Editor’s View Kailash Mansarovar Yatra Disrupted; Nepals Balen Shah Controversy

Last Updated: May 7, 2026By

નવી વહુ ઠામ વધારે ખખડાવે. આ કહેવત નેપાળમાં લાગૂ પડે છે. નેપાળમાં આવેલી નવીસવી બાલેન સરકારે કૈલાસ માનસરોવર યાત્રા અટકાવવા હવાતિયાં શરૂ કરી દીધાં છે. જોકે ભારતે પણ કડક જવાબ ચોપડાવી દીધો છે. નેપાળે શું રોડાં નાખવાની કોશિશ કરી, કૈલાસ માનસરોવરનો આખો વિવાદ

.

નમસ્કાર,

કૈલાસ રહસ્યમયી પર્વત છે. બૌદ્ધ ગ્રંથોમાં તેને બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ કહેવાયું છે. ઋગ્વેદમાં લખાયું છે કે હિમાલયનું સૌથી પવિત્ર શિખર કૈલાસ છે. અહીં શિવજીનો નિવાસ છે. આ કૈલાસ પર્વતના દર્શન કરવા માટે ભારતમાંથી દર વર્ષે લાખો લોકો જવા માટે તલપાપડ બને છે પણ કેટલાક લોકોને જ જવાની છૂટ મળે છે. કૈલાસ માનસરોવર જવાના બે રસ્તા છે. પહેલો રસ્તો સિક્કીમના નાથુલા પાસથી જાચ છે અને બીજો રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ પાસથી જાય છે. નેપાળ એવું કહે છે કે આ લિપુલેખ પાસ અમારો છે. અહીંથી પસાર થવું હોય તો અમને પૂછવું પડે.

જીવનમાં એકવાર કૈલાસના દર્શન થઈ જાય તો જન્મારો સફળ થઈ જાય, એવું મનાય છે પણ કૈલાસ સુધી પહોંચવું બરફમાં અગ્નિ પરીક્ષા જેવું છે.

પહેલા જાણો, નેપાળે લિપુલેખ રસ્તા વિશે શું કહ્યું?

નેપાળની બાલેન સરકારના વિદેશ મંત્રાલયે ભારત સરકારને લેખિત જાણ કરી. લેટરમાં લખેલું હતું કે ભારતના યાત્રાળુઓ કૈલાસ માનસરોવર જાય તો લિપુલેખના રસ્તેથી ન જાય. કારણ કે આ નેપાળનો ભાગ છે. આ જ વાત તેણે ચીનને પણ કરી છે. ચીનના નાગરિકોએ કૈલાસ જવું હોય તો લિપુલેખ થઈને નહીં જવાનું. લિપુલેખ એ જગ્યા છે જ્યાં ત્રણ દેશોની સરહદ મળે છે. નેપાળ, ચીન અને ભારતનું ઉત્તરાખંડ. આ લિપુલેખ આસપાસ બીજા બે એરિયા છે. જે ભારતનો ભાગ છે પણ નેપાળ તેને પોતાનો ભાગ ગણાવતું રહ્યું છે. આ બે એરિયામાં એક છે લિમ્પિયાધુરા અને બીજો છે કાલાપાની. લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની આ ત્રણેય વિસ્તારો છે ભારતનો ભાગ પણ નેપાળ તેને પોતાનો ગણાવે છે.

સવાલ એ છે કે નેપાળે એવું કેમ કહ્યું કે, કૈલાસ માનસરોવર જવું હોય તો લિપુલેખથી નહીં જવાનું? નેપાળે આનું કારણ 210 વર્ષ પહેલાંની સંધિ ગણાવી છે. 1816માં થયેલી સંધિ, જેને સુગોલી સંધિ કહે છે.

નેપાળ 210 વર્ષ પહેલાંની સુગોલી સંધિની વાત કરે છે, તે શું છે?

  • અંગ્રેજો અને નેપાળના ગોરખા રાજા વચ્ચે 1816માં સુગોલી સંધિ થઈ હતી.
  • કાલી નદીને આધાર બનાવીને ભારત- નેપાળ સરહદ નક્કી થઈ હતી
  • પશ્ચિમ તરફની કાલી નદી નેપાળ- ઉત્તરાખંડની સરહદ અને પૂર્વ તરફની મેચી નદી નેપાળ- બિહારની સરહદ.
  • સુગૌલી બિહારના ચંપારણમાં સ્થિત એક શહેર છે. આ સંધિ પર અહીં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • મેચી નદીનો કોઈ વિવાદ નથી પણ વર્ષોથી પશ્ચિમની કાલી નદીનો વિવાદ ચાલતો આવે છે.

ભારત સરકારે નેપાળને કડક જવાબ આપી દીધો

ભારત સરકારે 30 એપ્રિલે જાહેરાત કરી કે કૈલાસ માનસરોવર યાત્રાને ફરી શરૂ કરવામાં આવી રહી છે. ચીન સાથે મળીને આ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા જૂનથી ઓગસ્ટ વચ્ચે થશે. તેમાં 50-50 લોકોની 10 બેચ ઉત્તરાખંડના લિપુલેખથી તિબેટ જશે. અને 50-50 લોકોની 10 બેચ સિક્કીમના નાથુલા પાસથી જશે. આ રીતે 1000 પ્રવાસીઓને છુટ મળશે.

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાંથી સંચાલિત થતી આ યાત્રાની પહેલી બેચ 4 જુલાઈએ દિલ્હીથી રવાના થશે. તે પહેલાં યાત્રીઓને 30 જૂનથી 3 જુલાઈ વચ્ચે દિલ્હીમાં મેડિકલ, ડોક્યુમેન્ટ અને બ્રીફિંગની પ્રક્રિયા પૂરી કરવી પડશે. આ વખતે યાત્રામાં સૌથી મોટો બદલાવ એ છે કે હવે આખી યાત્રા રોડથી થઈ શકશે. પહેલાં 60 કિલોમીટરથી વધુ પગપાળા ચાલવું પડતું હતું, ત્યાં હવે 38 કિલોમીટર જ ચાલવું પડશે. આખી યાત્રા 1738 કિલોમીટરની હશે, જેમાં મોટાભાગે વાહનથી જઈ શકાશે. ચાલવાનું ઓછું રહેશે.

ભારતે નેપાળને જવાબ આપી દીધો કે, વર્ષો પુરાણા આધાર વગરના ઐતિહાસિક તથ્યોને રજૂ કરીને નેપાળ લિપુલેખને પોતાનો ભાગ ગણાવી શકે નહીં. ભારતના યાત્રાળુઓ 1954થી આ જ રસ્તે કૈલાસ માનસરોવર જતા હતા. આમાં નવું કાંઈ નથી. ભારતના યાત્રાળુઓ લિપુલેખના માર્ગે થઈને જ જશે.

લિપુલેખ પાસ ક્યાં છે?

લિપુલેખ પાસ એ ભારત, નેપાળ અને ચીન ત્રણેય દેશોની સરહદ નજીક ઉત્તરાખંડ, ભારત અને ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સરહદ પર હિમાલયમાં એક મહત્ત્વપૂર્ણ જગ્યા છે. આ પાસ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાને તિબેટના પુરંગ (તકલાકોટ) શહેર સાથે જોડે છે. પ્રાચીન સમયથી વેપારીઓ, યાત્રાળુઓ અને સાધુઓ કૈલાસ માનસરોવર યાત્રા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. ભારત તરફથી લિપુલેખ સુધી પહોંચવા માટે પિથોરાગઢ-લિપુલેખ પાસ હાઇવે (PLPH)નો ઉપયોગ થાય છે.

2020માં નેપાળે ‘ગ્રેટર નેપાળ’નો મેપ જાહેર કર્યો

ભારત સરકારે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં તવાઘાટથી શરૂ થઈને લિપુલેખ પાસ સુધી રસ્તો બનાવ્યો. 8 મે 2020ના દિવસે તેનું ઉદ્દઘાટન થયું. નેપાળ નારાજ થયું. 2020ના ઓક્ટોબરમાં નેપાળે ‘ગ્રેટર નેપાળ’નો મેપ જાહેર કરી દીધો. ત્યારે કેપી શર્મા ઓલીની સરકાર હતી. ઓલી ચીન તરફ ઝુકેલા હતા ને બાલેનનો ઝુકાવ પણ ચીન તરફી છે. ઓલીએ જે ગ્રેટર નેપાળનો મેપ જાહેર કર્યો તેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની ત્રણેય વિસ્તારો નેપાળમાં બતાવ્યા.

એ પછી 20 ડિસેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દવાનીમાં જાહેર કાર્યક્રમમાં કહેલું કે ભારતે ટનકપુર-પિથૌરાગઢ ‘ઓલ વેધર રોડ’ બનાવ્યો છે ને સાથે લિપુલેખ સુધી રસ્તો બનાવ્યો છે. હવે તેને માનસરોવર સુધી આગળ વધારવા કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાનના આ નિવેદન અંગે અગાઉ નેપાળની ગઠબંધન સરકાર ચૂપ રહી હતી ઓલી સરકારે મોદીના સ્ટેટમેન્ટનો વિરોધ કર્યો. મોદીએ એમ પણ કહ્યું હતું કે, આ રસ્તો કૈલાસ માનસરોવર યાત્રાના શ્રદ્ધાળુઓ માટે જ બની રહ્યો છે.

ભારત સરકારે ઉત્તરાખંડથી લિપુલેખનો રસ્તો બનાવ્યો છે. હવે લિપુલેખથી આગળ નવો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેનો નેપાળે વિરોધ કર્યો છે.

ભારત સરકારે ઉત્તરાખંડથી લિપુલેખનો રસ્તો બનાવ્યો છે. હવે લિપુલેખથી આગળ નવો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેનો નેપાળે વિરોધ કર્યો છે.

લિપુલેખ સુધી અને આગળ પણ નવો રસ્તો બન્યો એટલે ચાલવાનું ઘટ્યું

આ વખતે કૈલાસ માનસરોવર યાત્રાનું કુલ અંતર 1738 કિલોમીટર હશે. તેમાં લગભગ 1690 કિલોમીટરની યાત્રા વાહનમાં અને માત્ર 38 કિલોમીટરના ટ્રેક પર ચાલવાનું રહેશે. 2019 પહેલાં ધારચુલાથી લિપુલેખ પાસ સુધી 60 કિલોમીટર ચાલવું પડતું હતું. રસ્તામાં ઓક્સિજનની અછત અને વિષમ પરિસ્થિતિઓને કારણે યાત્રા ઘણી કઠીન હતી. હવે ભારત અને ચીન બંને તરફ રસ્તા બન્યા પછી આ યાત્રા ઘણી સરળ બની ગઈ છે. સરહદીય વિસ્તાર સુધી વાહનો પહોંચવા લાગ્યા છે. વૃદ્ધો માટે અને ખાસ કરીને પહેલીવાર યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે કૈલાસ માનસરોવર પહોંચવું સરળ બન્યું છે.

કૈલાસ માનસરોવરની યાત્રા કઠીન છે…

ભારત-ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું ત્યારે ભારતના કૈલાસ અને માનસરોવરનો કબજો ચીને લઈ લીધો. આજે પણ કૈલાસ જવું હોય તો સિમલા જવા જેટલું આસાન નથી. ITBPના જવાનો, ચીનના સૈનિકો પચાસ પ્રકારનું ચેકિંગ કરે પછી જઈ શકાય. શ્રદ્ધાળુઓ માને છે કે જન્મારો સફળ કરવા જીવનમાં એકવાર કૈલાસ- માનસરોવરની યાત્રા કરવી જોઈએ. આ યાત્રા બેથી ત્રણ સપ્તાહ સુધી ચાલે છે (એનો આધાર તમે કયાંથી યાત્રા શરૂ કરો છો એના પર છે.) ઍરક્રાફ્ટ, જીપથી થોડે સુધી જવાય અને ઘણો વિસ્તાર પગપાળા પાર કરવો પડે છે.

ગયા વર્ષે પણ નેપાળે જૂનું ગીત ગાયું હતું

અમેરિકાએ ટેરિફ નાખ્યો એટલે ભારત- ચીન નજીક આવ્યા. બંને દેશોએ લિપુલેખના રસ્તે વેપાર કરવાનું નક્કી કર્યું એટલે નેપાળના પેટમાં તેલ રેડાયું. રાજનાથ સિંહે 8 મે 2025ના દિવસે લિપુલેખના રસ્તાના બીજા તબક્કાનું ઉદ્દઘાટન કર્યું, તેના બીજા દિવસે 9 મેએ નેપાળના વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને એના પર વાંધો ઉઠાવ્યો. એમાં દાવો કરવામાં આવ્યો હતો કે લિપુલેખ નેપાળના ભાગમાં આવે છે. આ રસ્તાનું બાંધકામ ખોટું છે. પ્રેસ રિલીઝમાં નેપાળે માર્ચ 1816ની સુગૌલી સંધિનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટૂંકમાં જ્યારે જ્યારે નેપાળને વાંધો પડે એટલે સુગોલી સંધિનું જૂનું ગીત ગાવા માંડે.

હવે વાત કૈલાસની કરીએ, આ પર્વતનું આટલું મહત્વ કેમ છે?

વર્ષોથી વંચાતું, સંભળાતું આવે છે કે કૈલાસ પર્વત પર કોઈ ચડી શકતું નથી. હા, અમુક લોકો 52 કિલોમીટરની પ્રદક્ષિણા કરી શક્યા છે. દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર અત્યારસુધીમાં 7000 લોકો ચડી ચૂક્યા છે, એની ઊંચાઈ 8848 મીટર છે, જ્યારે કૈલાસની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં 2000 મીટર ઓછી છે, એમ છતાં કોઈ ચડી શકયું નથી. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી કૈલાસ અડીખમ ઊભો છે.

હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મ માને છે કે કૈલાસ પવિત્ર છે, રહસ્યમયી છે. તિબેટ મઠના ગુરુઓ તો માને છે કે કૈલાસ પર્વત આસપાસ અલૌકિક શક્તિનો પ્રવાહ વહે છે. કૈલાસ પર ચડવાની વાત તો દૂર, કૈલાસની નજીક પહોંચ્યા પછી પણ મગજ શૂન્યાવકાશ થઈ જાય છે અને કોઈ અલૌકિક પ્રવાહનો અહેસાસ થાય છે. તિબેટના ત્રણ ભાગ છે. પૂર્વ તિબેટ, પશ્ચિમ તિબેટ અને મધ્ય તિબેટ. કૈલાસ અને માનસરોવર પશ્ચિમ તિબેટમાં છે.

અને છેલ્લે.. તિબેટિયન જ્યોતિષ દૌલત રાયપાએ લખ્યું છે કે, દર 60 વર્ષે અગ્નિ અશ્વ વર્ષનો દુર્લભ યોગ બને છે. આ વખતે આ યોગ બની રહ્યો છે. આ વર્ષે કૈલાસના એકવાર દર્શન કરો એટલે 12 ભવ તરી જાય એવી માન્યતા છે. એટલે જ આ વર્ષે ભારત જ નહીં, દુનિયાભરના શ્રદ્ધાળુ કૈલાસ પહોંચે તેવી સંભાવના છે.

સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.

આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.

(રિસર્ચઃ યશપાલ બક્ષી)