Jackie Shroff The Great Grand Superhero Alien Ka Aagman Movie Update; Title Launched With 10000 Plants Creating Golden World Record VIDEOS

Last Updated: May 25, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Jackie Shroff The Great Grand Superhero Alien Ka Aagman Movie Update; Title Launched With 10000 Plants Creating Golden World Record VIDEOS

14 મિનિટ પેહલાલેખક: જ્હાનવી ટીલાવત

  • કૉપી લિંક

બોલિવૂડના ‘ભીડુ’ એટલે કે જેકી શ્રોફ એક સાઈ-ફાઈ (સાયન્સ ફિક્શન) સુપરહીરો ફિલ્મ લઈને આવી રહ્યા છે. એક્ટિંગની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ અનોખો પ્રેમ ધરાવતા જેકી શ્રોફ અને ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોઃ એલિયન કા આગમન’ના મેકર્સે ફિલ્મના પ્રમોશન માટે એક નવતર પ્રયોગ કર્યો છે.

‘ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ’ એનાયત કરાયો

‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’ના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય કલાકાર જેકી શ્રોફ અને ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા ડિરેક્ટર મનીષ સૈની અમદાવાદના મહેમાન બન્યા હતા. જેકી શ્રોફે 10,000 જેટલા જીવંત રોપાઓનો ઉપયોગ કરીને બનાવેલા ફિલ્મના ટાઇટલનું અનાવરણ કર્યું. સિનેમા અને પર્યાવરણીય જાગૃતિનો સુમેળ સાધતી આ અનોખી પ્રવૃત્તિને ‘જમીન પર છોડ દ્વારા અક્ષરોની સૌથી મોટી રચના’ માટે ‘ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

પ્રમોશન અને પર્યાવરણ જાગૃતિનો સંગમ દેખાયો.

પ્રમોશન અને પર્યાવરણ જાગૃતિનો સંગમ દેખાયો.

સુપરહીરોનું નામ સાંભળતા જ કોઈ હોલિવૂડની VFXથી સજ્જ ફિલ્મ જ યાદ આવી જાય. ત્યારે એક બાળક માટે તેના પિતા, તેના દાદા પણ સુપરહીરો હોઈ શકે છે. તેવામાં દાદા અને પૌત્ર વચ્ચેના પ્રેમ, લાગણી અને પરિવારમાં છૂપાયેલા રહસ્યની વાર્તાને ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’માં વણી લેવામાં આવી છે.

જેકી શ્રોફે ફિલ્મ વિશે ખૂલીને વાત કરી.

જેકી શ્રોફે ફિલ્મ વિશે ખૂલીને વાત કરી.

‘હાથી જેવા બાળકોની સામે હું ઉંદર લાગુ છું’

બાળકો સાથેના પોતાના ખાસ લગાવ વિશે વાત કરતા જેકી શ્રોફે કહ્યું, ‘ફિલ્મમાં દરેક બાળકો મારા બાપ હતા. ખૂબ એડવાન્સ બાળકો છે. જ્યારે લંચ બ્રેક હોય, તો તેઓ ધમાલ-મસ્તી કરતા હોય, અને જેવો શોટ રેડી થાય એટલે માત્ર એક્ટિંગ પર ફોકસ. આ બાળકો કામને લઈને એટલા ગંભીર છે કે, આપણને લાગે કે આપણે તો તેમની સામે બિલકુલ કાચા છીએ. એ બાળકો જ્યારે ચાલતા હોય, ત્યારે મને લાગે કે તેઓ હાથી છે અને હું ઉંદર છું. તેઓ એટલા મોટા એક્ટર છે. તેઓ સમય પહેલાં જ બધુ શીખી લે છે.’

ફિલ્મમાં દાદા-પૌત્ર અને તેના મિત્રોની વાર્તા છે.

ફિલ્મમાં દાદા-પૌત્ર અને તેના મિત્રોની વાર્તા છે.

‘મનીષ સૈની મારો ચિત્રકાર છે’

‘કિંગ અંકલ’ અને ‘ભૂત અંકલ’ જેવી ફિલ્મોમાં બાળકો સાથે કામ કર્યું, અને અત્યારે જે બાળકો સાથે કામ કર્યું, એ બંનેમાં કેટલો અંતર લાગી રહ્યો છે? તેનો જવાબ આપતા જેકી શ્રોફે કહ્યું, ‘આજના બાળકો ખૂબ આગળ છે. પહેલાંના બાળકો પણ હોંશિયાર હતા, પણ અત્યારના બાળકોમાં સ્પર્ધાત્મક અભિગમ વધારે છે. તેઓ કોહીનુર જેવા હીરા છે.’

ડિરેક્ટર મનીષ સૈનીએ જેકી શ્રોફના ખોબલે ખોબલે વખાણ કર્યા.

ડિરેક્ટર મનીષ સૈનીએ જેકી શ્રોફના ખોબલે ખોબલે વખાણ કર્યા.

ફિલ્મ વિશે વાત કરતા જેકી શ્રોફે કહ્યું, ‘આ બાળકોની ફિલ્મ છે. ફિલ્મમાં એલિયન ઝાડ અને પાણી માટે આવશે. અંતરિક્ષમાં તે લોકો પાસે પાણી અને વૃક્ષ નથી, તેથી તેઓ અહિં આવે છે. આ ફિલ્મનો ભાગ બનવાનું થયું, ત્યારે હું નાના બાળકની જેમ ખુશ થઈ ગયો હતો. મનીષ સૈની મારો ચિત્રકાર છે. મેં દાદાનું પાત્ર મારા પિતાને ધ્યાને રાખીને ભજવ્યું છે, કારણ કે તે મારા દીકરા ટાઇગરના દાદા છે. પણ તે એવા નહોતા જેવું ફિલ્મમાં પાત્ર દેખાડવામાં આવ્યું છે. તેથી ડિરેક્ટરે જે કહ્યું, તે રીતે મેં પાત્ર ભજવ્યું છે. હું કેન્વસ જેવો ગયો, તેણે તેમાં ચિત્ર દોર્યું.’

‘એલિયન અને સુપરહીરો એક સિક્કાની બે બાજુ છે’

એલિયન અને સુપરહીરોને સાથે લાવવાના વિચાર અંગે મનીષ સૈનીએ કહ્યું, ‘એલિયન અને સુપરહીરો એક સિક્કાની બે બાજુ છે. જે રીતે જ્યાં રાવણ હશે, ત્યાં રામ આવશે, તે રીતે આ ફિલ્મમાં પણ એલિયન છે અને સુપરહીરો છે. આ ફિલ્મનો સુપરહીરો અલગ છે. એક દાદા છે, જેનું સમયસર પેન્શન આવતું નથી, તે કેવી રીતે સુપરહીરો બનશે. જ્યાં સુધી શ્વાસ ચાલે છે, ત્યાં સુધી તમે સુપરહીરો છો.’

મનીષ સૈનીએ કહ્યું, 'હું મોટું સ્ટારડમ વિચારી શકતો નથી, નાની-નાની વાતમાં મોટી-મોટી ખુશીઓ વિશે વિચારું છું.'

મનીષ સૈનીએ કહ્યું, ‘હું મોટું સ્ટારડમ વિચારી શકતો નથી, નાની-નાની વાતમાં મોટી-મોટી ખુશીઓ વિશે વિચારું છું.’

જેકી શ્રોફ સાથે કામ કરવા વિશે ડિરેક્ટરે કહ્યું, ‘જ્યારે તમને એવા એક્ટર મળે, જે તમારા પર વિશ્વાસ કરતા હોય, ત્યારે કામ કરવાની મજા આવે છે. ડિરેક્ટર અને એક્ટર વચ્ચે સારું રિલેશન જરૂરી છે. સર આટલા સિનિયર છે, ત્યારે તેમની સાથે કામ કરતા પહેલા મને થોડો સંકોચ થતો હતો.’

‘મારામાંથી હજુ બાળક નીકળ્યો જ નથી’

નેશનલ એવોર્ડને ધ્યાને રાખીને ફિલ્મ બનાવવા વિશે પૂછતા મનીષ સૈનીએ કહ્યું, ‘જ્યારે મેં પહેલી ફિલ્મ બનાવી હતી- ‘ઢ’ ત્યારે આ વિચાર સાથે જ બનાવી હતી, પણ ત્યારબાદ મેં કોઈ ફિલ્મ માટે એવું વિચાર્યું નથી. પહેલી ફિલ્મ પૈસા માટે નહીં પણ ઓળખ (રેકગ્નિશન) માટે બનાવી હતી. એક લેખકને એવું હોય છે કે, જે વાત ઉપર હું હસું છું, તેના પર સૌને હસાવું. લોકો મને પૂછે છે કે, ‘બાળકો પર જ શા માટે ફિલ્મો બનાવો છો?’ તો હું કહું છું કે, મારામાંથી બાળક હજુ બહાર નીકળ્યો જ નથી. હું મોટું સ્ટારડમ વિચારી શકતો નથી, હું નાની નાની વાતમાં મોટી મોટી ખુશીઓ વિશે વિચારું છું. આ વાર્તા જ્યારે મગજમાં આવી, તો સારી વાર્તા મગજમાં લાંબો સમય ટકતી નથી, તેને કાગળ ઉપર ઉતારવી પડે છે, જેવી લખાય જાય પછી તમે વિચારો છો કે કોની પાસે આને લઈ જાઉં? આ જર્ની એકદમ સ્મૂધ રહી છે. સાડા નવ મહિનામાં અમે આ ફિલ્મ બનાવી છે.’

'ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો' ફિલ્મ સાયન્સ ફિક્શન છે, જેમાં 90ના દાયકાનો નોસ્ટાલ્જિયા અનુભવાશે.

‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’ ફિલ્મ સાયન્સ ફિક્શન છે, જેમાં 90ના દાયકાનો નોસ્ટાલ્જિયા અનુભવાશે.

29 મે 2026ના રોજ રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મના મેસેજ વિશે વાત કરતા જેકી શ્રોફે કહ્યું કે, ‘બાળકોનું ધ્યાન રાખો, તેમની વાત સાંભળો, તેમના સપનાઓ વિશે જાણો. જ્યારે બાળક ખુશ હોય, ત્યારે આખો પરિવાર ખુશ રહે છે.’

ઝી સ્ટુડિયોઝ અને અમદાવાદ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’નું ડિરેક્શન અને લેખન મનીષ સૈનીએ કર્યું છે. આ ફિલ્મ 29 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Leave A Comment