્તા પર ઉતરશે ત્યારે શું જવાબ આપશે સરકાર? મોંઘવારીને કારણે જે માણસ પોતાની બચત ખર્ચવા લાગ્યો છે, એ ભવિષ્યમાં રોકાણ ક્યાંથી કરશે? ગુજરાત મોડલના નામે જે વાતો અત્યાર સુધી કરવામાં આવી હતી, એમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અત્યારે તો જનતાના મનમાં રોષ છે, અને આ રોષ ત્યારે જ શાંત થશે જ્યારે ફરીથી પેલા નાના વેપારી અને મજૂરના હાથમાં કામ હશે અને ખિસ્સામાં ચાર પૈસા બચશે. સામાન્ય માણસ જરૂરિયાતમાં હજુ કેટલી કાપ મૂકે? હવે વાત કરીએ પેલી કરકસરવાળી અપીલની જેણે અત્યારે આખા ગુજરાતમાં અને દેશમાં ચર્ચા જગાવી છે. વડાપ્રધાને હૈદરાબાદ અને વડોદરાથી જે સાત મુદ્દાની વાત કરી, એ સાંભળવામાં તો બહુ દેશભક્તિ જેવી લાગે, પણ સાચું પૂછો તો આ અપીલ મધ્યમ વર્ગના ઘા પર મીઠું ભભરાવવા જેવી છે. જ્યારે કોઈ નેતા સ્ટેજ પરથી એમ કહે કે દેશ માટે ઇંધણ બચાવો અથવા સોનું ના ખરીદો, ત્યારે એમને એ નથી દેખાતું કે સામાન્ય માણસ તો ક્યારનોય પોતાની જરૂરિયાતો કાપીને જ જીવે છે. પોતાના ભવ્ય કાફલામાંથી જમીની હકિકત પર નજર ફેરવે તો ખબર પડે ને કે ગરીબ કેટલો મોંઘવારીના ખપ્પરમાં હોમાયો છે. અને આ બલિદાનની અપેક્ષા હંમેશા પેલા છેવાડાના માણસ પાસે જ કેમ રાખવામાં આવે છે? શું બલિદાન ખાલી મિડલ ક્લાસને માણસે જ આપવાનું? PM મોદીએ સાત મુદ્દા જણાવ્યા, ઇંધણ બચાવો, મેટ્રોમાં ફરો, સોનું ના ખરીદો, વિદેશ પ્રવાસ ટાળો અને વર્ક ફ્રોમ હોમ કરો. આ બધું સાંભળીને એવું લાગે કે જાણે આપણે કોઈ બહુ મોટા આર્થિક યુદ્ધમાં છીએ. પણ સવાલ એ છે કે જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે આ યુદ્ધ ક્યાં ગયું હતું? ત્યારે તો કરોડો રૂપિયાના ધુમાડા થતા હતા, નેતાઓના હેલિકોપ્ટરો આખો દિવસ આકાશ ચીરતા હતા, ત્યારે કોઈને ઇંધણની બચત યાદ નહોતી આવી? અને જેવી સત્તા મળી ગઈ એટલે તરત જ જનતાને પાઠ ભણાવવાનું અને દેશભક્તિ યાદ અપાવવાનું શરૂ કરી દીધું. આ દંભ નહીં તો બીજું શું છે ભાઈ? સાત મુદ્દાની કરકસર અને જમીની હકીકતનો સંઘર્ષ ખરેખર તો, આ કરકસર બોટમ ટુ ટોપ નહીં પણ ટોપ ટુ બોટમ થવી જોઈએ. લોકોમાં આક્રોશ એટલે છે કે નેતાઓના કાફલામાં ગાડીઓની સંખ્યા ઓછી થવાની ભભકાદાર જાહેરાતો તો થઈ પણ ગાડીઓ આજે પણ ઓછી થતી નજરે નથી પડી, સરકારી ભવ્ય આયોજનો અટકતા નથી, પણ પ્રજાને કહેવામાં આવે છે કે તમે તેલ ઓછું વાપરો. જે માણસ માંડ 10-20-30 હજારમાં ઘર ચલાવે છે, એના માટે વિદેશ પ્રવાસ તો દૂરની વાત છે, એને તો બાજુના રાજ્યમાં ફરવા જવું પણ લક્ઝરી લાગે છે. સોનાની વાત કરીએ તો, ભારતીય સંસ્કૃતિમાં સોનું એ માત્ર દાગીના નથી, પણ મુસીબતના સમયની લાઠી છે. જ્યારે બેંક લોન ના આપે ત્યારે આ સોનું જ કામ આવે છે. સરકાર કહે છે કે સોનું ના ખરીદો કારણ કે વિદેશી હૂંડિયામણ બચે, પણ પેલા મોટા ઉદ્યોગપતિઓ જે અબજો રૂપિયા વિદેશી બેંકોમાં કે રોકાણમાં વાપરે છે એનું શું? સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ પર કાપ: મધ્યમ વર્ગની મજબૂરી આજે સિચ્યુએશન એવી છે કે લગ્નની સીઝન ચાલી રહી છે. હવે જે બાપને પોતાની દીકરીના લગ્ન કરવા છે, એને તમે એમ કહો કે દેશહિતમાં સોનું ના ખરીદશો તો એ બિચારો શું કરે? સામાજિક રિવાજો કઈ PMની અપીલથી બદલાઈ જવાના છે? બીજી બાજુ, સરકાર કહે છે કે મેટ્રો વાપરો. પણ અમદાવાદના અમુક વિસ્તારોને બાદ કરતા બાકીના ગુજરાતમાં મેટ્રોનું નેટવર્ક ક્યાં છે? રાજકોટ, સુરત કે વડોદરાના વિસ્તારોમાં મેટ્રો ક્યારે પહોંચશે? સુવિધા આપ્યા વગર શિખામણ આપવી એ બહુ સહેલું કામ છે. ઉપરથી અમદાવાદને મેટ્રો આપવામાં કેટલો સમય લઈ લીધો? ચૂંટણી ટાણે જ તો મેટ્રો યાદ આવે છે. મધ્યમ વર્ગના સંઘર્ષના મુખ્ય મુદ્દા લોકોમાં હવે જે છૂપો રોષ હતો ને, એ હવે બહાર આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું આ કરકસર ફક્ત અમારા માટે જ છે? જ્યારે સરકારના મંત્રીઓ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે હૂંડિયામણ નથી બગડતું? ભભકાદાર રેલીઓ, ગાડીઓની કિલોમીટર લાંબી લાઈનો થાય તેવા કાફલાઓ, હેલિકોપ્ટરમાં અવર-જવર, રેલીઓમાં કરોડોના ખર્ચા આ બધુ શું છે? જ્યારે ભવ્ય સ્ટેડિયમો અને પ્રતિમાઓ પાછળ હજારો કરોડ વપરાય છે ત્યારે કરકસર યાદ નથી આવતી? આ અસમાનતા જ જનતાને ઉશ્કેરી રહી છે. લોકોને હવે સબકા સાથમાં ફક્ત પોતાનો જ સાથ આપવો પડતો હોય એવું લાગે છે, વિકાસ તો જાણે કોઈ બીજાનો જ થઈ રહ્યો છે. આ આક્રોશ એ માત્ર મોંઘવારીનો નથી, પણ આ અન્યાયી વ્યવસ્થાનો છે. રોકાણકારોનો ઉઠતો વિશ્વાસ: GFCFમાં મોટું ગાબડું આજે જ્યારે આપણે આ આખી ઈકોનોમીની ઉથલપાથલનું પોસ્ટમોર્ટમ કરીએ છીએ, ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આપણું ગુજરાત મોડલ ખરેખર હજી એટલું જ મજબૂત છે જેટલું આપણે માનીએ છીએ? આંકડાની ભાષામાં કહીએ તો ગુજરાતમાં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન એટલે કે GFCF, જે રાજ્યમાં થતા નવા રોકાણોની ફૂટપટ્ટી છે, તેમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ બધુ ભેગું થયું ને ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા માટે આગળ વધી રહ્યું હતું તે પટકાઈને છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. આપણે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના સપના તો બહુ જોયા, પણ ડોલર સામે રૂપિયો જ્યારે 95ને પાર કરી જાય, ત્યારે એ સપનું સાકાર કરવું એટલે આકાશમાંથી તારા તોડવા જેવું કામ છે. ટોચના 10 સૌથી મોટા અર્થતંત્રો રૂપિયાનું ધોવાણ અને 5 ટ્રિલિયનનું ગણિત જ્યારે આપણે 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીની વાત કરીએ છીએ, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે એ ગણતરી ડોલરમાં થાય છે. આ આક્રોશ એટલે છે કે આપણે માત્ર આંકડાઓની માયાજાળમાં રાચી રહ્યા છીએ. શેરબજાર વધે એનો મતલબ એ નથી કે સામાન્ય માણસ સુખી છે. વિકાસ ત્યારે કહેવાય જ્યારે પેલા ગરીબ માણસ પાસે કોઈ પણ વસ્તુ ખરીદવાની તાકાત આવી જાય અને ઘરે બે ટંકનું સુખેથી જમવાનું બની શકે. અત્યારે તો હાલત એવી છે કે લોકોની બચત વપરાઈ રહી છે અને દેવું વધી રહ્યું છે. અર્થતંત્રને પાટા પર લાવવા માટેના જરૂરી પગલાં મોંઘવારી એ અત્યારે માત્ર આર્થિક મુદ્દો નથી રહ્યો, એ હવે મધ્યમ વર્ગની લાચારીની પરાકાષ્ઠા છે. લોકો હવે ટ્રેઈલર જોઈને થાકી ગયા છે. જો સરકાર ખરેખર કંઈક કરવા માંગતી હોય, તો એણે એકદમ ગ્રાઉન્ડ લેવલે અને નીચેના સ્તરે સુધારા કરવા પડશે. માત્ર વડોદરા કે સિકંદરાબાદમાં ભાષણો આપવાથી તેલના ભાવ નથી ઘટવાના કે નથી યુવાનોને નોકરી મળવાની. ડેટા બતાવે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે પીછેહઠ કરી છે, અને એનું મેઈન રિઝન જ પાયાના નાના એકમોની અવગણના. જો આ નાના વેપારીઓ બેઠા નહીં થાય ને, તો ગુજરાતની આર્થિક ગાડી ક્યારેય પાટા પર નહીં ચઢે. જનતાનો મિજાજ અને 2029ની રાહ છેલ્લે તો એટલું જ કહેવું છે કે અર્થતંત્ર એ કોઈ એસી ઓફિસમાં બેસીને બનાવેલા ગ્રાફ નથી, એ તો બજારમાં ખરીદી કરવા નીકળેલા સામાન્ય માણસના ચહેરા પરની ખુશીમાં છે. જો એ હરખ જ ગાયબ થઈ જાય અને એની જગ્યાએ આક્રોશ આવી જાય, તો સમજવું કે સત્તાના સમીકરણો બદલાતા વાર નહીં લાગે. પ્રજાએ 2026ની ચૂંટણીઓમાં જે વિશ્વાસ મૂક્યો હતો, એની કિંમત સરકાર વસૂલી કરીને ચૂકવી રહી હોય એવું અત્યારે દેખાય છે. પણ યાદ રાખજો, જનતા બધું જોઈ રહી છે. 2029ની ચૂંટણી દૂર નથી, અને જો મોંઘવારીનું આ પિક્ચર આવું જ ભયાનક રહ્યું, તો લોકો પાસે આખું થિયેટર જ બદલી નાખવાની મત નામની તાકાત છે અને છેલ્લે… દિલ્હીમાં મળેલી BRICS દેશોની બેઠકમાં રશિયાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી પાકિસ્તાનને ચોક્કસ મરચાં લાગશે. આ મિટિંગમાં ઇરાન અને UAEના મંત્રીઓ વચ્ચે ટપાટપી થઇ ગઇ. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ખુલ્લેઆમ કહ્યું કે, “જો અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષો જૂનો ઝઘડો કાયમી પતાવવો હોય, તો ભારત સૌથી વિશ્વાસુ સમાધાનકાર બની શકે છે.” અત્યાર સુધી પાકિસ્તાન આ બંને વચ્ચે મધ્યસ્થી હોવાનો દંભ કરતું હતું, પણ હવે અમેરિકાને પણ પાકિસ્તાન પર ભરોસો રહ્યો નથી. બીજી બાજુ, ભારતની તાકાત એ છે કે આપણી મિત્રતા અમેરિકા સાથે પણ મજબૂત છે અને ઈરાન સાથે પણ જૂની દોસ્તી છે. ઉપરથી પીએમ આજે UAEના પણ પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ પણ રશિયાના મંત્રીને સ્પષ્ટ કહી દીધું કે ભારત હંમેશા શાંતિ અને વાતચીતમાં જ માને છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે જોતા રહો ‘એડિટર્સ વ્યૂ’.
આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

Leave A Comment