IPL 2026 CSK MS Dhoni Role; Sanju Samson Entry Impact Player Surprise
સ્પોર્ટ્સ ડેસ્ક14 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેપ્ટન કૂલ નામથી જાણીતા 44 વર્ષીય એમ.એસ. ધોની ફરી એકવાર પોતાનો જલવો બતાવતા જોવા મળશે. 28 માર્ચથી IPLનો પ્રારંભ થઈ રહ્યો છે. ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની પહેલી મેચ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે ગુવાહાટીમાં છે. પરંતુ આ સીઝન શરૂ થાય તે પહેલાં સૌથી મોટો સવાલ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને લઈને છે. આખરે આ ચાલુ સીઝનમાં તેની ભૂમિકા શું હશે? CSKની ટીમમાં હવે તેઓ ક્યાં ફિટ બેસે છે?
મહેન્દ્ર સિંહ ધોનીને દર વર્ષે એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ તેની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે. ધોની રમે અને ખૂબ રમે તેવું જ તેનો ચાહકવર્ગ ઇચ્છતો હશે, પરંતુ મોટો સવાલ એ છે કે આ વખતે જ્યારે સંજુ સેમસન ચેન્નઈની ટીમમાં આવી ગયો છે, અને તે પોતે પણ વિકેટકીપર છે, તો હવે આગળ શું થશે? બીજી તરફ, આ ટીમમાં વિકેટકીપરના વિકલ્પ તરીકે ઉર્વિલ પટેલ પણ છે, આવી સ્થિતિમાં માહી કયા નંબરે બેટિંગ કરશે?
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં ધોનીની શું ભૂમિકા હશે? શું તેઓ ઇમ્પેક્ટ પ્લેયર બનીને રમશે, કે પછી માત્ર એક ખેલાડી તરીકે રહેશે, તેને લઈને સવાલોના અનેક વાદળો છવાયેલા છે. સવાલ માત્ર રમવાનો નથી, પણ ટીમ કોમ્બિનેશનનો પણ છે.
સંજુ લીડરશીપનો ભાગ રહેશે- ઈરફાન પઠાણ
સ્ટાર સ્પોર્ટ્સ પર એક ચર્ચા દરમિયાન ઇરફાન પઠાણને IPL 2026માં CSK માટે ધોનીની સંભવિત ભૂમિકા વિશે પૂછ્યું હતું. તેણે જવાબ આપ્યો, ‘એમએસ ધોની અને CSK એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. ચેન્નઈની ટીમ માટે એ વિચારવું મુશ્કેલ છે કે ભવિષ્યમાં એમ.એસ. ધોની નહીં રમે, પરંતુ આ સીઝનમાં પણ તમામ ખેલાડીઓને એકજૂથ કરવામાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. મને પાકી ખબર નથી કે તે કેટલી મેચ રમશે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં તેની હાજરીથી ટીમને ઘણી મદદ મળશે.’
તેમણે આગળ ઉમેર્યું, ‘સંજુ પણ લીડરશીપ ગ્રુપનો ભાગ હશે. જ્યાં સુધી ઋતુરાજ ગાયકવાડની વાત છે, તે તો કેપ્ટન છે જ, પરંતુ એક આખા ગ્રુપ તરીકે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને 2 કે 3 ખેલાડીઓનું એકસાથે હોવું જરૂરી છે, અને અહીં જ એમએસ ધોનીની ભૂમિકા મહત્વની બની જાય છે. તેથી મને આશા છે કે તે આ બાબતમાં ચોક્કસપણે કંઈક તફાવત ઉભો કરશે, પરંતુ તેની બેટિંગ પોઝિશનને લઈને સવાલ હજુ પણ યથાવત રહેશે.’

જાડેજાએ કહ્યું હતું- હું આઉટ થાઉં તેની રાહ જુએ છે ફેન્સ
એક ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ચેન્નઈની ટીમની જે લોકપ્રિયતા છે, તેનું એક કારણ ધોનીની બ્રાન્ડ ઇમેજ જ છે. તે મેદાન પર આવે છે ત્યાર પછી જે ગ્રાઉન્ડ પર જનસૈલાબ ઉમટી પડે છે. તેનો ક્રેઝ જ અલગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ધોની ભલે ટોપ ઓર્ડરમાં આવીને ન રમતો હોય, પરંતુ તે જેટલા બોલ રમે છે, તે દરમિયાન મેચના લાઈવ સ્ટ્રીમિંગમાં પણ મોટો ઉછાળો જોવા મળે છે.
2023ની સીઝન દરમિયાન રવીન્દ્ર જાડેજાએ એક મેચના પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું હતું કે જ્યારે પણ તે CSK માટે ટૉપ ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે, ત્યારે ફેન્સ તેના જલ્દી આઉટ થવાની પ્રાર્થના કરે છે જેથી માહી ભાઈને બેટિંગ કરતા જોઈ શકાય. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફેન્સ ઇચ્છે છે કે ધોની ઉપરના ક્રમે આવીને રમે.
એબી ડીએ ધોનીના રોલ અંગે સવાલો ઉઠાવ્યા
ફેન્સની આ વાત ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ કહી ચૂક્યા છે. હાલમાં જ એબી ડી વિલિયર્સે ધોનીની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યો હતો. ડી વિલિયર્સે સ્પષ્ટ કહ્યું હતું કે જો ધોની નીચે બેટિંગ કરી રહ્યા હોય અને કેપ્ટનશીપ પણ ન કરી રહ્યા હોય, તો એવું લાગે છે કે તેઓ ખોટા કારણોસર ટીમમાં જગ્યા ભરી રહ્યા છે.

એબી ડી વિલિયર્સે સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જ્યારે IPLમાં તે દિલ્હી અને બેંગલુરુ તરફથી રમી ચૂક્યો છે.
સાઉથ આફ્રિકાના દિગ્ગજે વધુમાં સૂચન આપ્યું હતું કે ધોનીએ ઉપર બેટિંગ કરવી જોઈએ, ઓછામાં ઓછા નંબર 6 પર, અને ક્યારેક 5 કે 4 પર પણ. હકીકતમાં, આ એ જ વાત છે જે ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોકના ફેન્સ છેલ્લી એક સીઝનથી અનુભવી રહ્યા હતા, પરંતુ ખુલીને કહી શકતા નહોતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં ચેપોકમાં ચેન્નઈની IPL મેચમાં માત્ર એક જ સવાલ ફેન્સની આંખોમાં સાફ દેખાય છે, અને તે એ છે કે ધોની ક્યારે બેટિંગ કરવા આવશે? કોમેન્ટેટર્સ પણ કોમેન્ટ્રી કરતી વખતે આ જ રાહમાં રહેતા હોય છે. જેવા તેઓ ડ્રેસિંગ રૂમના પગથિયાં પર દેખાય છે, આખું વાતાવરણ બદલાઈ જતું હતું.
IPL 2025માં ધોનીએ 2 વાર નવમા નંબરે બેટિંગ કરી
જો આંકડાઓની વાત કરીએ તો, IPL 2025માં ધોનીએ 14 મેચની 13 ઇનિંગ્સમાં બેટિંગ કરી. આ દરમિયાન તે મોટે ભાગે નીચલા ક્રમે જ બેટિંગ કરવા આવ્યો હતો.
ધોનીએ નંબર 5 પર એક વાર બેટિંગ કરી અને 27 રન બનાવ્યા. છઠ્ઠા નંબર પર 2 મેચમાં 16 રન બનાવ્યા. સાતમા નંબર પર તેણે 4 મેચમાં 83 રન બનાવ્યા. આઠમા નંબર પર ધોનીએ 4 મેચમાં 39 રન બનાવ્યા.
હદ તો ત્યાં થઈ કે ધોનીએ IPLની ગત સીઝનમાં 2 વાર તો નવમા નંબરે બેટિંગ કરી હતી. RCB સામે તે ગત વર્ષે 28 માર્ચે નવમા નંબરે રમવા ઉતર્યો અને નોટઆઉટ 30 રન બનાવ્યા.
તેમજ 11 એપ્રિલે KKR સામે પણ તે નવમા નંબરે રમવા આવ્યો અને 1 રન બનાવી આઉટ થઈ ગયો. નવાઈની વાત એ હતી કે તે મેચમાં ધોની કરતા ઉપર બેટિંગ કરવા માટે રવિચંદ્રન અશ્વિન અને વિજય શંકર જેવા ખેલાડીઓ આવ્યા હતા.

ધોની પોતાની આખી IPL કરિયરમાં ક્યારેય શરૂઆતના સમયમાં નવમા નંબરે નહોતો રમ્યો. પરંતુ છેલ્લી કેટલીક સીઝનમાં તે નીચલા ક્રમે રમવા આવે છે. ધોની ગત સીઝનમાં ડેથ ઓવર્સમાં બેટિંગ કરવા આવી રહ્યો હતો અને તે પણ ઘણી મોડેથી. આ એ સમય હતો જ્યારે તેની ટીમ મોટાભાગના પ્રસંગોએ મુશ્કેલીમાં હતી, રન વધારે જોઈતા હતા અને વિકેટો ઓછી બચી હતી. તેની કેટલીક ઇનિંગ્સ યાદગાર રહી, પરંતુ ઘણી વખત ટીમ હારી પણ ગઈ. ચેપોકનો શોરબકોર, જે ક્યારેક જીતની ગેરંટી લાગતો હતો, તે પણ શાંત થઈ ગયો.
ધોની ઉપરના ક્રમે બેટિંગ કેમ કરતો નથી?
એક સવાલ એ છે કે ધોની ટૉપ ઓર્ડરમાં રમવા કેમ નથી આવતા, તો તેનું કારણ એ છે કે ટીમમાં પહેલેથી જ ઋતુરાજ ગાયકવાડ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે અને હવે સંજુ સેમસન જેવા ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં જો ધોની ઉપર આવે તો કોઈ યુવા ખેલાડીએ નીચે રમવું પડે.
આ સંજોગોમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નીચે બેટિંગ કરવી એક વિકલ્પ હોઈ શકે છે, જ્યાં ઓછી ઓવરોમાં વધુ અસર પાડી શકાય, પરંતુ હવે વિરોધી ટીમ પણ આ માટે તૈયાર છે. ગત સીઝનમાં સ્પિનરોનો ઉપયોગ ખાસ કરીને ધોની સામે કરવામાં આવ્યો છે, કારણ કે 44 વર્ષની ઉંમરે તેના રિફ્લેક્સ પહેલા જેવા નથી રહ્યા.

કુલ મળીને ડી વિલિયર્સની વાત આ સમગ્ર મુદ્દાનો સાર છે- ધોની જેવા ખેલાડીએ માત્ર ટીમમાં જગ્યા ભરવા માટે ન હોવું જોઈએ. તેમણે પોતાનો જૂનો પ્રભાવ બતાવવો પડશે અને ‘હેલિકોપ્ટર’ ચલાવવું પડશે.
યુવા ખેલાડીઓને રિટેન કર્યા, પ્રશાંત-કાર્તિકને મોટી કિંમતે ટીમમાં સામેલ કર્યા
IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ પાસે એક યુવા અને ઓછો અનુભવ ધરાવતી ટીમ છે. જ્યાં એક તરફ તેમણે IPL 2026ના ઓક્શન પહેલા આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ અને ઉર્વિલ પટેલ જેવા યંગ પ્લેયર્સને રિટેન કર્યા, તો બીજી તરફ તેમણે ઓક્શનમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયાની માતબર કિંમતે ખરીદ્યા છે. ત્યારે આ દર્શાવે છે કે CSKની ટીમ હવે ભવિષ્ય પર નજર કરી રહી છે. તેઓ પોતાના કોર ગ્રુપને તૈયાર કરી રહી છે. જે ટીમને ભવિષ્યમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.


latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


