Editor's View: ઇઝરાયલનું 'ઇન્ડિયા કાર્ડ':ટ્રમ્પની બોસગીરીથી નેતન્યાહૂ ભડક્યા, કહ્યું-140 કરોડ ભારતીયો અમારી સાથે, બે દેશોની દોસ્તી અને ભારતના ફાયદાની ચાર મોટી વાત
વિચારો, જો દુનિયાના બે સૌથી પાક્કા મિત્રો, એટલે કે અમેરિકા અને ઈઝરાયલ અચાનક એકબીજાની સામે આવી જાય તો શું થાય? અને સૌથી મોટો સવાલ એ છે કે, જો આ બંને દેશો વચ્ચે અહંકારનો મોટો ખટરાગ ઊભો થાય, તો સૌથી મોટો આર્થિક ઝટકો કોને લાગશે? શું આ વિવાદની સીધી અસર તમારા અને મારા સામાન્ય ખિસ્સા પર પડશે ખરી? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિડલ ઈસ્ટમાં આવેલા એવા મોટા રાજકીય ભૂકંપની, જેણે છેલ્લા ઘણા દાયકાઓથી ચાલતા જૂના સમીકરણોને મૂળમાંથી હલાવી નાખ્યા છે. આ માત્ર બે વિદેશી દેશો વચ્ચેની સામાન્ય લડાઈ બિલકુલ નથી. આમાં હવે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ, એટલે કે આપણા ભારતનું નામ સીધી રીતે ખેંચવામાં આવ્યું છે. ચાલો સમજીએ અહીં જિયોપોલિટિકલ ગેમ ખરેખર શું છે અને તે કઈ દિશામાં જઈ રહી છે? નમસ્કાર છેલ્લા ઘણા દાયકાઓથી અમેરિકા હંમેશા ઈઝરાયલ માટે એક મોટા ભાઈ જેવું રહ્યું છે. પણ હવે આ ઐતિહાસિક સંબંધોમાં પહેલીવાર બહુ મોટી અને ઊંડી તિરાડ પડી રહી છે. ઈરાન યુદ્ધ કર્યા પછી ધાર્યા પરિણામો ન મળતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે એક નવી શાંતિ સમજૂતી કરી છે. અમેરિકાએ ઈઝરાયલને હવે સ્પષ્ટ અલ્ટીમેટમ આપી દીધું છે કે તમારે કોઈપણ ભોગે યુદ્ધ બંધ કરવું પડશે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે હમણા જ જાહેરમાં ઈઝરાયલને ખરીખોટી સંભળાવી દીધી. તેમણે અત્યંત આકરા શબ્દોમાં સ્પષ્ટ કહ્યું કે, વાન્સનો આ ઈશારો એકદમ સાફ હતો કે જો અમેરિકા આજે હથિયારો અને આર્થિક મદદ આપવાનું બંધ કરે, તો ઈઝરાયલ માટે આગળ લડવું બહુ મુશ્કેલ બની જશે. અમેરિકાની સરકાર હવે પોતાના દેશના કરદાતાઓના હજારો ડોલર કોઈ વિદેશી યુદ્ધોમાં વેડફવા બિલકુલ માંગતી નથી. સૈન્ય બળથી બધા ઉકેલ ન લાવી શકાય તેવું અમેરિકાનું સ્પષ્ટ માનવું છે. નેતન્યાહુએ ‘ઈન્ડિયન કાર્ડ’ કેમ રમ્યું? જ્યારે જે.ડી. વાન્સે ઈઝરાયલને ઈન્ટરનેશનલ મંચ પર નબળું દેખાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ શાંત ન બેઠા. તેમણે અમેરિકાને એક સચોટ જવાબ આપવા માટે સીધું ભારતનું નામ આગળ કરી દીધું. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે, નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર સામાન્ય ભારતીયોના પ્રચંડ સમર્થનનો પણ ખૂબ ગર્વભેર ઉલ્લેખ કર્યો. આ કોઈ સામાન્ય લાગણીશીલ નિવેદન નહોતું. અમેરિકા માટે આ એક બહુ મોટો અને સીધો ડિપ્લોમેટિક મેસેજ હતો. ઈઝરાયલ કહેવા માંગે છે કે જો અમેરિકા તેમનો સાથ છોડશે, તો તેઓ ભારત જેવા શક્તિશાળી દેશ સાથે પોતાના સંબંધો વધુ મજબૂત કરી શકે છે. આજે આંકડાઓ કહે છે કે ભારત ઈઝરાયલનો સૌથી મોટો હથિયારો ખરીદનાર દેશ છે. વધુમાં, ઈઝરાયલ હવે સાયબર સિક્યોરિટી અને ટેકનોલોજીના માધ્યમથી નવા વિશ્વાસુ ભાગીદારો શોધી રહ્યું છે. મારે શું? ગુજરાતને શું ફેર પડશે? હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ સાંભળીને તમને એમ થતું હશે કે, “અમેરિકા અને ઈઝરાયલ ભલે લડતા, તેમાં મારે શું? આપણા ગુજરાતને આનાથી શું ફેર પડે?” પણ, બહુ મોટો ફેર પડે છે. આપણા દેશના સામાન્ય નાગરિકની થાળીનો સીધો સંબંધ આ વિદેશી ઘટનાઓ સાથે જોડાયેલો છે તે આપણે સમજવું જ પડશે. ચાલો આને એકદમ સીધા અને સામાન્ય ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે અમદાવાદ, રાજકોટ કે સુરતમાં રહો છો અને રોજ સવારે ઓફિસે જવા માટે તમારી બાઈક કે કારમાં પેટ્રોલ પુરાવો છો. અથવા તો તમે સૌરાષ્ટ્રના એક ખેડૂત છો જેમને પાક માટે ખાતરની જરૂર છે. મિડલ ઈસ્ટમાં જ્યારે પણ મિસાઈલો અને ગોળીઓ ચાલે છે, ત્યારે હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલ અને ગેસના જહાજો અટકી જાય છે. આ એ જ રસ્તો છે જ્યાંથી દુનિયાનું 20-22 ટકા તેલ અને આપણો સૌથી મહત્વનો ગેસ પસાર થાય છે. જો ત્યાં સપ્લાય જરા પણ અટકે, તો સીધી જ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આપણા શહેરોમાં ભડકે બળવા લાગે છે. પેટ્રોલ મોંઘુ થાય એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે. જેના લીધે શાકભાજીથી લઈને દૂધ અને કરિયાણા સુધી બધું જ મોંઘુ થાય છે. આ સિવાય, જો સુરતની વાત કરીએ તો, સુરતના હીરા વેપારીઓનો એક બહુ મોટો બિઝનેસ ઈઝરાયલ અને ગલ્ફ દેશો સાથે સીધો જોડાયેલો છે. જો ત્યાં યુદ્ધને કારણે આર્થિક મંદી આવે, તો અહીં ગુજરાતમાં લાખો લોકોની રોજગારી અને વેપાર પર તેની સીધી નેગેટિવ અસર પડે છે. ઉપરથી આપણે બધા જ જાણીએ છીએ સુરતમાં રત્ન કલાકારોના ઘણા સમયથી કેવા કપરા હાલ છે. આ એક બહુ મોટો અને વાસ્તવિક ખતરો છે જે આપણા ઘર સુધી પહોંચી શકે છે. ખતરા વચ્ચે ભારત માટે મોટી તક પણ, જ્યાં એક મોટો ખતરો હોય છે, ત્યાં હંમેશા એક નવી તક પણ ઊભી થતી હોય છે. માત્ર ડરી જવાની જરૂર નથી. આ કટોકટીમાં ભારત સરકાર બહુ જબરદસ્ત અને કાળજીપૂર્વકની રમત રમી રહી છે. જ્યારે આખી દુનિયા બે ભાગમાં વહેંચાઈને કોઈ એક પક્ષ લઈ રહી છે, ત્યારે આપણો દેશ સંપૂર્ણપણે તટસ્થ રહ્યો છે. આપણી આ બેલેન્સિંગ વિદેશ નીતિએ ખરેખર કમાલ કરી છે. આને જ કહેવાય સાચી અને પરિપક્વ કૂટનીતિ. પણ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું અમેરિકાના આ પ્રચંડ દબાણ વચ્ચે ઈઝરાયલ ખરેખર નમતું જોખશે? અને જો ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર ઈઝરાયલને આર્થિક મદદ કરવાનું બંધ કરી દે, તો ભારત પાસે આગળ શું પ્લાન બી છે? શું ભારત આ ઐતિહાસિક તકનો ફાયદો ઉઠાવી શકશે? ટ્રમ્પનો પાવર પ્લે: “બધા જાણે છે બોસ કોણ છે!” થોડા દિવસો પહેલા જ અમેરિકી મીડિયા એક્સિઓસ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ સૂચક વાત કરી. જ્યારે તેમને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ટ્રમ્પે એકદમ આત્મવિશ્વાસથી હસીને કહ્યું, આ નાનકડું વાક્ય બહુ મોટો ઈશારો કરે છે. ટ્રમ્પ સ્પષ્ટ કહેવા માંગે છે કે અમેરિકા અને ઈઝરાયલનો સંબંધ હવે કોઈ ભાવનાત્મક કે જૂની દોસ્તીનો નથી, પણ એક બિઝનેસ ડીલ જેવો છે. પૈસા અને હથિયાર અમેરિકા આપે છે, એટલે નિર્ણય પણ અમેરિકાનો જ ચાલશે. પ્રમુખના જન્મદિવસનો બોમ્બમારો અને ગુસ્સો પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે ટ્રમ્પના સલાહકારો નેતન્યાહુથી બહુ જ નારાજ છે. વાત એમ બની કે જ્યારે અમેરિકા ઈરાન સાથે શાંતિ વાટાઘાટો કરી રહ્યું હતું, બરાબર એ જ સમયે અને તે પણ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસે જ ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર ભયંકર બોમ્બમારો કરી દીધો! આ ઘટનાથી ટ્રમ્પનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અહેવાલો મુજબ, ફોન પર ટ્રમ્પે નેતન્યાહુને કથિત રીતે ગાંડા કહી દીધા હતા. લગભગ ટ્રમ્પ હવે બરોબર સમજી ગયા કે નેતન્યાહુ પોતાના રાજકીય ફાયદા માટે અમેરિકાને એક મોટા અને અનંત યુદ્ધમાં ધકેલી રહ્યું છે. ઈઝરાયલની જીદ: “અમારે મફત મદદ નથી જોઈતી!” અમેરિકાની દાદાગીરી સામે હવે ઈઝરાયલે પણ બાયો ચડાવી છે. અત્યારે અમેરિકા દર વર્ષે ઈઝરાયલને 3.8 અબજ ડોલર એટલે કે અંદાજે 31 હજાર કરોડ રૂપિયાની મફત સૈન્ય મદદ આપે છે. આ કરાર 2028માં પૂરો થઈ રહ્યો છે. ટ્રમ્પ સરકાર તેને રિન્યુ કરવામાં આનાકાની કરી રહી છે. આના જવાબમાં નેતન્યાહુએ એક બહુ મોટો અને સાહસિક દાવ ખેલ્યો છે. તેમણે જાહેરમાં કહી દીધું કે: ઈઝરાયલના કટ્ટરપંથી મંત્રીઓ જેમ કે ઈતામાર બેન-ગ્વિરે પણ ચોખ્ખું કહી દીધું છે કે અમેરિકા ભલે ગમે તેટલું દબાણ કરે, અમે લેબનોનમાંથી આપણી સેના પાછી નહીં ખેંચીએ. જો સેના પાછી ખેંચીએ, તો ઉત્તર ઈઝરાયલમાં રહેતા આપણા સામાન્ય નાગરિકો અને બાળકો પર હિઝબુલ્લાહ ફરીથી રોકેટ મારો શરૂ કરી દેશે. ભારત માટે મોટી તક: હથિયાર બજારનો ખેલ હવે વિચારો કે જો ઈઝરાયલ અમેરિકાની આર્થિક મદદ લેવાનું બંધ કરે, તો પોતાના સૈનિકો અને હથિયારોનો ખર્ચ કાઢવા માટે તેણે શું કરવું પડે? સીધી વાત છે પોતાના ઘાતક હથિયારો અને ડ્રોન ટેકનોલોજી દુનિયાને વેચવી પડે! અને અહીં જ આપણું ભારત સૌથી મોટો ખેલાડી બનીને ઉભરે છે. આ ભારત માટે એક બહુ મોટી સુવર્ણ તક છે. જો અમેરિકા ઈઝરાયલને દબાવશે, તો ઈઝરાયલ ભારતને વધુ સસ્તા અને અત્યાધુનિક શસ્ત્રો તેમજ ટેકનોલોજી આપવા તૈયાર થઈ જશે. આનાથી આપણી લશ્કરી તાકાત અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને મોટું બળ મળશે. ખમેનીનું મોત અને અમેરિકાની ‘શાંતિની ભીખ’ આ આખી લડાઈમાં ઈરાન ક્યાં ઊભું છે? ફેબ્રુઆરીમાં થયેલા સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનીનું મોત થયું હતું. ટ્રમ્પનો દાવો છે કે આ હુમલા પછી ઈરાન હવે અંદરથી તૂટી ગયું છે અને શાંતિ સમજૂતી કરવા માટે “ભીખ માંગી રહ્યું છે”. બંને દેશો વચ્ચે એક સમયે 60 દિવસનો યુદ્ધવિરામ ચાલ્યો હતો. પરંતુ આ 60 દિવસની વાટાઘાટો નિષ્ફળ ગઈ. જો ઈરાન ફરીથી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દે, તો ગુજરાતના બંદરો અને ભારતીય અર્થતંત્ર પર તેનો કેટલો મોટો બોજ પડશે? અને ભારત ચાબહાર પોર્ટમાં રોકેલા પોતાના કરોડો ડોલર કેવી રીતે બચાવશે? ઈઝરાયલનો દોસ્ત અને ઈરાનનો પણ પાક્કો સાથી? તમે ક્યારેય એવું જોયું છે કે બે કટ્ટર દુશ્મનો એકબીજાના લોહીના તરસ્યા હોય, પણ એ બંનેનો એક કોમન અને અત્યંત પાક્કો મિત્ર હોય? આંતરરાષ્ટ્રીય રાજકારણના આ અત્યંત અઘરા અને જટિલ મેદાનમાં આવું અશક્ય લાગતું કામ અત્યારે આપણો દેશ ભારત કરી રહ્યો છે. એક તરફ આપણે ઈઝરાયલના સૌથી મોટા ડિફેન્સ ગ્રાહક છીએ અને ત્યાંથી અબજો રૂપિયાના અદ્યતન હથિયારો ખરીદીએ છીએ. પણ બીજી તરફ, ઈઝરાયલના સૌથી મોટા અને કટ્ટર દુશ્મન એટલે કે ઈરાન સાથે પણ ભારતે બહુ મોટી અને ઐતિહાસિક વેપારી ડીલ કરી છે. આ કોઈ નાની-સૂની ડીલ નથી. આ એક એવો શાનદાર માસ્ટરસ્ટ્રોક છે જેણે પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ કરી દીધી છે. ચાબહાર પોર્ટ: ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ ચીન બહુ લાંબા સમયથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર અબજો રૂપિયાનું જંગી રોકાણ કરીને બેઠું છે. તેમનો મુખ્ય પ્લાન દરિયાઈ માર્ગે ભારતને ઘેરવાનો છે. આ ખતરાની સામે ભારતે એક બહુ જબરદસ્ત અને સાયલન્ટ કૂટનીતિક ચાલ રમી. આપણે સીધા ઈરાનમાં જઈને ચાબહાર પોર્ટ વિકસાવવાનું શરૂ કરી દીધું. હમણા જ, મે 2024માં ભારતે ઈરાન સાથે આ પોર્ટ ચલાવવા માટે પૂરા 10 વર્ષનો એક મજબૂત કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આ પ્રોજેક્ટમાં ભારતે આશરે 370 મિલિયન ડોલર એટલે કે હજારો કરોડ રૂપિયાનું જંગી રોકાણ અને મોટી ક્રેડિટ લાઇન આપી છે. જરા વિચારો! રાજકોટના કોઈ એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવતા ઉદ્યોગપતિ કે સુરતના ટેક્સટાઇલ વેપારીએ પોતાનો માલ મધ્ય એશિયા કે રશિયા મોકલવો હોય, તો પહેલા પાકિસ્તાન હંમેશા નડતું હતું. જો ચાબહાર પોર્ટ બની જાય તો તેના મારફતે આપણો માલ સીધો, સુરક્ષિત અને સસ્તામાં ત્યાં પહોંચી શકે છે. આ માત્ર એક આંતરરાષ્ટ્રીય સરકારી કરાર નથી, આ આપણા ગુજરાતી અને ભારતીય વેપારીઓ માટે એક બહુ મોટો અને નફાકારક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અમેરિકાની આકરી ધમકીઓ અને આપણી મક્કમતા પણ અહીં એક બહુ મોટો અને ખતરનાક ટ્વિસ્ટ છે. જેવું ભારતે ઈરાન સાથે આ 10 વર્ષનું એગ્રીમેન્ટ સાઈન કર્યું, તરત જ અમેરિકા ભડકી ગયું. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર રીતે એવી ખુલ્લી ધમકી આપી દીધી કે, “જો કોઈ પણ દેશ ઈરાન સાથે સીધો વેપાર કરશે, તો અમે તેના પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવીશું.” પણ ભારતે પણ જવાબ આપ્યો. આપણે પોતાની ઊર્જા સુરક્ષા અને પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને અમેરિકાની આ ધમકીને જરા પણ ગણકારી નહિ. અને આ નીડર નીતિનું પરિણામ શું આવ્યું? પેટ્રોલ અને રાંધણ ગેસનું અદભૂત ગણિત આપણે અહીં વાત કરી રહ્યા છીએ હોર્મુઝની સામુદ્રધુનીની. આ દુનિયાનો એક એવો અત્યંત સાંકડો દરિયાઈ રસ્તો છે, જ્યાંથી આખી દુનિયાના તેલનો 20-22 ટકા હિસ્સો રોજ પસાર થાય છે. આપણા દેશના ઘરોમાં જે રાંધણ ગેસ એટલે કે LPG કે મોટી ફેક્ટરીઓમાં વપરાતો LNG ગેસ આવે છે, તેનો સૌથી મોટો જથ્થો આ જ રસ્તેથી આવે છે. 2025ના આંતરરાષ્ટ્રીય આંકડા મુજબ 110 અબજ ઘન મીટર ગેસ અહીંથી જ નીકળ્યો છે. જો ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં આ રસ્તો ભૂલથી પણ બંધ થઈ જાય, તો આપણા ઘરમાં ગેસનો બાટલો રાતોરાત 500 રૂપિયા મોંઘો થઈ શકે છે! પણ ભારતે બહુ જ સ્માર્ટલી હાઈ લેવલથી ચર્ચાનો દોર ચલાવીને આ રસ્તો ખુલ્લો અને સુરક્ષિત રાખ્યો છે. આપણે માનવતાવાદી સહાયના નામે ઈરાન પાસેથી સસ્તો ગેસ પણ ખરીદ્યો અને દેશના ખેડૂતો માટે અતિ મહત્વના ખાતરની કોઈ જ મોટી અછત પણ ન સર્જાવા દીધી. 90 લાખ ભારતીયો અને આરબ દેશોનું શું થશે? હવે આ જિયોપોલિટિકલ ચેસબોર્ડ પર એક ત્રીજો અને સૌથી નાજુક ખેલાડી પણ છે – આરબ દેશો (જેવા કે UAE અને સાઉદી અરેબિયા). ભારતે માત્ર ઈઝરાયલ કે ઈરાન સાથે જ નહિ, પણ આ ગલ્ફ દેશો સાથે પણ અત્યંત પાક્કી દોસ્તી અને મોટા વ્યાપારી સંબંધો જાળવી રાખ્યા છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મિડલ ઈસ્ટમાં આપણા 90 લાખ જેટલા ભારતીયો વસે છે. એમાં આપણા ગુજરાતના પણ હજારો યુવાનો ત્યાં સારી નોકરી અને વ્યવસાય કરે છે. આ 90 લાખ લોકો દર વર્ષે અબજો રૂપિયા કમાઈને પાછા ભારતમાં મોકલે છે, જે આપણા અર્થતંત્રનો મોટો આધાર છે. જો ત્યાં કોઈ ભયંકર યુદ્ધ વકરે, તો આ 90 લાખ લોકોની નોકરીઓ અને જીવનું શું થશે? જો ભારત ખુલ્લેઆમ માત્ર ઈઝરાયલને જ સપોર્ટ કરી દે, તો આરબ દેશો ભારે નારાજ થઈ શકે છે અને આપણા લોકોની રોજગારી પર સીધું અને બહુ મોટું જોખમ આવી શકે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે, ભારત આ ત્રિપાંખીયા જંગમાં એટલે કે ઈઝરાયલ, ઈરાન અને આરબ દેશો વચ્ચે પોતાનું અદભૂત સંતુલન કેવી રીતે જાળવી રહ્યું છે? ભવિષ્યમાં જો ખરેખર વર્લ્ડ વોર જેવી ગંભીર સ્થિતિ સર્જાય તો ભારતનો અલ્ટીમેટ માસ્ટર પ્લાન શું છે? ભારતની જાદુઈ અને અદભૂત વિદેશ નીતિ આનો જવાબ વિદેશ નીતિના એક બહુ જ ભારેખમ કૂટનીતિક શબ્દમાં છુપાયેલો છે, જેને આંતરરાષ્ટ્રીય ભાષામાં ડી-હાઇફનેશન કહેવામાં આવે છે. ચાલો, આ અઘરા શબ્દને ગોખવાને બદલે એકદમ સાદી અને આપણી રોજબરોજની દેશી ભાષામાં સમજીએ. ધારો કે તમારા બે ખાસ મિત્રો છે, પણ એ બંને એકબીજાના કટ્ટર દુશ્મન છે અને એકબીજાને મારવા પર ઉતારુ છે. આવી કપરી સ્થિતિમાં સામાન્ય રીતે લોકો શું કરે? કાં તો એકનો સાથ છોડી દે, અથવા કોઈ એક પક્ષે જોડાઈ જાય. દુનિયાના મોટાભાગના દેશો વર્ષોથી આવું જ કરતા આવ્યા છે. પણ હાલના સમયમાં ભારતે આખી ગેમ બદલી નાખી છે. આપણે ઈઝરાયલને આંખમાં આંખ નાખીને સ્પષ્ટ કહી દીધું છે કે, “ભાઈ, અમે તમારી સાથે એડવાન્સ ડ્રોન, મિસાઈલ અને ટેકનોલોજીનો કરોડોનો વેપાર ચોક્કસ કરીશું, પણ એનો અર્થ એ બિલકુલ નથી કે અમે તમારા દુશ્મન ઈરાન સાથે અમારા ઐતિહાસિક સંબંધો તોડી નાખીશું.” આપણે દરેક દેશ સાથે માત્ર આપણા દેશને થતા સીધા ફાયદા-ગેરફાયદાના આધારે અલગ-અલગ અને સ્વતંત્ર સંબંધો રાખીએ છીએ. આ જ જાદુઈ કારણ છે કે આજે ઈઝરાયલના વડાપ્રધાન પણ જાહેરમાં ભારતના વખાણ કરે છે, અને આરબ દેશોના શક્તિશાળી શેખ પણ આપણા નેતૃત્વને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ આપે છે. અમેરિકાનો ‘બ્લેન્ક ચેક’ હવે બાઉન્સ થશે! હવે આખી દુનિયાના રાજનીતિજ્ઞોની નજર એ વાત પર મંડાયેલી છે કે ભવિષ્યમાં શું થશે? જે.ડી. વાન્સની ઈઝરાયલને આપવામાં આવેલી ખુલ્લી ચેતવણી અને ડોનાલ્ડ ટ્રમ્પનો “અમેરિકા બોસ છે” વાળો ઘમંડી વલણ એક બહુ મોટી ઐતિહાસિક વાત તો સાબિત કરી જ દે છે. એ વાત એ છે કે અમેરિકા હવે ભૂતકાળની જેમ ઈઝરાયલને આંખો બંધ કરીને બ્લેન્ક ચેક, અબજો ડોલરની આર્થિક સહાય કે મફતના શસ્ત્રો આપવા બિલકુલ તૈયાર નથી. અમેરિકાનું પૂરું રણનીતિક ધ્યાન હવે મિડલ ઈસ્ટના કંટાળાજનક યુદ્ધોમાંથી હટીને સીધું ચીન તરફ અને એશિયા પર ગયું છે. અમેરિકા ઈચ્છે છે કે હવે ઈઝરાયલ પોતાના પ્રાદેશિક ઝઘડાઓ જાતે જ ઉકેલે અને અમેરિકાના વૈશ્વિક શાંતિ અને અર્થતંત્રના એજન્ડામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ન કરે. ભારત: દુનિયાનું નવું ‘શોક એબ્સોર્બર’ આ જ અત્યંત વિકટ પરિસ્થિતિમાં નેતન્યાહુએ ખૂબ જ ચતુરાઈપૂર્વક અને ગણતરીપૂર્વક જે “ઈન્ડિયન કાર્ડ” રમ્યું છે, તે ભારતીય ડિપ્લોમસી માટે એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય જીત છે. ઈઝરાયલ દુનિયાને એ મેસેજ આપી રહ્યું છે કે જો અમેરિકા ભવિષ્યમાં પાછળ હટશે, તો ઈઝરાયલ પાસે એશિયાની સૌથી ઝડપથી ઉભરતી મહાસત્તા એટલે કે ભારતનો અત્યંત મજબૂત સથવારો છે. ભારતનું 140 કરોડ લોકોનું વિશાળ બજાર, આપણી ડિજિટલ તાકાત અને સંરક્ષણ બજેટ ઈઝરાયલ માટે લાંબા ગાળાનું શોક એબ્સોર્બર બની શકે છે. આ રણનીતિથી ઈઝરાયલ ભવિષ્યમાં અમેરિકા પરની પોતાની સંપૂર્ણ નિર્ભરતા ચોક્કસથી ઘટાડી શકે છે. બીજી તરફ આનાથી ભારતના યુવાનો અને ગુજરાતના MSME ઉદ્યોગો માટે ડિફેન્સ સેક્ટરમાં હજારો નવી રોજગારીની શાનદાર તકો ખુલી શકે છે. જોખમ હજુ ટળ્યું નથી: સામાન્ય ગુજરાતીની ચિંતા આ બધું સાંભળીને આપણને ગર્વ થાય એ સ્વાભાવિક છે, પણ આપણે બહુ હરખાઈ જવાની કે જમીની વાસ્તવિકતાથી ગાફેલ રહેવાની બિલકુલ જરૂર નથી. મિડલ ઈસ્ટનો આખો વિસ્તાર આજે પણ બારૂદના જીવતા ઢગલા પર બેઠો છે. જરા આંખો બંધ કરીને વિચારો એ સામાન્ય ગુજરાતી પરિવારનું, જેનો એકનો એક દીકરો કે ભાઈ દુબઈ, ઓમાન કે સાઉદી અરેબિયામાં એન્જિનિયર, ડૉક્ટર કે સામાન્ય કામદાર તરીકે નોકરી કરે છે. જો ત્યાં નાનકડી પણ ચિનગારી ઝરે અને એક ભયંકર પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળે, તો આપણી આખી સપ્લાય ચેન ખોરવાઈ જશે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે અને ત્યાં વસતા આપણા 90 લાખ જેટલા પ્રવાસી ભારતીયોના જીવ સીધા જોખમમાં મુકાઈ જશે. આ એક નગ્ન વાસ્તવિકતા છે કે ભારત માટે આખી સ્થિતિ એક તલવારની ધાર પર ચાલવા જેવી અને અત્યંત નાજુક છે. નવી વિશ્વ વ્યવસ્થાનો નવો ઉદય આપણે જેટલી પણ વાતો કરી તેનો સીધો મતલબ એવો થાય છે કે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતો જ નથી. આ રમતમાં માત્ર અને માત્ર દેશના પોતાના રાષ્ટ્રીય હિતો જ કાયમી હોય છે. એક બાજુ ઈરાનમાં આપણા કરોડો રૂપિયાના રોકાણવાળું અને વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ હોય, બીજી તરફ આરબ દેશો સાથે આપણી હજારો કરોડની તેલની અતૂટ ભાગીદારી હોય, કે પછી સામે પક્ષે ઈઝરાયલ સાથે આપણી એડવાન્સ હથિયારો અને સાયબર સિક્યોરિટીની ડીલ હોય! આજના સમયમાં ભારત દુનિયામાં એકમાત્ર એવો દેશ બની ગયો છે જે આ બધા જ મોરચે એકસાથે અને સમાન ગતિથી દોડી રહ્યો છે. આવનારી નવી વર્લ્ડ ઓર્ડરમાં ભારત હવે માત્ર બે દેશો વચ્ચે સમાધાન કરાવનાર એક સામાન્ય દેશ નથી રહ્યો, પણ તે વૈશ્વિક મંચ પર પોતાની શરતો પર નિર્ણયો લેનારી એક નિર્ણાયક મહાસત્તા બની ચૂક્યો છે. અને છેલ્લે… આપણે સૌ જાણીએ છીએ કે હમણા ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતોલ્લાહ સૈયદ અલી ખામૈની અંતિમ યાત્રામાં ભારતે હાજરી આપી હતી જે બદલ ઈરાને ભારતીયોનો આભાર માન્યો છે. કહેવાનો મતલબ એ છે કે ઈઝરાયલ અને ઈરાન બંને દુશ્મનો છે છતાં પણ બંનેના ભારત સાથે ખાસ સંબંધો છે. આ છે ભારતની વિદેશ નીતિ. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે, જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
