Health News : ડાયાબિટીસના દર્દીઓ માટે બટાકા ઝેર સમાન તો શું શક્કરિયા સલામત, જાણો હકીકત

Last Updated: February 23, 2026By

ભારતમાં ડાયાબિટીસ બીમારીના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. ટાઈપ-1 હોય કે ટાઈપ-2 બંને દર્દી માટે જોખમી છે. આ બીમારીમાં સંપૂર્ણપણે નિદાન થતું નથી પરંતુ પરેજી પાળી બ્લડ સુગર નિયંત્રણમાં રાખવામાં આવે છે. દેશમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અથવા તેમને બ્લડ સુગર અનિયંત્રિત છે. ડાયાબિટીસનું નિદાન થયા બાદ દર્દીને આહારમાં ધ્યાન તેમજ હળવી શારીરિક પ્રવૃતિ કરવાનું ડોક્ટર દ્વારા સૂચન કરાય છે. ડાયાબિટીસના દર્દીને સૌથી મૂંઝવતો પ્રશ્ન રહે છે ખોરાકમાં શું ખાવું. ખાસ કરીને જે લોકોને બટાકા અને શક્કરિયા વધુ પસંદ છે તેમના માટે આ બીમારી મોટો કોયડો બને છે.

ડાયાબિટીસ આહાર: બટાકા vs શક્કરિયા

ડાયાબિટીસના દર્દીઓ સ્વાસ્થ્ય સારું રાખવા નિયમિત પણે ડોક્ટરની મુલાકાત લેતા હોય છે. પરંતુ કયારેક લોકો દ્વારા કહેવાતી જૂદી-જુદી વાતો તેમના માટે મૂંઝવણ ઉભી કરે છે. કોઈ કહે કે ડાયાબિટીસમાં બટાકા ખાવા ઝેર સમાન છે તો કોઈ કહે કે જો આ લોકો શક્કરિયા ખાશે તો બ્લડ સુગર હંમેશા નિયંત્રણમાં રહેશે. તો શું ખરેખર દર્દીએ જીવનભર બટાકા ખાવાનું છોડી દેવું જોઈએ અથવા તો પછી દર્દી નિયમિત શક્કરિયા જ ખાવા પડશે. આમાં સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ડાયાબિટીસમાં ખાવાનો અર્થ એ નથી કે કંઈપણ સંપૂર્ણપણે છોડી દેવું.

બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખવું જરૂરી

આ બીમારીમાં બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે તે ખાસ જરૂરી છે. બ્લડ સુગરનું સ્તર ખોરાક કેટલી ઝડપથી ગ્લુકોઝમાં પચાય છે અને લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે તેના પર આધાર રાખે છે, જેને ગ્લાયકેમિક ઇન્ડેક્સ કહેવાય છે. GI જેટલું ઊંચું હશે, તેટલી ઝડપથી ખાંડનું સ્તર વધશે. આ જ કારણ છે કે બટાકા અને શક્કરિયાની સરખામણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બટાકા ડાયાબિટીસમાં નુકસાનકારક

બાફેલા બટાકા વધુ પડતા ખાવાથી બ્લડ સુગર પણ વધી શકે છે, કારણ કે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જોકે, બાફેલા અને ઠંડા બટાકા થોડા સારા માનવામાં આવે છે કારણ કે તેમાં સ્ટાર્ચનું સ્તર બદલાય છે. ભારતમાં બટાકાની ઘણી જાતો ઉગાડવામાં આવે છે, અને દરેક જાત શરીર પર અલગ અલગ અસર કરી શકે છે. કેટલીક જાતોમાં સ્ટાર્ચ હોય છે જે ધીમે ધીમે તૂટી જાય છે, જે ખાંડના ઝડપી વધારાને અટકાવે છે.

શક્કરિયા ડાયાબિટીસમાં બટાકા કરતાં સલામત

શક્કરિયામાં વિટામિન A, વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને ઇન્સ્યુલિનની અસરકારકતામાં સુધારો કરી શકે છે. શક્કરિયા મીઠા હોય છે, પરંતુ તેમની મીઠાશ શરીર પર અલગ રીતે અસર કરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે ખાંડને લોહીના પ્રવાહમાં વધુ ધીમેથી મુક્ત થવા દે છે. આ જ કારણ છે કે તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ બટાકા કરતા ઓછો હોય છે. એટલે જ ડાયાબિટીસમાં ઘણીવાર બટાકા કરતાં શક્કરિયા સલામત માનવામાં આવે છે. 

આ પણ વાંચો : Coffee પીવાથી તમારી ઉંમર ઓછી લાગી શકે છે, રિસર્ચેમાં થયો ખુલાસો, એજિંગ ઘટાડવામાં કોફી છે અસરકારક!

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )