India Test ODI Squad 2026 Vs Afghanistan; Virat Kohli Rohit Sharma

Last Updated: May 19, 2026By

મુંબઈ3 કલાક પેહલા

  • કૉપી લિંક

અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મંગળવારે જાહેર કરાયેલી ટેસ્ટ ટીમમાંથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.

માનવ સુથાર, ગુરનૂર બરાર અને હર્ષ દુબેને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની વન-ડે ટીમમાં વાપસી થઈ છે.

અફઘાનિસ્તાનની ટીમ 6 જૂનથી ભારતના પ્રવાસે આવશે, જ્યાં બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ અને 3 વન-ડે મેચ રમાશે. વનડે મેચો ધર્મશાલા, લખનઉ અને ચેન્નઈમાં 14, 17 અને 20 જૂનના રોજ રમાશે.

બુમરાહ અને જાડેજાને ટેસ્ટમાંથી આરામ

વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને ટેસ્ટ ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે. રિષભ પંત અને ધ્રુવ જુરેલ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દેવદત્ત પડિક્કલની નંબર-3 પર વાપસી થઈ છે. તેની સાથે સાઈ સુદર્શન પણ છે. પડિક્કલ બે ટેસ્ટ રમી ચૂક્યા છે. તેણે છેલ્લી ટેસ્ટ 2024માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

ઈશાનની 3 વર્ષ પછી વન-ડે ટીમમાં વાપસી

વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની 3 વર્ષ પછી ભારતીય વન-ડે ટીમમાં વાપસી થઈ છે. તેણે છેલ્લી વન-ડે મેચ 11 ઓક્ટોબર 2023ના રોજ અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં રમી હતી. ઈશાન અત્યાર સુધી ભારત માટે 27 વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 42.40ની એવરેજ અને 102.19ના સ્ટ્રાઈક રેટથી 933 રન બનાવ્યા છે. ઈશાનના નામે વન-ડેમાં એક બેવડી સદી અને 7 અડધી સદી પણ નોંધાયેલી છે.

ગુરનૂર, સુથાર અને હર્ષને પહેલીવાર ટેસ્ટ ટીમમાં તક

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ગુરનૂર બરાર, માનવ સુથાર અને હર્ષ દુબેનો પહેલીવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના જોરે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

પંજાબના ફાસ્ટ બોલર ગુરનૂર બરારે 2024-25ની રણજી ટ્રોફી સીઝનમાં 7 મેચમાં 26 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યા હતા. 6 ફૂટ 4 ઇંચ લાંબા ગુરનૂર પોતાની એક્સ્ટ્રા બાઉન્સ અને સ્પીડ માટે જાણીતો છે. IPLમાં તે ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.

રાજસ્થાનના લેફ્ટ આર્મ સ્પિનર માનવ સુથાર સ્થાનિક ક્રિકેટમાં સતત પ્રભાવશાળી રહ્યો છે. 2022-23ની રણજી ટ્રોફીમાં તેમણે 39 વિકેટ ઝડપીને રાજસ્થાનના સૌથી સફળ બોલરનો રેકોર્ડ બનાવ્યો હતો. તે ઇન્ડિયા-એ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે અને IPLમાં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલો છે.

બીજી તરફ, વિદર્ભના ઓલરાઉન્ડર હર્ષ દુબેએ બોલ અને બેટ બંને વડે શાનદાર પ્રદર્શન કર્યું છે. ડાબા હાથના સ્પિનર હર્ષે સ્થાનિક રેડ-બોલ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

ભારતીય ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિક્કલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર, ગુરનૂર બરાર, હર્ષ દુબે અને ધ્રુવ જુરેલ.

ભારતીય વન-ડે ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દુબે.

Leave A Comment