IPL 2026 Playoffs: Chennai Needs Win Today; Rajasthan, Punjab in Race
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026ના પ્લેઓફનો રોમાંચ વધુ વધી ગયો છે. બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પોતાની પ્લેઓફની આશાઓ જીવંત રાખી. ટીમના હવે 13 મેચમાં 13 પોઈન્ટ્સ થઈ ગયા છે અને તે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સને સિઝનની 9મી હાર મળી. ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. મુંબઈ 13 મેચમાં 8 પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને છે.
હવે ચોથા સ્થાન માટે રાજસ્થાન, પંજાબ, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો જામ્યો છે. ચેન્નઈ આજે ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે અને ટીમને કોઈ પણ ભોગે જીત જોઈએ છે.
પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ…
| રેન્ક | ટીમ | મેચ | જીત | હાર | નો રિઝલ્ટ | પોઇન્ટ્સ | નેટ રન રેટ (NRR) |
| 1 | RCB (Q) | 13 | 9 | 4 | 0 | 18 | +1.065 |
| 2 | GT (Q) | 13 | 8 | 5 | 0 | 16 | +0.400 |
| 3 | SRH (Q) | 13 | 8 | 5 | 0 | 16 | +0.350 |
| 4 | RR | 13 | 7 | 6 | 0 | 14 | +0.083 |
| 5 | PBKS | 13 | 6 | 6 | 1 | 13 | +0.227 |
| 6 | KKR | 13 | 6 | 6 | 1 | 13 | +0.011 |
| 7 | CSK | 13 | 6 | 7 | 0 | 12 | -0.016 |
| 8 | DC | 13 | 6 | 7 | 0 | 12 | -0.871 |
| 9 | MI (E) | 13 | 4 | 9 | 0 | 8 | -0.510 |
| 10 | LSG (E) | 13 | 4 | 9 | 0 | 8 | -0.702 |
બધી ટીમોનું સમીકરણ
કોલકાતાને બે સ્થાનનો ફાયદો
મુંબઈ પર જીત બાદ કોલકાતા પ્લેઓફની રેસમાં ટકી રહી છે. ટીમના 13 મેચમાં 13 પોઈન્ટ્સ છે અને બે સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ટીમનો છેલ્લો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે છે. KKRને પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી પડશે, સાથે જ રાજસ્થાન અને પંજાબના હારવાની પણ આશા રાખવી પડશે.
ચેન્નઈને આજે જીતવું જરૂરી
ચેન્નઈ 13 મેચમાં 12 પોઈન્ટ્સ સાથે સાતમા સ્થાને આવી ગઈ છે. ટીમને કોલકાતાની જીતથી એક સ્થાનનું નુકસાન થયું છે. ચેન્નઈનો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ સામે થશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે CSKને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. હાર સાથે ટીમની સફર સમાપ્ત થઈ જશે.
બેંગલુરુ ટોપ પર યથાવત
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 પોઈન્ટ્સ અને +1.065 નેટ રનરેટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જો નેટ રનરેટમાં મોટો ઉલટફેર ન થયો તો RCBનું ક્વોલિફાયર-1 રમવું નિશ્ચિત છે.
ગુજરાત અને હૈદરાબાદમાં ટોપ-2ની જંગ
ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 16-16 પોઈન્ટ્સ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. ગુજરાતનો છેલ્લો મુકાબલો ચેન્નઈ સામે છે. ટીમ અહીં જીત નોંધાવે છે તો 18 પોઈન્ટ્સ સાથે ક્વોલિફાયર-1 રમી શકે છે. જ્યારે હૈદરાબાદનો સામનો બેંગલુરુ સામે થશે. SRHને ટોપ-2માં સ્થાન બનાવવા માટે RCBને મોટા અંતરથી હરાવવું પડી શકે છે.
રાજસ્થાન પ્લેઓફ રેસમાં સૌથી આગળ
રાજસ્થાન રોયલ્સ 14 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને યથાવત છે. ટીમનો છેલ્લો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે છે. 24 મેના રોજ જો રાજસ્થાન જીતશે તો 16 પોઈન્ટ્સ સુધી પહોંચી જશે અને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી લેશે.
પંજાબ માટે કરો યા મરોની સ્થિતિ
પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ટીમ સતત 6 મેચ હારી ચૂકી છે. પંજાબને પ્લેઓફની આશાઓ જીવંત રાખવા માટે લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત નોંધાવવી જ પડશે. સાથે જ રાજસ્થાન હારે તેવી પણ આશા રાખવી પડશે.
દિલ્હીની આશાઓ હજુ પણ જીવંત
દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ્સ સાથે આઠમા સ્થાને સરકી ગઈ છે. ટીમનો નેટ રનરેટ (-0.871) નબળો છે. દિલ્હીને છેલ્લી મેચમાં કોલકાતા સામે મોટા અંતરથી જીત નોંધાવવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
મુંબઈ-લખનઉ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પહેલાથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ 8 પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને છે, જ્યારે લખનઉ 8 અંક સાથે છેલ્લા સ્થાને છે. મુંબઈની છેલ્લી મેચ રાજસ્થાન સામે થશે જ્યારે લખનઉની પંજાબ સામે થશે.
ટૂર્નામેન્ટના ટોચના ખેલાડીઓ…
સૂર્યવંશી ઓરેન્જ કેપ હોલ્ડર
રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 13 મેચમાં 579 રન બનાવ્યા છે અને હેનરિક ક્લાસેનને પાછળ છોડીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે.
સૂર્યવંશી આ સિઝનમાં 236.32ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 1 સદી, 3 અડધી સદી અને 53 છગ્ગા ફટકાર્યા છે, જે આ સિઝનમાં સૌથી વધુ છે. લખનઉ સુપર જાયન્ટ્સના મિચેલ માર્શ 563 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન 555 રન સાથે ત્રીજા સ્થાને છે.
ભુવનેશ્વર પાસે પર્પલ કેપ યથાવત
બેંગલુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 24 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર બન્યો છે. ગુજરાતના કાગીસો રબાડા 21 વિકેટ સાથે બીજા સ્થાને છે. ચેન્નઈના અંશુલ કંબોજ 20 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


