આજની ભાગદોડભરી અને બદલાતી જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે. પરિણામે, નાની ઉંમરમાં પણ હૃદયરોગના હુમલા (Heart Attack) નું જોખમ ચિંતાજનક રીતે વધી ગયું છે. અનિયમિત ઊંઘ, જમવાનો કોઈ ચોક્કસ સમય ન હોવો અને જંક ફૂડનું વધુ પડતું સેવન આપણી હેલ્થને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. આ સિવાય આપણી કેટલીક રોજીંદી આદતો પણ હૃદયને સીધી અસર કરે છે. જો સમયસર આ આદતો સુધારવામાં ન આવે, તો સ્થિતિ ગંભીર બની શકે છે.
હદયનું જોખમ ઘટાડશે તમારી આ 4 આદતો
કાર્ડિયોલોજિસ્ટ્સ (હૃદયરોગના નિષ્ણાતો) નું માનવું છે કે, રોજ રાત્રે સૂતા પહેલા માત્ર થોડી મિનિટો પોતાના માટે ફાળવવાથી હૃદય અને મગજ બંનેનું સ્વાસ્થ્ય અદ્ભુત રીતે સુધરી શકે છે. નિષ્ણાતોએ એવી 4 સરળ આદતો જણાવી છે, જે તમને હૃદય સંબંધિત ગંભીર બીમારીઓથી બચાવી શકે છે.
1. ‘૪-૨-૬’ બ્રીધિંગ ટેકનિક અપનાવો : રાત્રે સૂતા પહેલા માત્ર પાંચ મિનિટ માટે ‘૪-૨-૬ શ્વાસ લેવાની પદ્ધતિ’ (Breathing Technique) નો અભ્યાસ કરો. 4 સેકન્ડ સુધી ઊંડો શ્વાસ લો, ૨ સેકન્ડ માટે શ્વાસને અંદર જ રોકી રાખો (Hold) અને પછી ૬ સેકન્ડ સુધી ધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો. આ પ્રાણાયામ જેવી પ્રક્રિયાથી હૃદયના ધબકારા સામાન્ય થાય છે, ફેફસાંની કાર્યક્ષમતા વધે છે અને વેગસ નર્વ (Vagus Nerve) સક્રિય થાય છે. તે માનસિક તણાવ ઓછો કરીને રાત્રે કટોકટ અને શાંત ઊંઘ લાવવામાં મદદ કરે છે.
2. ‘ડાર્કનેસ વિન્ડો’નો નિયમ લો : સૂવાના બરાબર ૧૦ મિનિટ પહેલા રૂમની લાઈટો તેમજ મોબાઈલ, લેપટોપ અને ટીવી જેવા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની સ્ક્રીન બંધ કરી દો. મેડિકલ ભાષામાં આને ‘ડાર્કનેસ વિન્ડો’ કહેવાય છે. સતત સ્ક્રીન સામે જોવાથી શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) નું સ્તર વધે છે, જે મગજને જગાડી રાખે છે અને ઊંઘને દૂર રાખે છે. સ્ક્રીનથી દૂર રહેવાથી શરીર આરામની સ્થિતિમાં આવે છે અને રક્તવાહિનીઓ પરનું દબાણ ઘટે છે.
3. ચેસ્ટ રિલેક્સેશન : પથારીમાં સૂતી વખતે માત્ર બે મિનિટ માટે તમારા બંને હાથને તમારી છાતી (હૃદય) પર રાખો અને લાંબા-ઊંડા શ્વાસ લો. આ એક ખૂબ જ પ્રભાવશાળી કસરત છે જે મન અને હૃદય બંનેને શાંત કરે છે. આનાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને આરામ મળે છે, ચિંતા (Anxiety) દૂર થાય છે અને હૃદયના ધબકારાનું સંતુલન જળવાય છે.
4. નવશેકું (હૂંફાળું) પાણી પીવો : સૂવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ ધીમે-ધીમે હૂંફાળું પાણી પીવાની આદત પાડો. હૂંફાળું પાણી શરીરને આખી રાત હાઇડ્રેટ રાખે છે અને પાચનક્રિયાને મજબૂત બનાવે છે. જો તમે ઈચ્છો તો હૂંફાળું દૂધ પણ પી શકો છો, પરંતુ પાણી સૌથી ઉત્તમ અને સરળ વિકલ્પ છે.
આ બાબતનું ખાસ ધ્યાન રાખો
લાંબા ગાળે હૃદયને તંદુરસ્ત રાખવા માટે આ નાની અને તંદુરસ્ત આદતો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો કે, જો તમને પહેલાથી જ હૃદય સંબંધિત કોઈ બીમારી હોય, ભૂતકાળમાં હાર્ટ એટેક આવી ચૂક્યો હોય અથવા અન્ય કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય, તો કોઈપણ નવી દિનચર્યા કે ટેકનિક શરૂ કરતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટર કે કાર્ડિયોલોજિસ્ટની સલાહ ચોક્કસ લો. હાર્ટના દર્દીઓએ તંદુરસ્તી માટે ખાનપાન અને જીવનશૈલી પર પણ ખાસ ધ્યાન આપવું. શક્ય બને તો તણાવથી દૂર રહેવું. આ માટે યોગ બેસ્ટ પદ્ધતિ છે.
આ પણ વાંચો : Pregnancy દરમિયાન Blood Pressure તપાસવું માતા અને બાળકની સલામતી માટે મહત્વપૂર્ણ કેમ?, જાણો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )