Heart Problem : શું સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધુ છે? જાણો નિષ્ણાતોનો રિપોર્ટ

Last Updated: March 24, 2026By

આજના સમયમાં હાર્ટ એટેક એ સૌથી ગંભીર અને જીવલેણ સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે હૃદય સુધી પહોંચતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે, ત્યારે હાર્ટ એટેકની સ્થિતિ સર્જાય છે. સામાન્ય રીતે કોરોનરી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ, ચરબી અને અન્ય હાનિકારક પદાર્થો જમા થવાને કારણે આ બ્લોકેજ થાય છે, જેને તબીબી ભાષામાં ‘કોરોનરી આર્ટરી ડિસીઝ’ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં વધતા હાર્ટએટેકને લઈને સંસોધન હાથ ધરાયું હતું. જેમાં સામે આવ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ વધુ છે. આરોગ્ય નિષ્ણાતે આપ્યું કારણ કેમ પુરુષોમાં હૃદયરોગના વધુ શિકાર થઈ રહ્યા છે.

સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધુ 

નિષ્ણાતો અને મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, હાર્ટ એટેકની બાબતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ સ્ત્રીઓ કરતા વહેલું અને વધુ હોય છે. 

ઉંમરનો તફાવત: પુરુષોમાં પ્રથમ હાર્ટ એટેકની સરેરાશ ઉંમર 65 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓમાં તે 72 વર્ષની આસપાસ જોવા મળે છે. એટલે કે, સ્ત્રીઓમાં આ જોખમ લગભગ 10 વર્ષ મોડું શરૂ થાય છે.

એસ્ટ્રોજન હોર્મોનનો ફાયદો: નિષ્ણાતો માને છે કે મેનોપોઝ (માસિક ધર્મ બંધ થવા) પહેલા સ્ત્રીઓના શરીરમાં રહેલ એસ્ટ્રોજન હોર્મોન તેમના હૃદયને કુદરતી સુરક્ષા આપે છે.

વ્યસન અને તણાવ: પુરુષોમાં નશાકારક પદાર્થોનું સેવન સ્ત્રીઓની સરખામણીએ વધુ જોવા મળે છે. ઉપરાંત, પુરુષોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટની ક્ષમતા ઓછી હોવાને કારણે માનસિક દબાણ સીધું હૃદયને અસર કરે છે.

હાર્ટ એટેકના મુખ્ય કારણો

હૃદયરોગના હુમલા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે, જેને સમયસર ઓળખવા ખૂબ જરૂરી છે. બદલાયેલી જીવનશૈલી હાર્ટએટેકનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વધુ પડતું વજન (સ્થૂળતા), બેઠાડુ જીવન અને કસરતનો અભાવ લોકોમાં જોવા મળે છે. તો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવા તબીબી કારણો પણ જવાબદાર છે. સતત માનસિક તણાવ અને ચિંતાના કારણે હૃદય પર દબાણ વધે છે. તેમજ  તમાકુ, સિગારેટ અને દારૂનું સેવન કરવા જેવા વ્યસનો હૃદયને સીધું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત વધતી જતી ઉંમર અને આનુવંશિકતા એટલે કે ફેમિલી હિસ્ટ્રી પણ હાર્ટએટેકનું કારણ હોઈ શકે છે.

આ પણ વાંચો : Lifestyle : AC માં સૂતી વખતે ગળામાં કેમ થાય છે દુખાવો? આટલી સાવચેતી જરૂર રાખો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )