Gujarat Local Body Elections: BJP Faces Internal Rift After Ticket Distribution | Gujarat News

Last Updated: April 12, 2026By

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે પણ ભાજપમાં ક્યાંક ભડકાની સ્થિતિ છે તો ક્યાંક ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. ચૂંટણીમાં ભાજપના મોટા માથા ડેમેજ કંટ્રોલ માટે મેદાને આવ્યા છે. રાજ્યમાં સૌથી મોટા મહાનગર અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ટિકિટોની વહેંચણી બાદ ભાજપમાં કકળાટ હજી યથાવત છે.

જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતરવું પડ્યું

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉમેદવાર જાહેર થયા બાદ રાજ્યમાં સૌથી વધારે કકળાટ ક્યાંય હોય તો તે રાજકોટ મહાનગરમાં જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 18 વોર્ડ છે જેમાં 5 વોર્ડમાં સૌથી વધારે કકળાટ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ આહીર સમાજને ટિકિટ આપવામાં આવતા અન્ય સમજો નારાજ થયા છે. જેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતરવું પડ્યું છે. તેઓ આજે રાજકોટમાં જઈ સંગઠનના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠકો કરી કકળાટનો નિકાલ કરવા કવાયત કરી રહ્યા છે.

સુરતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પહોંચ્યા

આ પ્રકારની સ્થિતિ સુરતમાં પણ જોવા મળી છે. સુરતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પહોંચ્યા છે. જ્યાં પહેલા શપથ લેવડાવ્યા અને બાદમાં સંગઠનમાં ચાલતા કકળાટને કંટ્રોલ કરવા મથામણ કરી રહ્યા છે. સુરતના 30 વોર્ડ પૈકી 10 વોર્ડમાં નાનામોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ડેમેજ કંટ્રોલમાં લાગેલા છે.

ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ

તો રાજ્યની સૌથી મોટી 48 વોર્ડ ધરાવતી મહાનગર પાલિકા અમદાવાદ છે. જે પૈકી 3 વોર્ડમાં કકળાટ હોવાનું સામે આવ્યું છે. જેમાં સરદારનગર , ઈન્ડીયા કોલોની અને ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં શહેર મહામંત્રીઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. ચાંદખેડા વોર્ડમાં દર્શક ઠાકર બેઠકો કરી રહ્યા છે તો આ તરફ ઈન્ડીયા કોલોની અને સરદારનગર વોર્ડ માટે ગૌતમ કથીરીયા એક બાદ એક વોર્ડમાં નારાજ નેતાઓને બોલાવી તેના પ્રશ્નો સાંભળી રહ્યા છે.

માઠા પરિણામ ભોગવવા પડે એવી સ્થિતિ

સૂત્રો એ પણ કહી રહ્યા છે કે ઉમેદવાર પસંદગીમાં કેટલાક એવા ચહેરાઓને સ્થાન અપાયું કે જે નવા છે તો જુનાઓને સાઇડ પર રાખવામાં આવ્યા છે. ક્યાંક જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળી પુરવાર થતાં આખરે કકળાટ સામે આવી રહ્યો છે. જો ભાજપ આ આંતરિક અસંતોષ કાબૂ કરવામાં સફળ નહિ રહે તો ગત વખત કરતા માઠા પરિણામ ભોગવવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Rajkot News : ભાજપ માટે ખુદના પેટ્રોલ બાળી રાત દિવસ એક કર્યા છતાં કદર ના કરી, પ્રદેશ પ્રમુખ સમક્ષ મહિલા રડી પડી